બિહારમાં આગામી ચૂંટણીની (Bihar Assembly Election) તૈયારીઓ વચ્ચે જાહેર કરાયેલા આધાર કાર્ડ સેચુરેશનના (Aadhaar card saturation) આંકડાઓએ હોબાળો મચાવ્યો છે. જ્યાં આખા રાજ્યનું સરેરાશ આધાર સેચુરેશન 94% છે. ત્યાં કિશનગંજ (126%), કટિહાર (123%), અરરિયા (123%) અને પૂર્ણિયા (121%) જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આ આંકડો 100%થી વધારે દર્શાવે છે.
મતલબ, દર 100 લોકોની સામે 120 આધારકાર્ડ! આ આંકડાઓ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને ત્યારે, જયારે બિહારના પશ્ચિમ બંગાળ અને નેપાળની સીમાને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી થાય છે.
આ બાજુ કિશનગંજ જિલ્લામાં જિયાપોખરથી એક મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે, તે બાંગ્લાદેશી અને નેપાળી ઘૂસણખોરોને નકલી આધારકાર્ડ બનાવી આપતો હતો.
બિહારના સરહદી વિસ્તારોમાં કિશનગંજ, કટિહાર, અરરિયા અને પૂર્ણિયા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 38% થી 68% વસ્તી મુસ્લિમ છે, અને આ જ વિસ્તારોમાં આધાર કાર્ડની સંખ્યા વસ્તી કરતા વધુ છે.
ભારતીય કાયદા મુજબ દેશમાં એક વ્યક્તિ પાસે ફક્ત એક જ આધાર કાર્ડ હોય છે. પરંતુ અહીંના આંકડા દર્શાવે છે કે કાં તો નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે અથવા એવા લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે જે ભારતના નાગરિક નથી.
સંવેદનશીલ સરહદી વિસ્તાર
આ સરહદી વિસ્તારો પશ્ચિમ બંગાળ અને નેપાળને અડીને આવેલાં છે. બાંગ્લાદેશ પણ અહીંથી બહુ દૂર નથી. એવું કહેવામાં આવે છે કે ગેરકાયદેસર ઘુસણખોરો લાંબા સમયથી આ વિસ્તારમાં રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે, વધારાના આધાર કાર્ડ બાંગ્લાદેશી ઘુસણખોરો માટે બનાવવામાં આવ્યા છે.
એમનો દાવો છે કે સ્થાનિક નેતાઓ અને કટ્ટરપંથી જૂથોએ આમાં મદદ કરી છે. જોકે, આ દાવાઓ માટે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી. છતાં, તે ચિંતાનો વિષય છે.
ચૂંટણી અને આધાર કાર્ડ
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીની તપાસ કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષ સતત પ્રશ્ન ઉઠાવી રહ્યો છે કે, વોટર લીસ્ટમાં નામ ઉમેરવા માટે આધાર કાર્ડ અને રહેણાંક પ્રમાણપત્રનો કેમ સ્વીકાર કરવામાં નથી આવી રહ્યો.
ત્યારે સત્ય એ છે કે, સીમાને અડીને આવેલા ચારેય જિલ્લાઓમાં આધાર કાર્ડની સંખ્યા ત્યાંની વસ્તી કરતા વધુ છે. નાગરિકતાના પુરાવાના અભાવ છતાં પણ આધાર કાર્ડના આધારે રહેઠાણ પ્રમાણપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, કિશનગંજમાં આધાર કાર્ડની સંખ્યા વસ્તીના 105.16% છે, અરરિયામાં 102.23% છે, કટિહારમાં આ સંખ્યા 101.92% છે અને પૂર્ણિયામાં 101% છે.
વસ્તી વિષયક ફેરફારો
છેલ્લા બે દાયકામાં, આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. જેના કારણે અહીંની વસ્તીમાં ઝડપી ફેરફારો થયા છે. 1951થી 2011 સુધીમાં, આ જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીમાં 16% નો વધારો થયો છે.
હાલમાં જ થયેલી જાતિગત વસ્તી ગણતરીમાં એ સ્પષ્ટ થયું છે કે, કિશનગંજમાં મુસ્લિમ વસ્તી વધીને 68%, અરરિયામાં 50%, કટિહારમાં 45% અને પૂર્ણિયામાં 39% થઈ ગઈ છે.
સરવાળે આ ચાર જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી વધીને 47% થઈ ગઈ છે, ત્યારે કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારોમાં થઈ રહેલા આ ફેરફારો અંગે ચિંતિત છે. ચૂંટણી પંચ આ જ કારણોસર મતદાર યાદીની ખાસ તપાસ પણ કરી રહ્યું છે.
મતદાર યાદી ચકાસણીનો સૌથી વધુ વિરોધ રાજ્યના મુસ્લિમ વિસ્તારોમાં જ થઈ રહ્યો છે. મુસ્લિમ સમુદાય લાંબા સમયથી વિપક્ષી મહાગઠબંધનને ટેકો આપી રહ્યો છે. મહાગઠબંધન આ વિરોધના બહાને આ સમુદાયને એક કરવા માંગે છે.
આવનારી ચૂંટણીઓ
બિહારમાં આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે કે, આ તપાસ અભિયાન માત્ર ત્રણથી ચાર મહિનામાં કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે.


