Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોંગ્રેસના ચપરાસીઓ જ્ઞાન આપે તે હાસ્યાસ્પદ’: આઝાદના રાજીનામા બાદ મનિષ તિવારીના પણ...

    ‘કોંગ્રેસના ચપરાસીઓ જ્ઞાન આપે તે હાસ્યાસ્પદ’: આઝાદના રાજીનામા બાદ મનિષ તિવારીના પણ સૂર બદલાયા: નેટિઝન્સમાં ચર્ચા- કોંગ્રેસમાં ચપરાસી કોણ?

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે વાત કરતાં આ વાતો કહી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી.

    - Advertisement -

    કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક ગુલામ નબી આઝાદે આખરે ગઈકાલે પાર્ટી છોડી દીધી હતી. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ હવે કોંગ્રેસમાંથી આ મુદ્દે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાંથી વરિષ્ઠ નેતા અને સાંસદ મનિષ તિવારીએ એવું નિવેદન આપી દીધું છે કે તેને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ચપરાસીઓ પણ પાર્ટી વિશે જ્ઞાન આપી રહ્યા છે.

    સાંસદ મનિષ તિવારીએ શનિવારે ગુલામ નબી આઝાદના રાજીનામાને લઈને વાતચીત કરતા કહ્યું હતું કે, “આઝાદે તેમના પત્રમાં જે લખવામાં આવ્યું છે તેની હું ચર્ચા કરવા માંગતો નથી, આ વિશે તેઓ જ સ્પષ્ટતા કરે એ વધુ સારું રહેશે. પરંતુ વિચિત્ર બાબત એ છે કે કોંગ્રેસ નેતાઓના ચપરાસીઓ જેમની એક વોર્ડની ચૂંટણી લડવાની પણ ક્ષમતા નથી તેઓ પાર્ટી વિશે જ્ઞાન આપે છે, આ હાસ્યાસ્પદ બાબત છે.”

    મનિષ તિવારીએ કહ્યું હતું કે, “2 વર્ષ પહેલાં અમે પાર્ટીની નબળાઈઓને લઈને પત્ર લખ્યો હતો. જે બાદ પાર્ટી તમામ વિધાનસભા ચૂંટણીઓ હારી ચૂકી છે. તેમ છતાં પાર્ટીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.” ગુલામ નબી આઝાદના રાજીનામાને લઈને તેમણે કહ્યું કે, અમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. મેં પાર્ટીને 42 વર્ષ આપ્યાં છે. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે અમે સંસ્થાના ભાડૂઆતો નથી, સભ્યો છીએ.”

    - Advertisement -

    મનિષ તિવારીના આ ‘ચપરાસીઓ’ વિશેના નિવેદન બાદ ટ્વિટર પર એ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ ‘ચપરાસી’ છે કોણ? એક્ટિવિસ્ટ, લેખક શેફાલી વૈદ્યએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે તિવારી કોની વાત કરી રહ્યા છે? તેમણે સાથે કોંગ્રેસ નેતાઓ જયરામ રમેશ, પવન ખેડા અને રણદીપ સુરજેવાલાને ટેગ કર્યા હતા. 

    ટ્વિટર પર જાણીતા અંકુર સિંઘે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેની ટ્વિટ પોસ્ટ કરીને આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આ જ તસ્વીરો પોસ્ટ કરીને સવાલ કર્યો હતો. 

    એક યુઝરે કહ્યું કે જે રીતે અજય માકન વિધાનસભાથી લઈને, રાજ્યસભા અને લોકસભા સુધીની ચૂંટણીઓ હારી ચૂક્યા છે તેને જોતાં તિવારી તેમની વાત કરતા હોવા જોઈએ. 

    એક યુઝરે યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ અને વરિષ્ઠ નેતા પવન ખેડાને ટેગ કરીને કહ્યું હતું કે, તિવારી તેમની જ વાત કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનાં તમામ પદ અને સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું. સાથે તેમણે નવી પાર્ટી બનાવવાનું પણ એલાન કર્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં