Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ‘તપાસ SEBI પાસેથી લઈને SITને સોંપવાની કોઇ જરૂર નથી’: હિંડનબર્ગ કેસમાં અદાણી...

    ‘તપાસ SEBI પાસેથી લઈને SITને સોંપવાની કોઇ જરૂર નથી’: હિંડનબર્ગ કેસમાં અદાણી જૂથને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે કહ્યું- મીડિયા રિપોર્ટના આધારે તપાસ પર શંકા ન કરી શકાય

    તપાસ બીજે ટ્રાન્સફર કરવાની સત્તાનો ઉપયોગ અસાધારણ પરિસ્થિતિઓમાં જ થવો જોઈએ. ઠોસ પુરાવાનો અભાવ હોય ત્યારે આ પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરી શકાય નહીં: કોર્ટ

    - Advertisement -

    અમેરિકી ફર્મ હિંડનબર્ગે લગાવેલા આરોપો બાદ ભારતીય ઉદ્યોગપતિ જૂથ અદાણી વિરુદ્ધ SIT તપાસ કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે (3 જાન્યુઆરી, 2024) ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ તપાસ SEBI પાસેથી લઈને SITને ટ્રાન્સફર કરવાની કોઇ જરૂર જણાતી નથી અને થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ ખરાઈ કર્યા વગર પુરાવા તરીકે માની શકાય નહીં. 

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, તપાસ બીજે ટ્રાન્સફર કરવાની સત્તાનો ઉપયોગ અસાધારણ પરિસ્થિતિઓમાં જ થવો જોઈએ. ઠોસ પુરાવાનો અભાવ હોય ત્યારે આ પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરી શકાય નહીં. 

    કોર્ટે આગળ કહ્યું કે, સ્ટેચ્યુટરી રેગ્યુલેટર પર સવાલો ઉઠાવવા માટે અખબારોના અહેવાલો કે કોઇ થર્ડ પાર્ટી ઓર્ગેનાઈઝેશન પર આધાર રાખી શકાય નહીં. તેમને ઇનપુટ તરીકે જરૂરથી લઇ શકાય, SEBIની તપાસ પર શંકા કરવા માટેના એક નિર્ણાયક પુરાવા તરીકે નહીં. આગળ કહ્યું કે, તપાસ પર શંકા કરવા માટે OCCPRનો રિપોર્ટ ધ્યાને લઇ શકાય નહીં. કોઇ પણ થર્ડ પાર્ટી સંસ્થાના રિપોર્ટની ખરાઈ કર્યા વગર તેનો આધાર લઈને તેને પુરાવા તરીકે જોઈ શકાય નહીં.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે અરજદારોની એ દલીલ પણ ફગાવી દીધી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો એક્સપર્ટ કમિટીના સભ્યોમાં પણ હિતોમાં ટકરાવ જોવા મળ્યો હતો. અંતે કોર્ટે ઠેરવ્યું કે આ (અદાણી-હિંડનબર્ગ) કેસમાં SEBI પાસેથી તપાસ લઈને અન્યત્ર સોંપવાનો કોઈ આધાર જણાતો નથી. અંતે કહ્યું કે, ભારત સરકાર અને SEBI તપાસ કરશે કે હિંડનબર્ગના રિપોર્ટ અનુસાર ક્યાંય કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ, જો તેમ થયું હોય તો કાયદાનુસાર પગલાં લેવાનાં રહેશે. સરકાર અને SEBI કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોને ધ્યાને લેશે અને ભારતીય રોકાણકારોનો વિશ્વાસ જળવાય રહે તે રીતે કામ કરશે. 

    ઉલ્લેખનીય છે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગત 24 નવેમ્બર, 2023ના રોજ તમામ દલીલો પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, હિંડનબર્ગનો રિપોર્ટ સાચો જ છે તેમ માનીને ચાલી શકાય નહીં. તેમાં ખરેખર તથ્યો છે કે નહીં તે હજુ તપાસનો વિષય છે. SEBIની તપાસ પર શંકા કરવાને લઈને પણ કોર્ટે કહ્યું હતું કે, અખબારોમાં જે આવ્યું તે સાચું જ તેમ માનીને તપાસ પર શંકા થઈ શકે નહીં. કોર્ટે સ્પષ્ટ ઠેરવ્યું હતું કે SEBIની તપાસ પર શંકા કરવાનાં કોર્ટ પાસે કોઇ પર્યાપ્ત કારણો નથી. 

    શું છે સમગ્ર મામલો? 

    જાન્યુઆરી, 2023માં અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ વિરુદ્ધ સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવ્યા હતા. જેને લઈને ભારતના શૅર બજાર પર પણ અસર જોવા મળી હતી તો આ મુદ્દાને રાજકીય રંગરૂપ પણ ખૂબ અપાયા હતા. ખાસ કરીને મોદી સરકાર સામે શિંગડા ભેરવ્યા કરતી વિપક્ષી પાર્ટીઓએ મુદ્દાને ખૂબ ચગાવ્યો હતો. 

    આખરે માર્ચમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને PIL દાખલ કરીને આરોપોની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે માર્ચમાં એક કમિટી બનાવીને તપાસના આદેશ આપ્યા હતા તો બીજી તરફ SEBIને પણ પોતાની રીતે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં SEBIને 2 મહિનાનો સમય અપાયો હતો પરંતુ પછીથી તેમને એક્સટેન્શન મળતું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં