ક્ષત્રિય આંદોલન અને અન્ય અનેક મુદ્દાઓને લઈને ચર્ચામાં આવતા રહેતા પી.ટી જાડેજા વિરુદ્ધ વ્યાજખોરી અને બળજબરીથી રૂપિયા વસુલીના આરોપસર FIR નોંધાઈ છે. રાજકોટના એક વેપારીએ પી.ટી જાડેજા વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને રાવ કરી છે કે પી.ટીએ વ્યાજવા રૂપિયા બદલ જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજો અને સિક્યુરિટી ચેક દબાવી રાખીને ગેરકાયદેસર લાખોની ઉઘરાણી કરી છે. ફરીયાદીનું કહેવું છે કે, મુદ્દલ અને વ્યાજની રકમ પરત આપ્યા બાદ પણ આરોપી દ્વારા તેમને ધાકધમકીઓ આપીને પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા.
ફરિયાદ અનુસાર, પીડિત સુરેશ પરમાર દ્વારા ગત ફેબ્રુઆરી 2024માં ધંધાર્થે ₹60,00,000ની જરૂર પડતા તેમના એક મિત્રના માધ્યમથી પી.ટી જાડેજા પાસે ત્રણ ટકાના વ્યાજે રૂપિયા ઉધાર માંગ્યા હતા. વેપારીએ FIRમાં જણાવ્યા અનુસાર, પી.ટીએ તેમને 22 માર્ચ 2024ના રોજ દર મહિનાના 3 ટકા લેખે ₹60,00,000 આપવાની તૈયારી દર્શાવી અને તેમાંથી 3 મહીનાના 3% લેખે એડવાન્સ વ્યાજ પેટે ₹5,40,000 કાપી તેમને ₹29,60,000 લાખ રોકડા અને ₹25,00,000નુ RTGS કરીને કુલ ₹54,60,000 વ્યાજવા આપ્યા હતા. જાડેજાએ વેપારી પાસેથી આ રૂપિયાની સિક્યુરિટી પેટે તેમના મકાનના અસલ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની અને રાજકોટ નાગરીક બેંકના 5-5 લાખના 7 ચેક લખાવી લીધા હતા. વેપારીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિના સુધી તેઓ દર મહીને 3% લેખે વ્યાજ ના ₹1,80,000 રોકડા મિત્ર મારફતે પી.ટી.જાડેજાને પહોંચાડી દેતા હતા.
‘જિંદગી બગાડી નાંખીશ, ક્યાયનો નહીં રહેવા દઉં, ચોકમાં લાવીને મારીશ’- પી.ટી જાડેજા
વેપારીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 21 ઑગસ્ટ 2024ના રોજ તેમને પી.ટી.જાડેજાની ઓફીસમાં કામ કરતા વ્યક્તિએ મૂળ મુદ્દલ પરત આપી જવા કહ્યું હતું. વેપારીએ વ્યવસ્થા ન હોવાની અને નિયમિત વ્યાજ ચૂકવવાની વાત કરતા પી.ટી.જાડેજાએ મૂળ મુદ્દલની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. જાડેજાએ વેપારીના મિત્ર મારફતે મોકલવામાં આવેલા વ્યાજના રૂપિયા લેવાની ના પાડીને મુદ્દલની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. તેમણે વેપારીને ફોન કરીને ધમકી આપી હતી કે, “આજ રાતના 12 વાગ્યા સુધીમાં પૈસા નહી આપે તો તારી અને યશપાલની જિંદગી બગાડી નાખીશ. તમને બંનેને ક્યાંયના નહી રહેવા દઉ અને રાજકોટ રહેવા નહી દઉ.” આ ધમકીઓની સાથે પી.ટી જાડેજાએ વેપારીને અભદ્ર ગાળો પણ ભાંડી હતી. આટલેથી મન ન ભરાતા પી.ટીના માણસો વેપારીને અડધો-અડધો કલાકે ફોન કરીને કહેતા કે, “તમે પૈસા લઈ તાત્કાલિક આવી જાઓ, નહિતર તમને તથા તમારા મિત્રને પી.ટી.જાડેજા બાપુ ચોકમાં લાવીને જાહેરમાં મારશે.”
રૂપિયા મોડા આપ્યા, 10% વ્યાજ આપીશ તો જ છુટકારો થશે
વાત વણસતી જોઈને વેપારીએ પોતાના મોટા ભાઈની મદદથી તારીખ 10/09/2024ના રોજ પી.ટી.જાડેજાને આપવાના મુદલના ₹60,00,000 પૈકીના ₹30,00,000 પી.ટી.જાડેજાના ખાતામાં RTGS મારફતે અને ₹29,60,000 રોકડા ચૂકવી દીધા હતા. રૂપિયા આપ્યા બાદ વેપારીએ પી.ટી જાડેજા અને તેમના મળતિયાઓ પાસે સિક્યુરિટી પેટે આપેલા ચેક અને જમીનના દસ્તાવેજ તથા પાવર ઓફ એટર્ની માંગતા તેમણે ગલ્લા-તલ્લા કરવા માંડ્યા હતા. થોડા સમય બાદ પી.ટીના મળતિયાએ વેપારીને ફોન કરીને ધમકીના સૂરમાં કહ્યું હતું કે, “તમે પી.ટી જાડેજા બાપુને રૂપિયા મોડા આપ્યા છે, આથી તમારે ₹60,00,000નું 10% લેખે વ્યાજ ચૂકવવું પડશે, નહીં તો તમારા ચેક અને અન્ય દસ્તાવેજો પાછા નહીં મળે.”
ઉલ્લેખનીય છે કે, વેપારી શરત મુજબ ₹60,00,000 ઉધારીના બદલે ₹29,60,000 રોકડા અને ₹30,00,000 RTGS મારફતે તથા તમામનું ₹10,80,000 વ્યાજ ચૂકવી ચૂક્યા હતા. વેપારીની ફરિયાદ અનુસાર તેમણે પી.ટી જાડેજાને ₹60,00,000ની સામે ₹70,80,000 ચૂકવવા છતાં તેમની પાસેથી વધારાના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. પીટી અને તેમના માણસો દ્વારા ફોન પર સતત ધમકીઓ આપવામાં આવતી હોવાની રાવ કરતા રાજકોટ પોલીસે પી.ટી જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384, 504, 506 તેમજ મનીલેન્ડર્સ એક્ટ 40, 42 હેઠળ FIR નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.