Friday, January 31, 2025
More
    હોમપેજમંતવ્યશરૂ થઈ ગયું સંસદ સત્ર, પણ દર વખતે વિદેશી ટૂલકિટના જોરે હોબાળો...

    શરૂ થઈ ગયું સંસદ સત્ર, પણ દર વખતે વિદેશી ટૂલકિટના જોરે હોબાળો મચાવતી ગેંગ શાંત: ‘રણનીતિ’ બદલી કે પોલ ખુલી જવાનો ડર?

    તમામ પાછળ એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી જોવા મળશે. દર વખતે વિદેશમાંથી એવો મુદ્દો આવે છે, જેને દેશના આંતરિક રાજકારણ સાથે લેવાદેવા હોય. જે મોટેભાગે સરકારવિરોધી કે ભારતની છબી પર અસર કરતો મુદ્દો હોય. તેને માથે લઈને વિપક્ષ હોબાળો મચાવે છે, સંસદના સત્રમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરે છે, જેના લીધે કાર્યવાહી થઈ શકતી નથી, જે કામ કરવાનું છે એ બાજુ પર રહી જાય છે. 

    - Advertisement -

    શુક્રવારથી (31 જાન્યુઆરી) સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પરંપરા મુજબ પહેલા દિવસે રાષ્ટ્રપતિ અભિભાષણ કરશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં વાર્ષિક બજેટ રજૂ કરશે, જે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. ત્યારબાદ તેની ઉપર ચર્ચા ચાલશે અને અન્ય અનેક વિધેયકો મોદી સરકાર રજૂ કરવા જઈ રહી છે, તેની ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરીને પસાર કરવામાં આવશે. આ બિલોમાં બહુચર્ચિત વકફ સંશોધન બિલ પણ સામેલ છે, જેને સંયુક્ત સંસદીય સમિતિ અમુક સુધારાઓ સાથે પાસ કરી ચૂકી છે. હવે ચર્ચા માટે લોકસભામાં મૂકાશે. 

    સંસદના દરેક સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન મોદી ભવનની બહાર મીડિયાને સંબોધિત કરે છે. જે મોટેભાગે દસ-બાર મિનિટનું જ સંબોધન હોય છે, જેમાં તેઓ સત્ર વિશે અને તેમાં સરકાર શું કરવા જઈ રહી છે વગેરે બાબતો પર વાતો કરે છે. પણ આ વખતના સંબોધનમાં તેમણે એક અગત્યની વાત પર ધ્યાન દોર્યું, જે અત્યાર સુધી આપણાં ધ્યાને ચડી ન હતી. 

    વડાપ્રધાને કહ્યું કે, 2014 પછી સંભવતઃ આ પ્રથમ એવું સંસદનું સત્ર હશે, જેમાં વિદેશથી કોઈ તણખો ઝર્યો નથી. તેમણે કહ્યું, “હું દસ વર્ષથી, 2014થી જોઈ રહ્યો છું. દરેક સત્ર પહેલાં તોફાન કરવા માટે અમુક તૈયાર રહે છે અને અહીં હવા આપનારાઓની પણ અછત નથી. હું પહેલી વખત જોઈ રહ્યો છું કે કોઈ વિદેશી ખૂણામાંથી કોઈ તણખો ઝર્યો નથી.”

    - Advertisement -

    તેમનો સીધો સંકેત વિપક્ષીઓ તરફ હતો. આ વખતે ખરેખર સત્ર પહેલાં એવું કશું બન્યું નથી, જેનાથી આ ટોળકીને હોબાળો મચાવવા માટે તક મળે. અન્યથા તમે એક પેટર્ન જોશો તો સમજાશે કે કાયમ જ્યારે-જ્યારે દેશમાં સંસદનું સત્ર શરૂ થવાનું હોય તે પહેલાં જ એવો કોઈ મુદ્દો લાવવામાં આવે છે, જેની મદદથી આખા સત્ર દરમિયાન વિપક્ષ હોહા કર્યા કરે છે અને સંસદની કાર્યવાહીમાં સતત વિક્ષેપ પડતો રહે છે. 

    થોડાં ઉદાહરણો જોઈએ. 

    તાજું ઉદાહરણ આ પહેલાંના શિયાળુ સત્રનું છે. 25 નવેમ્બરે સત્ર શરૂ થવાનું હતું અને 21 નવેમ્બરે અમેરિકામાંથી એક સમાચાર સામે આવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત વ્યક્તિઓ સામે પ્રોજેક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપવા માટે કેસ ચલાવવામાં આવશે. 

    આ સમાચાર સામે આવતાંની સાથે જ ઇકોસિસ્ટમ સક્રિય થઈ ગઈ અને અદાણી આમ પણ તેમનો પ્રિય વિષય છે. તરત સરકાર પર આરોપો શરૂ થઈ ગયા, અદાણી જૂથ સામે કાર્યવાહીની માંગ ઊઠવા માંડી, મોદી સરકાર પર ઉદ્યોગસમૂહને વિશેષ લાભો આપવાના જૂના અને જાણીતા આરોપો શરૂ કરી દેવામાં આવ્યા, રાહુલ ગાંધીથી માંડીને તેમની આખી ગેંગ ટ્વિટ-ટ્વિટ રમવા માંડી અને એક માહોલ ઉભો કરી દેવામાં આવ્યો. જ્યારે હકીકતે તો એ માત્ર આરોપો હતા અને તેમાં પણ જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે હકીકત કંઇક જુદી છે અને વાતો જુદી કરવામાં આવી રહી છે. પરંતુ સત્ર દરમિયાન આ મુદ્દાને આગળ ધરીને સરકાર પર હાવી થવાનો વિપક્ષનો પ્રયાસ ચાલુ જ રહ્યો. 

    તે પહેલાં જાન્યુઆરી, 2023માં જ્યારે અમેરિકી શોર્ટસેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને અન્ય કથિત ગોટાળાના આરોપો લગાવ્યા ત્યારે પણ સંસદનું સત્ર શરૂ થવાને થોડા જ દિવસનો સમય હતો. વિપક્ષે મુદ્દો પકડી લીધો અને તે સમયે પહેલી વખત અદાણી જૂથ સામે આ પ્રકારના આરોપ લાગ્યા હતા, જેથી કોઈ વિગતમાં પડ્યા વગર કે ઝાઝી માથાકૂટ કર્યા વગર આ ગેંગે ઉદ્યોગસમૂહને ગુનેગાર ચીતરી દઈને હોબાળો શરૂ કરી દીધો હતો. જે પછીથી સંસદના સત્રમાં પણ ચાલુ જ રહ્યું અને મોદી સરકારને પણ સાથે ઘસડવામાં આવી. 

    આ મામલો પછી સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો અને કોર્ટે એક પેનલ નીમીને તપાસના આદેશ પણ આપ્યા. અદાણી જૂથને ઘણુંખરું નુકસાન પણ થયું પરંતુ આ કચાટ ટોળકીને કોઈ ફાયદો કરાવી શક્યો નહીં. પેનલે પણ માન્યું કે હિંડનબર્ગના ઘણાખરા આરોપો પાયાવિહોણા છે અને સુપ્રીમ કોર્ટે પણ કડક શબ્દોમાં કહ્યું કે, માત્ર એક વિદેશી રિપોર્ટના આધારે નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય નહીં. આ ટોળકીના પ્રયાસો નિષ્ફળ ગયા, પણ સંસદના સત્રમાં વિક્ષેપ પાડવાનો તેમનો ઇરાદો પાર પડ્યો. આજે આ હિંડનબર્ગની દુકાન બંધ થઈ ગઈ છે એ સુજ્ઞ વાચકની જાણ સારુ. 

    પેગાસસનું તૂત પણ સત્રના એક દિવસ પહેલાં જ ચાલ્યું હતું

    પેગાસસ નામનું આવું જ એક તૂત ચાલ્યું હતું, જેનો ઉદય પણ સંસદ સત્રના બરાબર એક દિવસ પહેલાં જ થયો હતો. જુલાઈ, 2021માં સંસદનું સત્ર શરૂ થાય તેની આગલી સાંજે વિદેશી મીડિયાનો એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં ભારત સરકારે વિપક્ષી નેતાઓ, અમુક પત્રકારો, જજો અને અન્ય જાણીતી હસ્તીઓની જાસૂસી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને આ માટે ઇઝરાયેલી સ્પાયવેર ‘પેગાસસ’નો ઉપયોગ થયો હોવાનું ચલાવવામાં આવ્યું. 

    આ રિપોર્ટને લઈને પણ પછીથી બીજા દિવસથી સંસદ સત્રમાં વિપક્ષે બહુ હોહા કરી અને બીજું બધું કામ મૂકીને આ મુદ્દા પાછળ જ લાગ્યા. સરકાર પર જાસૂસી કરવાનો આરોપ લગાવી દીધો અને કોઈ તપાસ વગર ગાળો ભાંડવાની શરૂ કરી દેવામાં આવી. તેના કારણે આખું સત્ર આ મુદ્દો છવાયેલો રહ્યો. 

    આ મામલે પછીથી સુપ્રીમ કોર્ટે એક પેનલ બનાવીને તપાસ કરાવવાનું નક્કી કર્યું. આ પેનલે રિપોર્ટ સોંપ્યો તો સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેને સાબિત કરવા માટે કોઈ તથ્યો મળ્યાં નથી કે ન એવા કોઈ પુરાવા છે, જેનાથી જાસૂસી કરવામાં આવી હોય તેવું સાબિત થઈ શકે. 

    દરેક કિસ્સામાં એક ચોક્કસ પેટર્ન

    આ થોડાં અને જાણીતાં ઉદાહરણો થયાં. શોધવા જશો તો સંસદના દરેક સત્ર પહેલાં આવું કશુંકને કશુંક બન્યું હોવાનું તમને મળી રહેશે. આ તમામ પાછળ એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી જોવા મળશે. દર વખતે વિદેશમાંથી એવો મુદ્દો આવે છે, જેને દેશના આંતરિક રાજકારણ સાથે લેવાદેવા હોય. જે મોટેભાગે સરકારવિરોધી કે ભારતની છબી પર અસર કરતો મુદ્દો હોય. તેને માથે લઈને વિપક્ષ હોબાળો મચાવે છે, સંસદના સત્રમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરે છે, જેના લીધે કાર્યવાહી થઈ શકતી નથી, જે કામ કરવાનું છે એ બાજુ પર રહી જાય છે. 

    આવું થાય એટલે ઇકોસિસ્ટમ પણ સક્રિય થઈ જાય છે અને પત્રકારોથી માંડીને યુટ્યુબરો અને એક્ટિવિસ્ટો એક જ સૂરમાં ગાવા માંડે છે અને એક નરેટિવ સેટ કરી દેવામાં આવે છે. મીડિયા, સોશિયલ મીડિયા બધે એ જ મુદ્દાની ચર્ચાઓ થાય છે અને સરકાર પર દબાણ લાવવાના પ્રયાસ થાય છે. બીજા તબક્કામાં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. હવે સ્વાભાવિક આ કાર્યવાહીમાં સમય લાગે. સુપ્રીમ કોર્ટ કોઈ કાર્યવાહી કરે અને સમિતિઓ નીમે ત્યાં સુધીમાં તો સત્ર પણ પૂરું થઈ ગયું હોય અને કોઈ બીજો મુદ્દો પણ મળી ગયો હોય. પણ આ ગેંગનો હોબાળો મચાવવાનો મૂળ ઉદ્દેશ્ય ત્યાં સુધીમાં પાર પડી ચૂક્યો હોય છે. 

    શું હોય શકે કારણો

    પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું નથી. કારણ શું હોય શકે? એક મોટું કારણ એ હોય કે તેમની મોડસ ઓપરેન્ડી હવે ખુલ્લી પડી ગઈ છે. ઘણા સમયથી આવું ચાલતું આવે છે અને હવે તેની ચર્ચા પણ થવા માંડી છે. કારણ કે સોશિયલ મીડિયા પર કોઈના બાપનો ઇજારો નથી. તેના કારણે દર વખતે વિપક્ષ આવા કોઈ મુદ્દે હોબાળો મચાવે તો એક કાઉન્ટર નરેટિવ એવો પણ ચાલે છે કે આ બધું એક સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે થાય છે, જે સત્ય બાબત છે. જેથી આ ગેંગે હવે આ ‘રણનીતિ’ પડતી મૂકી હોય તેમ બને. 

    બીજું એક મોટું કારણ એ છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વૈશ્વિક સમીકરણો બદલાયાં છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે જુદા જ મૂડમાં દેખાય છે અને ‘ડીપ સ્ટેટ’ નામના રાક્ષસને નાથવા માટે તેમણે પૂરી તૈયારી કરી લીધી હોય એવું તેમની વાતો અને કામો પરથી લાગી રહ્યું છે. સ્વાભાવિક રીતે સરકાર બદલવાથી આવી ઇકોસિસ્ટમોને બહુ જલ્દી અસર થતી નથી,  પરંતુ તેઓ પણ માર્ગ બદલે એ દેખીતી વાત છે. હિંડનબર્ગનું પાટિયું પડી જવું કે બાંગ્લાદેશમાં તાત્કાલિક નાણાકીય સહાય બંધ થવી એ તેનાં જ ઉદાહરણો છે. 

    બીજું, વિપક્ષના સતત ગુંડાગીરી અને નાનાં બાળકો જેવાં આચરણના કારણે હવે તેઓ જ ખુલ્લા પડી રહ્યા છે. સંસદમાં વડાપ્રધાન ભાષણ કરી રહ્યા હોય અને તમે સડકછાપ મવાલી જેવું વર્તન કરો તો દેશ એ પણ જુએ જ છે. બની શકે કે કોઈ ભલા માણસે તેમને સદબુદ્ધિ આપી હોય. જોકે તેઓ સુધરી જશે એવું અનુમાન અત્યારથી લગાવવું તો ઉતાવળ કહેવાશે, પણ આશા રાખીએ કે સુધારો આવે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં