નેતાઓને પ્રશંસા પસંદ હોય છે. નેતાઓ જ શું કામ સાધુતા પામી ન ચૂક્યો હોય તેવા દરેક માણસને વધતે-ઓછે અંશે પ્રશંસા પસંદ હોવાની. સ્વઘોષિત જગતજમાદારના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં એવું છે કે તેમને માત્ર પ્રશંસા જ પસંદ છે. વર્લ્ડ લીડર થવાના, શાંતિના દૂત ગણાવાના તેમને અભરખા એટલા છે કે તેના માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, એ તેમણે હમણાં-હમણાં અમુક હરકતોથી સાબિત પણ કર્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર માટે તો તેમણે રીતસર ઉત્પાત મચાવ્યો હતો. પણ આખરે ન મળ્યો. પુરસ્કાર તો ન મળ્યો પણ ટ્રમ્પે શાંતિ સ્થાપક તરીકે સ્થાપિત થવાનું કેમ્પેઇન ચાલુ રાખ્યું છે. તાજું ઉદાહરણ ઇજિપ્તમાં યોજાયેલી ગાઝા પીસ સમિટમાં જોવા મળ્યું.
ટ્રમ્પે એક પીસ પ્લાન રજૂ કરીને ઇઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે શસ્ત્રવિરામ કરાવ્યો છે. ટ્રમ્પ અને સફેદ ઘર આમાં ક્રેડિટ લે એ જોકે સ્વાભાવિક છે, પણ એક હકીકત એ પણ છે કે ઇઝરાયેલ જે કંઈ કરવાનું હતું એ મોટેભાગે કરી નાખ્યું છે એટલે હવે તેમને ઑપરેશન અટકાવવામાં કોઈ વાંધો આમ પણ ન હતો. જોકે હજુ પણ તેઓ ઑપરેશન ફરી ચાલુ નહીં કરે તેની ગેરેન્ટી ટ્રમ્પ પણ લઈ શકે એમ નથી. બીજી બાજુ હમાસ નામનું આતંકવાદી સંગઠન પાયમાલ થઈ ચૂક્યું છે. ઉશ્કેરાટમાં આવીને 7 ઑક્ટોબર 2023નો હુમલો તો કરી નાખ્યો, પણ પછી ઇઝરાયેલે જે હાલત કરી એના ઘા એટલા ઊંડા પડ્યા છે કે હમાસથી હવે ટકી રહેવાય એમ હતું જ નહીં. ટૂંકમાં કહીએ તો ટ્રમ્પનો પીસ પ્લાન કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો હતો, જેને લઈને હજુ ઘણી અસમંજસ છે. પણ અત્યારના તબક્કે હકીકત એટલી છે કે બંને પક્ષો માની ગયા છે અને બંધકો-કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે.
13 ઑક્ટોબરે ઇજિપ્તમાં એક સમિટ યોજાઈ, જેમાં ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષરો થયા. અધ્યક્ષતા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી અને ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આ સમિટમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેને માન આપીને નેતાઓ ગયા પણ ખરા. ભારતને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિમંત્રણ હતું, પણ પીએમ મોદીએ રૂબરૂ જવાને સ્થાને રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધન સિંહને મોકલવાનો નિર્ણય કર્યો. એ કેટલો દીર્ઘદ્રષ્ટિભર્યો હતો એ આગળ જોઈએ.
ઇજિપ્તમાં યોજાયેલો કાર્યક્રમ શરૂ થયો તો ટ્રમ્પે સ્ટેજ સંભાળ્યો અને પોતાની રીતે ભાષણ ચાલુ કર્યું. આ અવસરને ‘ટ્રેમેન્ડસ ડે ફોર ધ વર્લ્ડ’ અને ‘ટ્રેમેન્ડસ ડે ફોર ધ મિડલ ઈસ્ટ’ ગણાવ્યો અને નેતાઓના મેળાવડા વિશે કહ્યું કે શક્તિશાળી દેશોનો આવડો મોટો સમૂહ અગાઉ ક્યારેય એકઠો થયો ન હતો. પછી તેમણે સ્વપ્રશસ્તિ શરૂ કરી, એ ચાલતી રહી અને બાકીના નેતાઓ પાછળ ઊભા રહીને સાંભળતા રહ્યા.
ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવા બદલ પોતાની જ પ્રશંસા કરવા માંડી, થોડી પ્રશંસા તેમની ‘ટેલેન્ટયુક્ત’ ટીમ સાથે વહેંચી. પાછળ ઉભેલા નેતાઓ માત્ર બેકગ્રાઉન્ડ બનીને ઊભા રહ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિએ અહીં બીજા પણ અમુક ખેલ કર્યા. તાજેતરમાં જ ભારત યાત્રાએ ફરી ગયેલા બ્રિટિશ વડા પ્રધાન કિર સ્ટાર્મર ટ્રમ્પની પાછળ જ ઊભા હતા. ટ્રમ્પ અચાનક પૂછે છે કે, ‘UK ક્યાં છે?’ અને આસપાસ જોવા માંડે છે. પછીથી સ્ટાર્મર શાળાના કાર્યક્રમમાં ઉભેલા વિદ્યાર્થીની જેમ હાથ ઊંચો કરે છે. ટ્રમ્પ તેમને નજીક બોલાવે છે અને હાથ મિલાવીને ‘તમે અહીં આવ્યા એ સારું કર્યું’ કહીને મોકલી આપે છે.
WATCH: Trump asked, “Where is the UK?”
— Clash Report (@clashreport) October 13, 2025
Starmer raised his hand. Trump called him to the stage, making him think he was going to speak.
Starmer approached the podium. “It’s nice that you’re here,” Trump said, then sent him back, offending Starmer. pic.twitter.com/Y67s4JGmEM
ટ્રમ્પે આખા કાર્યક્રમને એક કેમ્પેઈન રેલી જેવો બનાવી નાખ્યો, જેમાં કેન્દ્રસ્થાને માત્ર તેઓ હતા અને બાકી બધા સપોર્ટિંગ એક્ટરો. જ્યારે આવી સમિટો કોઈ એક નેતા આસપાસ હોતી નથી. અહીં મૂળ વિષય પણ ગાઝાનો હતો, પણ ટ્રમ્પે બીજી-બીજી પણ ઘણી વાતો કરી અને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ બધું જે કંઈ થાય છે તેમના લીધે, તેમના કારણે જ થાય છે.
આ કાર્યક્રમમાં જોકર વેડા કરવા માટે પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને પણ નિમંત્રણ હતું. તેમણે ઉચિત પ્રદર્શન પણ કર્યું. ટ્રમ્પનાં ભરપૂર વખાણ કરીને ફરી એક વખત તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની વાત કરી અને અહીં સુધી કહ્યું કે ટ્રમ્પના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટક્યું હતું. ટ્રમ્પના કારણે જ દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થયાં છે એવો ભાવ શરીફની વાતોમાંથી નીકળતો હતો. આ બધું ચાલ્યું ત્યારે પાછળ ઉભેલા નેતાઓના ચહેરા પરના હાવભાવ જોવા જેવા હતા.
Italian PM Meloni's reaction as Pakistan PM Shahbaz Sharif talks about his nomination of Nobel Peace Prize for Trumppic.twitter.com/AgrrTN7fas
— Sidhant Sibal (@sidhant) October 13, 2025
શાહબાઝ શરીફ અને ડોનાલ્ડ ટ્રમ્પ આ ખેલ કરી રહ્યા હતા ત્યારે જો ત્યાં વડા પ્રધાન મોદી પણ હાજર હોત તો અંગ્રેજીમાં જેને ‘ઑકવર્ડ’ કહેવાય એવી પરિસ્થિતિ સર્જાઈ હોત. આ મંચ પર પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ અમેરિકા અને ખાસ તો ટ્રમ્પના હસ્તક્ષેપથી અટક્યું હોવાનું તૂત ચલાવવામાં આવ્યું હતું, જ્યારે ભારત અનેક તબક્કે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે યુદ્ધ પાકિસ્તાનની વિનંતી પર બંને DGMOની વાતચીત બાદ અટક્યું હતું અને તેમાં ત્રીજા પક્ષનો કોઈ કરતાં કોઈ ફાળો નથી. સ્વાભાવિક રીતે પીએમ મોદી સ્ટેજ પર આ બધું સમજાવવા બેસી શક્યા ન હોત.
બીજું, ટ્રમ્પે સ્ટેજ પર પાકિસ્તાનના વડા પ્રધાન અને ભારતના વડા પ્રધાનને સાથે રાખીને ફોટા પડાવવાનાં નાટક પણ કર્યાં હોત. કારણ કે તેમને નિસ્બત માત્ર એ વાત સાથે છે કે પોતે અટકાવેલાં યુદ્ધોની યાદીમાં મારી-મચેડીને ભારત-પાકિસ્તાનને પણ ઉમેરી દેવામાં આવે. કારણ કે બંને દેશોના સંઘર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે. ટ્રમ્પને નિસ્બત એ વાત સાથે પણ નથી કે ઑપરેશન સિંદૂર માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે. આ શાંતિ કાયમી નથી એ ભારત પણ જાણે છે. પાકિસ્તાન ભવિષ્યમાં ફરી અવળચંડાઈ કરશે તો તેનો શું જવાબ આપવો એ ભારતને ખબર છે. ટ્રમ્પને આ બધા સાથે કશું જ લાગતું-વળગતું નથી. તેમણે માત્ર એ સાબિત કરવું હતું કે તેમણે બે દેશો વચ્ચે સુલેહ કરાવી. જ્યારે હકીકત એ છે કે સુલેહ જેવું કશું જ થયું નથી. પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો પર કાપ મૂકવામાં આવ્યો હતો એ યથાવત છે, યુદ્ધવિરામ માત્ર કરવામાં આવ્યો, એ પણ પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું ત્યારે અને યુદ્ધ માટેનાં ભારતનાં લક્ષ્ય પાર પડી ગયાં ત્યારે.
આ વર્ષે જુલાઈમાં કેનેડામાં આયોજિત G-7 સમિટ ટ્રમ્પે અધૂરી મૂકીને જવી પડી પછી તેમણે પરત ફરતાં પીએમ મોદીને ફોન કરીને અમેરિકા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. બરાબર આ જ સમયે પાકિસ્તાની સેનાધ્યક્ષ આસિમ મુનીર પણ અમેરિકામાં જ ધામા નાખીને બેઠો હતો. તે સમયે પણ ભારતે, પીએમ મોદીએ દીર્ઘદ્રષ્ટિ દાખવીને કિનારો કરી લીધો હતો. બાકી ત્યારે પણ ટ્રમ્પે બંનેને સાથે રાખીને બંને દેશો વચ્ચે સુલેહ કરાવ્યાનાં નાટક કર્યાં હોત. ત્યારે તક ચૂકી ગયેલા ટ્રમ્પે ઈજિપ્તમાં વધુ એક પ્રયાસ ન કરી જોયો હોત એમ કહેવાનું કોઈ કારણ નથી, પણ ભારતે અંતિમ ક્ષણે આવેલા આમંત્રણ પર વિદેશ રાજ્યમંત્રીને મોકલીને કાર્યક્રમ પણ સાચવી લીધો અને આ બધામાંથી પણ કિનારો કરી લીધો.
પીએમ મોદીએ દીર્ઘદ્રષ્ટિ દાખવીને કાર્યક્રમમાં ભાગ ન લીધો એ નિર્ણય અનેક રીતે યોગ્ય પુરવાર થયો.


