Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણPM મોદીને આભાર, રાજ્યપાલ સાથે મુલાકાત, પરિવારવાદ પર પ્રહાર... ફરી કંઈક નવાજૂની...

    PM મોદીને આભાર, રાજ્યપાલ સાથે મુલાકાત, પરિવારવાદ પર પ્રહાર… ફરી કંઈક નવાજૂની કરશે નીતીશ કુમાર?

    ભૂતકાળમાં તેઓ ઘણી વખત UPAમાંથી NDA અને NDAમાંથી મહાગઠબંધન કરી ચૂક્યા છે. હાલ બિહારમાં તેમનું RJD (લાલુ યાદવની પાર્ટી) સાથે ગઠબંધન છે. પરંતુ હવે તેઓ ફરીથી NDAમાં વાપસી કરી શકે તેવી ચર્ચા શરૂ થઈ છે. તેને બળ ત્યારે મળ્યું જ્યારે તેઓ મંગળવારે (23 જાન્યુઆરી) અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીઓ હવે ધીમે-ધીમે નજીક આવી રહી છે અને પાર્ટીઓએ પણ સળવળાટ શરૂ કરી દીધો છે. જોકે, મોદી અને ભાજપને હરાવવા માટે બનાવવામાં આવેલું INDI ગઠબંધન ખાસ પ્રગતિ કરતું દેખાય રહ્યું નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની ઘસીને ના પાડી દીધી છે. બીજી તરફ, પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ કહી દીધું છે કે કોંગ્રેસ સાથે તેમના કોઇ સંબંધ નથી. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ સારી નથી. હવે બિહારમાં નીતીશ કુમાર કશુંક નવાજૂની કરશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં તેમણે ત્રણેક સંકેતો આપ્યા છે, જેનાથી આ ચર્ચાએ વેગ પકડ્યો છે.

    બિહારના CM નીતીશ કુમાર પોતાના અણધાર્યા નિર્ણયો લેવા માટે જાણીતા છે. ભૂતકાળમાં તેઓ ઘણી વખત UPAમાંથી NDA અને NDAમાંથી મહાગઠબંધન કરી ચૂક્યા છે. હાલ બિહારમાં તેમનું RJD (લાલુ યાદવની પાર્ટી) સાથે ગઠબંધન છે. પરંતુ હવે તેઓ ફરીથી NDAમાં વાપસી કરી શકે તેવી ચર્ચા શરૂ થઈ છે. તેને બળ ત્યારે મળ્યું જ્યારે તેઓ મંગળવારે (23 જાન્યુઆરી) અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. આ જ દિવસે રાત્રે કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા કરી તો તેમણે એક ટ્વિટ કરીને વડાપ્રધાનનો આભાર માન્યો. પછીથી બુધવારે એક કાર્યક્રમમાં તેમણે ‘પરિવારવાદ’ પર પ્રહાર કર્યા હતા.

    CM નીતીશ કુમાર બુધવાર 24 જાન્યુઆરી, 2024ના રોજપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરની જયંતીના પ્રસંગે તેઓના પૈતૃક ગામ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સંબોધન દરમિયાન રાજનીતિમાં પરિવારવાદ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કર્પૂરી ઠાકુરને યાદ કરીને કહ્યું કે, તેમણે ક્યારેય પોતાના પરિવારને આગળ નહતો કર્યો, પણ આજકાલ લોકો પરિવારને આગળ વધારે છે. અમે પણ કર્પૂરીજી પાસેથી શીખીને પરિવારને આગળ નથી કર્યો, પણ હંમેશા બીજાને આગળ વધાર્યા છે. કર્પૂરીજી ગયા બાદ અમે તેમના પુત્ર રામનાથ ઠાકુરને આગળ કર્યા. અહીં નિવેદન મહત્વનું એટલા માટે છે કારણ કે નીતીશ કુમારના ડેપ્યુટી અને RJD નેતા તેજસ્વી યાદવ લાલુ યાદવના પુત્ર છે, જેઓ બિહારના સીએમ રહી ચૂક્યા છે અને RJD સુપ્રીમો છે.

    - Advertisement -

    કર્પૂરી ઠાકુરને ‘ભારત રત્ન’ આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો

    આ ઉપરાંત તેમણે ગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસ પર જ પ્રશ્નો ઉભા કર્યા હતા કે, કોંગ્રેસ કાળમાં કેમ કર્પૂરી ઠાકુરને આ સન્માન ન આપવામાં આવ્યું? તેમણે કહ્યું કે, “ખુશીની વાત છે કે જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો. વર્ષ 2007થી 2023 સુધી દર વર્ષે કેન્દ્ર સરકારને આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસની સરકાર પણ હતી, પરંતુ તેઓએ આ કાર્ય કર્યું ન હતું, હવે જ્યારે વર્તમાન સરકારે ભારત રત્ન આપ્યો છે, તો હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું”

    આ સાથે નીતીશ કુમારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને આપવામાં આવેલા ‘ભારત રત્ન’ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી હતી. પરંતુ થોડીવાર બાદ ડિલિટ કરી દીધી હતી અને થોડી ક્ષણો પછી ફરીથી એક પોસ્ટ કરી હતી. જેમાં કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને પોસ્ટમાં માત્ર એક જ લીટીનો ફેર હતો અને તેમાં વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો હતો.

    રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત

    તે પહેલાં નીતીશ કુમાર અચાનક મંગળવારે (23 જાન્યુઆરી, 2024) બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 40 મિનીટ સુધી રાજ્યપાલ સાથે વાર્તાલાપ કર્યો હતો. આમ અચાનક રાજ્યપાલ સાથેની મુલાકાતથી પણ ચર્ચા શરૂ થઈ હતી.

    નીતીશ કુમાર હવે ફરી કશુંક નવાજૂની કરશે?

    આમ તો મોદીવિરોધી ગઠબંધન INDI ઉભું કરવાનો ઘણોખરો શ્રેય નીતીશ કુમારને જાય છે. ગઠબંધનની પહેલી બેઠક પટનામાં જ થઈ હતી. પરંતુ પછીથી તેઓ વધુ સક્રિય ન જણાયા. વચ્ચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે જાહેરમાં આક્રોશ પણ વ્યક્ત કર્યો અને કોંગ્રેસને લઈને કહ્યું કે તેમને હાલ ગઠબંધન માટે સમય નથી. તાજેતરની બેઠકમાં તેમને ગઠબંધનના કન્વીનરની પોસ્ટ ઑફર કરવામાં આવી, પણ નકારી દીધી હતી.

    નીતીશ કુમાર પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક વખત પલટી મારી ચૂક્યા છે. વધુ એક વખત તેઓ આવું કરે તેમાં કશું નવાઈ નહીં રહે. પરંતુ જો આવું થાય તો INDI ગઠબંધન માટે આ મોટો ઝટકો હશે. જોકે, સામે પક્ષે NDAમાં સ્વીકારવા માટે ભાજપ તૈયાર થાય કે નહીં તે પ્રશ્ન જરૂર છે, કારણ કે ઘણી વખત ભાજપનું મોવડી મંડળ પણ કહી ચૂક્યું છે કે નીતીશ માટે દરવાજા બંધ છે. પરંતુ રાજકારણમાં ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં