દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ (Delhi Assembly Elections Result 2025) દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભાજપે લગભગ એકતરફી વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. જોકે વાત માત્ર ભાજપની જીત પૂરતી માર્યાદિત નથી. આ ચૂંટણીમાં ભાજપે AAP સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ સહિતના અનેક મોટા નેતાઓને પણ ઘરભેગા કરી દીધા છે. 10 વર્ષ સુધી CM રહેલા કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીના યુવાનેતા, પૂર્વ સાંસદ પ્રવેશ સાહિબ સિંઘ વર્માએ મ્હાત આપી છે અને એક નવો ઇતિહાસ લખ્યો છે.
કેજરીવાલ પહેલેથી નવી દિલ્હી બેઠક પરથી જ લડતા આવ્યા છે અને એક દાયકા સુધી અહીંથી જ ધારાસભ્ય રહ્યા. આ બેઠક એક રીતે કેજરીવાલનો ગઢ માનવામાં આવતી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અહીંથી પૂર્વ સાંસદ પ્રવેશ સાહિબ સિંઘ વર્માને ઉતાર્યા હતા. તેમણે એવો ઝંઝાવાતી પ્રચાર કર્યો, કેજરીવાલને એવો પડકાર ફેંક્યો કે જે લડાઈ કેજરીવાલ માટે અત્યંત સરળ હતી એ રસાકસીના યુદ્ધમાં ફેરવાઈ ગઈ અને આખરે પરિણામ શું આવ્યું એ સૌની સામે છે.
દિલ્હી ચૂંટણીમાં અને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં પ્રવેશ વર્માનું એક યોગદાન એ પણ છે કે તેમણે નવી દિલ્હી બેઠક પર સતત કેજરીવાલને વ્યસ્ત રાખ્યા અને AAP અને કેજરીવાલ સામે જે આક્રમક પ્રચાર કર્યો તેનાથી અન્ય બેઠકો પર પણ ઘણીખરી અસર પડી. ભાજપના પક્ષમાં એક માહોલ બનતો દેખાયો અને કેજરીવાલ સામે એક વ્યવસ્થિત નરેટિવ ઘડાયો. આ લેખમાં પ્રવેશ વર્મા વિશે થોડી વધુ જાણકારી મેળવીએ, તેમને નજીકથી ઓળખીએ.
કોણ છે પ્રવેશ વર્મા
પ્રવેશ વર્મા દિલ્હીના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક એવા સાહિબ સિંઘ વર્માના પુત્ર છે. તેમનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીમાં એક હિંદુ જાટ પરિવારમાં થયો હતો. તેમને એક ભાઈ અને ત્રણ બહેનો છે.
વર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલ આરકે પુરમમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી દિલ્હી યુનિવર્સિટીની કિરોરીમલ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી તેમણે સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું. તેમનો વ્યવસાય અને મેનેજમેન્ટ ક્ષેત્રે પણ સારો પ્રભાવ છે. પ્રવેશ સિંઘ વર્મા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ કેશવપુરમના કાર્યવાહ પણ રહી ચૂક્યા છે.
પ્રવેશ વર્માનાં લગ્ન મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા વિક્રમ વર્માની પુત્રી સ્વાતિ સિંઘ વર્મા સાથે થયાં છે. વિક્રમ સિંઘ પણ રાજ્યસભાના સાંસદ તથા 2002થી 2004 સુધી અટલ બિહારી વાજપેયીની સરકારમાં યુવા અને રમતગમત બાબતોના મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રવેશ અને સ્વાતિને ત્રણ બાળકો છે. એક પુત્ર અને બે પુત્રીઓ.
રાજનીતિમાં પ્રવેશ
ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ વર્માનો પ્રવેશ છેક વર્ષ 2013માં થયો. પણ તેમનું કહેવું છે કે જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં અને ત્યારબાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ ન આપી ત્યારે કોંગ્રેસે અને રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તેમને પાર્ટીમાં આવવા માટેની ઑફર આપી હતી અને ટિકિટનો પણ વાયદો કર્યો હતો. પરંતુ પ્રવેશ વર્મા કહે છે કે તેમનો આશય ક્યારેય ચૂંટણી લડવા સુધી સીમિત ન હતો અને પોતે સંઘમાંથી આવતા હોવાના કારણે વિચારધારા સાથે સમાધાન કરવાનું ક્યારેય વિચાર્યું નહીં એટલે કોંગ્રેસની અનેક ઑફરોને તેઓ લાત મારતા રહ્યા હતા.
આખરે 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહેરૌલી સીટ પરથી પાર્ટીએ તેમને ટિકિટ આપી અને ત્યારબાદ તેઓ જીત્યા પણ ખરા. ત્યારબાદ 2014માં લોકસભા ચૂંટણી સમયે તેમને પાર્ટીએ સાંસદની ટિકિટ આપી અને પશ્ચિમ દિલ્હી સંસદીય બેઠક પરથી જીત પણ મેળવી. ત્યારપછી તેમણે 2019ની ચૂંટણીમાં ફરીથી પ્રચંડ વિજય મેળવ્યો, જ્યાં તેઓ 5.78 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા. નોંધવું જોઈએ કે આ ચૂંટણીઓ એવા સમયે થઈ હતી જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ઘણું વધારે હતું.
સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ સંસદસભ્યોના પગાર અને ભથ્થાં પરની JPCના સભ્ય તથા શહેરી વિકાસ પરની સ્થાયી સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમની ટિકિટ કાપી હતી. ત્યારથી જ અટકળો વહેતી થઈ કે તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. પરંતુ જ્યારે ભાજપે નવી દિલ્હી બેઠક પરથી તેમનું નામ ઘોષિત કર્યું તો અચાનક ધ્યાન તેમની ઉપર કેન્દ્રિત થયું, કારણ કે તેમનો સામનો આ ચૂંટણીના મુખ્ય ચહેરાઓ પૈકીના એક અરવિંદ કેજરીવાલ સામે હતો.
કેજરીવાલ વિરુદ્ધનું અભિયાન
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રવેશ વર્માએ ‘કેજરીવાલ હટાવો, દેશ બચાવો’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન તેમણે AAP સરકારની ટીકા કરી અને એવાં વચનો ગણાવ્યાં જે AAP સરકાર પૂર્ણ કરી શકી નથી. તેમણે પ્રદૂષણની ચિંતાઓ, મહિલાઓની સલામતી અને માળખાગત સુવિધાઓના વિકાસની, આકરી ટીકા કરી હતી. ઉપરાંત AAP સરકારના યમુના નદીને સાફ કરવાનું વારંવાર અપાયેલું વચન પણ યાદ કરાવ્યું હતું.
આ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ઘણાં વચનો આપ્યાં, જેમાં યમુના પર સાબરમતી જેવો રિવરફ્રન્ટ બનાવવો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘર આપવા અને તેમને માળખાગત સુવિધાઓ પૂરી પાડવી, 50,000 સરકારી નોકરીઓ, ફ્લાયઓવર અને પ્રદૂષણમુક્ત રાષ્ટ્રીય રાજધાનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રવેશ વર્માએ મહિલાઓને પોતાના ઘરે બોલાવી અને તેમને 1100 આર્થિક મદદ આપવાનું પણ શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના પણ મજબૂત દાવેદાર છે, તેમને આગામી CM ચહેરો માનવામાં આવી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે પોતાને જે જવાબદારી મળી હતી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને આગળ પણ પાર્ટી માટે કામ કરતા રહેશે.