Thursday, April 25, 2024
More
  હોમપેજદેશ‘હિંડનબર્ગનો રિપોર્ટ સાચો જ છે તેમ માનીને ચાલી શકાય નહીં’: અદાણી-હિંડનબર્ગ કેસમાં...

  ‘હિંડનબર્ગનો રિપોર્ટ સાચો જ છે તેમ માનીને ચાલી શકાય નહીં’: અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો ચુકાદો, કહ્યું- SEBIની તપાસ પર શંકા કરવાનાં કોઇ કારણો નથી

  CJI, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે (24 નવેમ્બર) લગભગ 2 કલાક સુધી કેસની સુનાવણી કરી અને ત્યારબાદ ચુકાદો અનામત રાખવાનું એલાન કર્યું હતું. 

  - Advertisement -

  અમેરિકી ફર્મ હિંડનબર્ગે જાણીતા ભારતીય ઔદ્યોગિક જૂથ અદાણી જૂથ પર સ્ટોક માર્કેટ રેગ્યુલેશનના ઉલ્લંઘનના આરોપો લગાવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને PIL મારફતે આ આરોપોની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. જે મામલે ચાલતા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે પછી જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ ચુકાદો જાહેર કરશે. 

  શુક્રવારે (24 નવેમ્બર) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મામલાની સુનાવણી હાથ ધરી હતી. CJI, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે લગભગ 2 કલાક સુધી કેસની સુનાવણી કરી અને ત્યારબાદ ચુકાદો અનામત રાખવાનું એલાન કર્યું હતું. 

  હિંડનબર્ગનો રિપોર્ટ સાચો જ છે એવું માની લેવાની જરૂર નથી, તે ખરેખર સાચો છે કે નહીં, તે તપાસનો વિષય: સુપ્રીમ 

  સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેસ દરમિયાન કે તપાસ દરમિયાન એવું માનીને ન ચાલી શકાય કે હિંડનબર્ગનો રિપોર્ટ સત્ય જ છે. તેમાં જે બાબતો કહેવામાં આવી છે તે સાચી છે કે નહીં તે તપાસનો વિષય છે. અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણ અને અન્યોએ હિંડનબર્ગના રિપોર્ટને ટાંકીને તેમાં ‘તથ્યાત્મક ઘટસ્ફોટ’ થયા હોવાની દલીલ કરી હતી, જેના જવાબમાં કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. 

  - Advertisement -

  CJIએ કહ્યું કે, “આપણે એવું માની લેવાની જરૂર નથી કે હિંડનબર્ગનો રિપોર્ટ તથ્યાત્મક રીતે સાચો જ છે….અને એટલે જ અમે SEBIને (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ of ઇન્ડિયા) તપાસ કરવા માટે કહ્યું છે.”

  ભૂષણે વધુમાં દલીલ કરી કે, SEBIની ભૂમિકા શંકાસ્પદ એટલા માટે છે કારણ કે 2014માં પણ DRI (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા એક પત્ર મોકલીને અદાણી જૂથ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને તે મામલો તેમના ધ્યાને આવ્યો હતો. જેની ઉપર કોર્ટે કહ્યું કે તે મામલો અલગ હતો તો સાથે SGએ પણ ઉમેર્યું હતું કે આ મામલે SEBIએ 2017માં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને અદાણી જૂથ વિરુદ્ધ કોઇ આરોપો સિદ્ધ થયા ન હતા. 

  ત્યારબાદ CJIએ વકીલ પ્રશાંત ભૂષણને ટકોર કરતાં કહ્યું કે, “આરોપો લગાવવા બહુ સહેલા છે. તમે DRI અને SEBIના કમ્યુનિકેશન પર આધાર રાખી રહ્યા છો, જ્યારે DRIએ મામલો પહેલેથી જ બંધ કરી દીધો છે અને તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી છે.” 

  અખબારમાં આવ્યું એ બધું સાચું જ, એવું ન માની શકાય કે વગર પુરાવાએ SEBI પર શંકા ન કરી શકાય: કોર્ટ 

  સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે ‘ધ ગાર્ડિયન’ અને ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ જેવાં વિદેશી અખબારોમાં પ્રકાશિત અહેવાલોને ટાંકીને દલીલ કરી કે, SEBIએ બરાબર તપાસ કરી નથી અને તેથી આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવામાં આવવી જોઈએ. જોકે, કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે SEBIની તપાસ પર શંકા કરવાનાં કોઇ પર્યાપ્ત કારણો કોર્ટ પાસે નથી.

  CJIએ કહ્યું કે, “SEBI એક સ્ટેટ્યુચરી બોડી છે, જે સ્ટોક માર્કેટ મનિપ્યુલેશનની તપાસ કરવા માટે રચાયેલી છે. કોર્ટ માટે શું એ યોગ્ય રહે કે કોઇ પણ દસ્તાવેજી સામગ્રી વગર એવું કહી દેવાય કે અમને SEBI પર વિશ્વાસ નથી અને પોતાની રીતે નવી SIT બનાવીશું?” આગળ તેમણે કહ્યું કે, “મને લાગે છે કે અખબારમાં લખવામાં આવ્યું હોય, તે પછી ગાર્ડિયન હોય કે ફાઇનાન્સિયલ ટાઈમ્સ, તે બધું સાચું જ માની લેવાની જરૂર નથી. અમે એમ નથી કહેતા કે એમને તેમની ઉપર શંકા છે, પણ એવું પણ ન કહી શકાય કે સ્ટેચ્યુટરી બોડી પર સવાલ ઉઠાવવા માટે આ પુરાવાઓ પૂરતા છે. SEBIએ શું કરવું જોઈએ? પત્રકારો પાસે જઈને તેમણે જે ‘સૂત્રો’ના આધારે માહિતી મેળવી હોય તેની તપાસ કરવી જોઈએ? જો પત્રકાર પાસે તમામ દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ થઈ રહેતા હોય તો પછી જેના અધિકારક્ષેત્રમાં આવે છે તે SEBI પાસે કેમ ન હોય?”

  સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરતી બોડી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) પાસેથી એવી આશા ન રાખી શકાય કે તેઓ ન્યૂઝપેપર રિપોર્ટને અનુસરીને તેના આધારે નિર્ણય કરે. વાસ્તવમાં, અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે આ મામલામાં SEBIની કાર્યવાહી વિશ્વસનીય નથી. 

  ભૂષણે કહ્યું કે, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે SEBIની તપાસ વિશ્વસનીય નથી. તેઓ કહે છે કે 13થી 14 એન્ટ્રી અદાણી સાથે જોડાયેલી છે પરંતુ FPI ગાઈડલાઈનમાં સુધારો થયો હોવાના કારણે તેઓ તેમાં તપાસ કરી શકતા નથી.” આ દલીલ પર કોર્ટે કહ્યું હતું કે, સિક્યોરીટી માર્કેટ રેગ્યુલેટરને એમ ન કહી શકાય કે જે-તે મુદ્દાને લઈને મીડિયા શું કહે છે તેના આધારે નિર્ણય લેવા જોઈએ. 

  SEBIએ કહ્યું- હવે વધુ સમય નહીં માંગીએ 

  સુનાવણી દરમિયાન SGએ SEBI તરફથી જણાવ્યું હતું કે, તેઓ હવે આ મામલે વધુ સમય માંગી રહ્યા નથી અને નિયત સમયમાં તપાસ પૂર્ણ થઈ જશે. શંકાસ્પદ નાણાકીય વ્યવહારના કુલ 24 કેસમાંથી 22ની તપાસ કરવામાં આવી ચૂકી છે અને બાકીના 2 પણ પૂર્ણ કરી લેવામાં આવશે. જેને લઈને ફોરેન રેગ્યુલેટર્સ પાસેથી અમુક માહિતીની જરૂર છે, તે માટે વાતચીત ચાલી રહી છે. 

  ઉલ્લેખનીય છે જાન્યુઆરી, 2023માં અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ વિરુદ્ધ સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવ્યા હતા. જેને લઈને ભારતના શૅર બજાર પર પણ અસર જોવા મળી હતી તો આ મુદ્દાને રાજકીય રંગરૂપ પણ ખૂબ અપાયા હતા. ખાસ કરીને મોદી સરકાર સામે શિંગડા ભેરવ્યા કરતી વિપક્ષી પાર્ટીઓએ મુદ્દાને ખૂબ ચગાવ્યો હતો. 

  આખરે માર્ચમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને PIL દાખલ કરીને આરોપોની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે માર્ચમાં એક કમિટી બનાવીને તપાસના આદેશ આપ્યા હતા તો બીજી તરફ SEBIને પણ પોતાની રીતે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં SEBIને 2 મહિનાનો સમય અપાયો હતો પરંતુ પછીથી તેમને એક્સટેન્શન મળતું રહ્યું. હવે આ કેસમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં