Friday, January 31, 2025
More

    ‘આ પહેલું એવું સત્ર, જેમાં વિદેશથી આગ લગાડવાના પ્રયાસ નથી થઈ રહ્યા’: બજેટ સત્ર પહેલાં પીએમ મોદી

    શુક્રવારથી (31 જાન્યુઆરી) સંસદનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રના આરંભ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત રીતે મીડિયા સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે સત્ર શા માટે અગત્યનું છે અને સરકાર વિકસિત ભારતના નિર્માણ માટે શું કરવા જઈ રહી છે તેની ઉપર ટૂંકી ચર્ચા કરી. ત્યારબાદ વિપક્ષને પણ આડેહાથ લીધો. 

    પીએમ મોદીએ કહ્યું, “એક વાત તમારા (મીડિયાના) ધ્યાન પણ આવી હશે. કદાચ 2014 પછી આ પહેલું એવું સંસદ સત્ર છે, જેના એક-બે દિવસ પહેલાં કોઈ તણખો ન ઝર્યો હોય કે વિદેશથી આગ લગાવવાના પ્રયાસ નથી થયા.”

    તેમણે ઉમેર્યું, “હું દસ વર્ષથી, 2014થી જોઈ રહ્યો છું. દરેક સત્ર પહેલાં તોફાન કરવા માટે અમુક તૈયાર રહે છે અને અહીં હવા આપનારાઓની પણ અછત નથી. હું પહેલી વખત જોઈ રહ્યો છું કે કોઈ વિદેશી ખૂણામાંથી કોઈ તણખો ઝર્યો નથી.”

    આમ કહીને પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. કારણ કે ભૂતકાળમાં જોવા મળ્યું છે કે દર સંસદ સત્ર પહેલાં જ આ પ્રકારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે.