ભારતીય જનતા પાર્ટી (BJP) લગભગ 27 વર્ષ પછી દિલ્હીની (Delhi) સત્તામાં પરત ફરી રહી છે. 19 ફેબ્રુઆરીના રોજ પાર્ટી ધારાસભ્યોની બેઠક બાદ રેખા ગુપ્તાનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રેખા ગુપ્તા (Rekha Gupta) 20 ફેબ્રુઆરીએ શપથ લીધા છે. તેમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક રામલીલા મેદાનમાં યોજાઈ રહ્યો છે. ભાજપે મંત્રીમંડળની (Cabinet) પસંદગીમાં દરેક વર્ગ અને સમુદાયને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ બનાવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ જાહેર થયા બાદ ભાજપે આપેલ યાદી અનુસાર પ્રવેશ વર્મા, મનજિંદર સિંઘ, કપિલ મિશ્રા, આશિષ સૂદ, રવીન્દ્ર ઇન્દ્રરાજ અને પંકજ સિંઘ સહિતના નેતાઓ રેખા ગુપ્તા સાથે આજે શપથ લીધી છે.

પ્રવેશ વર્મા
પ્રવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંઘ વર્માના પુત્ર છે. તેમણે 2013માં રાજકારણમાં પ્રવેશ કર્યો. 2013માં તેમણે પહેલી વાર દિલ્હીની મહેરૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને હરાવ્યા હતા. 2014 અને 2019માં, તેઓ પશ્ચિમ દિલ્હી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્માએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 4 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.
આશિષ સૂદ
આશિષ સૂદ જનકપુરીથી પ્રથમવાર ધારસભ્ય તરીકે ચૂંટાયા છે અને આજે મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમને દિલ્હીમાં પંજાબી સમુદાયનો એક મોટો ચહેરો માનવામાં આવે છે. તેઓ તેમના કોલેજ કાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP સાથે જોડાયેલ હતા આ ઉપરાંત તેઓ સંઘ સાથે જોડાયેલા છે તથા ભાજપના યુવા મોરચામાં પણ મહત્વપૂર્ણ હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેમણે જમ્મુ અને કાશ્મીર અને ગોવા જેવા રાજ્યોમાં પાર્ટી માટે કામ કર્યું છે.
મનજિંદર સિંઘ સિરસા
ભારતીય જનતા પાર્ટીએ મનજિંદર સિંઘ સિરસાને રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠકની ટિકિટ આપી હતી. 52 વર્ષીય મનજિંદર સિંઘે AAP ધારસભ્ય ધનવતી ચંદેલાને 18,190 મતથી હરાવીને રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક જીતી હતી. તેઓ શિરોમણી અકાલી દળ સાથે જોડાયેલા હતા. ડિસેમ્બર 2021માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે 2013થી 2015 અને 2017થી 2020 સુધી દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
રવીન્દ્ર સિંઘ (ઇન્દ્રાજ)
ભાજપે કેબિનેટ માટે નક્કી કરેલા નામોમાં દલિત સમુદાયમાંથી આવતા રવિન્દ્ર ઇન્દ્રાજ સિંઘનો પણ સમાવેશ છે. રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંઘે બવાના વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના જય ભગવાન ઉપકરને 31,475 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેઓ બાવાના અનામત બેઠક પરથી પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. ઇન્દ્રરાજ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક છે.
કપિલ મિશ્રા
દિલ્હી રમખાણો થયા ત્યારે કપિલ મિશ્રાનું નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું. તેઓ વર્ષ 2017માં આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. ભાજપે વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને મિશ્રાને કરાવલ નગર બેઠક પરથી ટિકિટ આપી હતી, જેમાં તેમણે જીત મેળવી છે. મે 2017માંતેમણે કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારપછી કપિલને પહેલા મંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, તે પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.
પંકજ સિંઘ
પંકજ સિંઘે વિકાસપુરી બેઠક પરથી જીત મેળવી છે, નોંધનીય છે કે આ સીટ પર ભાજપ પણ પ્રથમવાર જ જીત્યું છે. પંકજ કુમાર સિંઘે AAPના મહેન્દ્ર યાદવને 12876 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પંકજ સિંઘ પૂર્વાંચાલી ઠાકુર છે. તેઓ દિલ્હી નગર નિગમમાં ઘણી જવાબદારીઓનું વહન કરી ચુક્યા છે. તેમના પિતા રાજા મોહન સિંઘ એમસીડીના પૂર્વ કમિશ્નર પણ રહી ચૂક્યા છે.