Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણબંગાળ બાદ હવે પંજાબમાં પણ I.N.D.I. ગઠબંધનને ઝટકો, AAP એકલા હાથે ચૂંટણી...

    બંગાળ બાદ હવે પંજાબમાં પણ I.N.D.I. ગઠબંધનને ઝટકો, AAP એકલા હાથે ચૂંટણી લડશે: CM ભગવંત માને કહ્યું- ‘કોંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નથી’

    બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ પણ જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી પણ પશ્ચિમ બંગાળની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

    - Advertisement -

    દેશમાં આગામી લોકસભા ચુંટણીની તૈયારીઓ વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટીના વિજયરથને રોકવા એકજુટ થઈને કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળ I.N.D.I. ગઠબંધનની રચના કરી હતી, પરંતુ હવે આ ગઠબંધન લાંબુ ટકે એમ લાગતું નથી. સમાચાર મળી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં TMC બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી પણ ગઠબંધનને છોડી એકલા હાથે ચુંટણી લડવાની છે. પંજાબના CM ભગવંત માને જણાવ્યું છે કે, AAP પાર્ટી પંજાબની 13 સીટો પર સ્વતંત્ર ચુંટણી લડશે. પંજાબમાં કોંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી, TMC (તૃણમૂલ કોંગ્રેસ) I.N.D.I. ગઠબંધનના સભ્યો છે.

    પંજાબના CM અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે, પંજાબમાં AAP પાર્ટી 13 સીટો પર એકલા હાથે ચુંટણી લડશે, આ 13 સીટો માટે 40 જેટલા ઉમેદવારોના નામો પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, “પંજાબમાં અમે કોઈ ગઠબંધન કર્યું નથી. પંજાબમાં કોંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નથી.”

    મમતા પણ રહેવા માંગે છે કોંગ્રેસથી દૂર

    આ પહેલાં પશ્ચિમ બંગાળમાંથી I.N.D.I. ગઠબંધનના ભંગાણના સમાચાર સામે આવ્યા હતા. બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ પણ જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી પણ પશ્ચિમ બંગાળની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. CM મમતા બેનર્જીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં TMCનું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી.

    - Advertisement -

    મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી, પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા હાથે ભાજપને હરાવીશું. હું I.N.D.I. ગઠબંધનનો ભાગ છું, પરંતુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે છતાંય અમને તેની જાણ કરવામાં આવી નથી.”

    ઉલ્લેખનીય છે કે દેશમાં કોંગ્રેસની અધ્યક્ષતા હેઠળ દેશની વિવિધ પાર્ટીઓ ભેગી થઇ હતી, અને I.N.D.I ગઠબંધનની રચના કરી હતી. જેમાં TMC, ડીએમકી, જદ(યુ) આરજેડી, જેએમએમ, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુબીટી), સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી રાષ્ટ્રીય પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજી પ્રાદેશિક પાર્ટીઓ પણ ગઠબંધનમાં જોડાયેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં