Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશપંજાબ પોલીસે રાતોરાત ‘અન્નદાતાઓ’ને તગેડી મૂક્યા, પણ ઇકોસિસ્ટમ ચૂપ: કેજરીવાલને રાજ્યસભા મોકલવા...

    પંજાબ પોલીસે રાતોરાત ‘અન્નદાતાઓ’ને તગેડી મૂક્યા, પણ ઇકોસિસ્ટમ ચૂપ: કેજરીવાલને રાજ્યસભા મોકલવા માટે AAPએ આંદોલન મુદ્દે લઈ લીધો યુ-ટર્ન?

    અગાઉ આંદોલન વખતે જે યુટ્યુબરો અને ઇકોસિસ્ટમના ચેલાઓ સ્થળ પર જઈ-જઈને આંદોલન કવર કરી રહ્યા હતા, મોદી સરકાર સામે એક નરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા એ તમામ મોં પર આંગળી મૂકીને બેસી ગયા છે.

    - Advertisement -

    હમણાં થોડા દિવસ પહેલાં પંજાબમાં એક ઘટનાક્રમ સર્જાયો, જેની આમ તો ચર્ચા થવી જોઈતી હતી પણ સ્વાભાવિક રીતે જ ન થઈ કે એક ખાસ ગેંગે બહુ કચાટ પણ ન કર્યો. 

    બન્યું એવું કે પંજાબ-હરિયાણાને જોડતી શંભુ અને ખનૌરી સરહદ પર છેલ્લા એક વર્ષથી ડેરો જમાવીને બેઠેલા ‘અન્નદાતાઓ’ને સ્થળ પરથી રાતોરાત ઉઠાડી મૂકવામાં આવ્યા. તેમાંથી જેણે ઘરે જવાની ઈચ્છા દર્શાવી એને ઘરે મોકલી આપવામાં આવ્યા અને જેણે આનાકાની કરી તેમની અટકાયત કરી લેવામાં આવી. પંજાબ પોલીસના લગભગ ત્રણ હજાર જવાનો સ્થળ પર હાજર હતા. સાંજે સાતેક વાગ્યે શરૂ કરેલું ઑપરેશન સવાર સુધીમાં પૂરું પણ થઈ ગયું અને ખેડૂતોને રવાના કરીને સરહદ ખાલી કરી દેવામાં આવી. 

    થોડા પાછળ જઈએ તો, આ ખેડૂતો છેક ફેબ્રુઆરી 2024થી અહીં ડેરો જમાવીને બેઠા હતા. કેન્દ્ર સરકાર MSPની ગેરેન્ટી આપે અને એવી બીજી અમુક માંગો લઈને તેઓ દિલ્હી તરફ કૂચ કરવા માટે નીકળ્યા હતા, બિલકુલ 2021ની પેટર્ન અનુસાર. પણ તમામને હરિયાણા સરહદ પર જ રોકી દેવામાં આવ્યા. દિલ્હી પહોંચવા માટે તેમણે હરિયાણા પાર કરીને જવું પડે, એટલે તમામ શંભુ બોર્ડર અને બીજી એક ખનૌરી બૉર્ડર છે, ત્યાં અટકી ગયા અને અડ્ડો જમાવીને બેસી ગયા.

    - Advertisement -

    આ દરમિયાન ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે લગભગ સાતેક રાઉન્ડની વાતચીત થઈ, પણ તમામ નિષ્ફળ નીવડી. વચ્ચે ખેડૂતોએ એક-બે વખત જોર કરવાના પ્રયત્નો કરી જોયા, પણ બહુ ફાવટ ન આવી અને હરિયાણા પોલીસે જરૂર પડે તો બળપ્રયોગ કર્યો પણ તેમને પ્રવેશતા અટકાવ્યા. હવે વિચારો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર આવી હોત તો? તો પોલીસ પણ કોંગ્રેસના હાથમાં આવી જાત અને ખેડૂતો માટે સંભવતઃ રસ્તો ખુલ્લો થઈ જાત. ટ્રેક્ટરો લઈને દિલ્હી પહોંચી ગયા હોત અને પછી શું થયું હોત તે 2020-21નું રાષ્ટ્રીય રાજકારણ જોનાર વાચક જાણે છે. 

    એવું પણ ન હતું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ટ્રેક્ટરો જેવાં ભારે વાહનો લઈને રાજધાનીમાં પ્રવેશ કરી શકે નહીં, કારણ કે આ સુરક્ષાનો વિષય છે. તેના સ્થાને તેઓ આવાં વાહનો વગર સીમિત સંખ્યામાં દિલ્હી આવે. ખેડૂતો માની પણ ગયા અને સોએક ખેડૂતોની યાદી આપવામાં આવી, પણ પછીથી કૂચ કરવાનો વખત આવ્યો તો અનેકગણા વધુ સંખ્યામાં આવવા માંડ્યા, એટલે પોલીસે હરિયાણા સરહદ પર જ અટકાવવા પડ્યા. 

    AAP કેમ હવે ફરી ગઈ?

    આ બધું થઈ રહ્યું હતું ત્યારે સ્વાભાવિક જ ખેડૂતોને આમ આદમી પાર્ટીની પંજાબ સરકારનું સમર્થન હતું. એવું હોય તો જ કોઈ 13 મહિના સુધી હાઇ-વે બ્લૉક કરીને બેસી શકે. 2020-21માં પણ જ્યારે ખેડૂતોએ મોટાપાયે આંદોલન કર્યું અને દિલ્હીની સરહદો બ્લૉક કરી નાખી ત્યારે પણ કેજરીવાલ અને તેમની સેના સતત ખેડૂતો માટે વકાલત કરી રહી હતી. ‘અન્નદાતાઓ સાથે અન્યાય થાય છે’ની બૂમો પાડી રહી હતી. પણ અચાનક ગાડી અવળી દિશામાં કેમ ફરી ગઈ? 

    આનાં કારણો આમ તો ઘણાં હોય શકે પણ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો એક મોટું કારણ ધ્યાને આવે છે. વાત એમ છે કે પંજાબ વિધાનસભાની લુધિયાણા વિધાનસભા બેઠક ખાલી પડી છે. અહીં પેટાચૂંટણી થશે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાને પસંદ કર્યા છે. અર્થાત્ જો તેઓ ચૂંટણી જીત્યા તો રાજ્યસભામાંથી રાજીનામું આપશે અને એક બેઠક ખાલી પડશે. આ બેઠક પરથી રાજ્યસભામાં કોણ જશે? અહીં નામ આવે છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને નવી દિલ્હી બેઠક પર હમણાં જ પરાજય જોઈ આવેલા અરવિંદ કેજરીવાલનું. 

    રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે અરવિંદ કેજરીવાલ સંજીવ અરોડાના સ્થાને પંજાબથી રાજ્યસભા જશે. જોકે તેમની પાર્ટી આ વાતો નકારતી આવી છે પણ રાજકારણમાં આવી રીતે નકારીને પછીથી એ જ કામ કરવું એ સામાન્ય બાબત છે. 

    લુધિયાણા પેટાચૂંટણી જીતવી આમ આદમી પાર્ટી માટે અત્યંત આવશ્યક છે. પરંતુ સમસ્યા ત્યાં આવે છે કે અહીં ઘણી ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે. કહેવાય છે કે તાજેતરમાં જ્યારે કેજરીવાલ પંજાબના પ્રવાસે હતા તો લુધિયાણાના અમુક ઉદ્યોગપતિઓએ તેમને કહી દીધું કે જો હરિયાણા સરહદ પર ખેડૂત આંદોલન ચાલુ રહ્યું તો તેમને વૉટ મળી શકે એમ નથી. કારણ કે આ આંદોલનના કારણે રસ્તા બ્લૉક છે અને તેનાથી ઉદ્યોગોને તગડું નુકસાન થઈ રહ્યું છે. ટ્રકોની મૂવમેન્ટને આ આંદોલનથી મોટી અસર પડી છે અને તેના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. 

    ત્યારબાદ જે થયું એ તો દેખાય છે. પંજાબ પોલીસ ગઈ અને ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા હતા એ સ્થળ જ ખાલી કરાવી દેવામાં આવ્યું. પછીથી દિલ્હીનાં પૂર્વ સીએમ અને AAP નેતા આતિશીએ આવીને ડહાપણ પણ ડહોળ્યું કે તેઓ ખેડૂતો સાથે છે, પણ અર્થવ્યવસ્થા સુધારવા માટે બોર્ડર ખોલવી જરૂરી હતી. તો ભલા માણસો તમને આ વાત વરસ પછી યાદ આવી? અને જો એમ જ હોય તો દિલ્હીની સરહદો સીલ હતી ત્યારે આ ડહાપણ ક્યાં ગયું હતું? 

    વિશેષ ટોળકી હવે તદ્દન ચૂપ

    બીજી તરફ અગાઉ આંદોલન વખતે જે યુટ્યુબરો અને ઇકોસિસ્ટમના ચેલાઓ સ્થળ પર જઈ-જઈને આંદોલન કવર કરી રહ્યા હતા, મોદી સરકાર સામે એક નરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા એ તમામ મોં પર આંગળી મૂકીને બેસી ગયા છે. કોઈ વિડીયો બનાવવામાં નથી આવી રહ્યા, કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી નથી રહી. રિહાના અને મિયાં ખલીફા જેવા ‘આંતરરાષ્ટ્રીય ખેડૂતો’ પણ ચૂપ છે. ટૂલકિટ ગેંગને પણ નવું કામ મળ્યું નથી. 

    આ તમામે 2020-21ના તથાકથિત આંદોલનને હવા આપવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા બાદ દિવસો સુધી તેમને કવરેજ આપીને મુદ્દાને ભડકાવવામાં આવ્યો. કારણ એક જ હતું. આંદોલન મોદી સરકાર સામે હતું. તે કયા મુદ્દે હતું, સરકાર શું કહેવા માંગતી હતી તેની સાથે ન તો મોટાભાગના આંદોલનકારીઓને નિસબત હતી કે ન તેમને કવરેજ આપનારાઓને. આંદોલન કરનારાઓને કવરેજ મળતું હતું અને કવરેજ આપનારાઓને સરકાર સામે નરેટિવ સેટ કરવા માટેની તૈયાર સામગ્રી. આખરે આ આંદોલન અરાજકતામાં ફેરવાયું અને 26 જાન્યુઆરી, 2021ના દિવસે લાલ કિલ્લા પર ઉપદ્રવ મચાવવામાં આવ્યો. આખરે પીએમ મોદીએ પીછેહઠ કરવી પડી અને ત્રણ કાયદાઓ, જેને લઈને આંદોલન ચાલતું હતું અને જેના વિશે મોટાભાગન આંદોલનકારીઓને ખબર પણ ન હતી કે તેમાં શું છે, તે પરત લઈ લેવામાં આવ્યા.

    જોકે પછીથી 2024માં આ બીજી વખત આંદોલન ચાલુ થયું તો તેની તીવ્રતા ઓછી થઈ ગઈ હતી. કારણ કે એક તો ખેડૂત સંગઠનોમાં જ 2021ના એપિસોડ પછી ઘણા ભાગલા પડી ગયા. બીજું, માંગો પણ અમુક એવી હતી, જેને બહુ સમર્થન મળ્યું નહીં. ત્રીજું. જનતા પણ જાણી ગઈ કે આંદોલન અને ક્રાંતિના નામે ચાલતા આ ખેલ પાછળ કોણ છે અને તેનો મૂળ ઉદ્દેશ્ય શું છે. જોકે ત્યારે પણ કવરેજ આપવાના તો ઈકોસિસ્ટમે પૂરતા પ્રયાસ કર્યા જ હતા. પણ હવે પંજાબ પોલીસે કાર્યવાહી કરી તો આ ટોળકી ચૂપ બેસી રહી. કારણ તેઓ પણ જાણે છે અને આપણે પણ.

    કહેવાની વાત એટલી છે કે રાજકારણમાં દરેકનાં પોતાનાં હિતો હોય છે અને તેને સાધવા માટે ગમે તેને સાથે કરીને ગમે ત્યારે લાત મારી શકે. ભાવનાઓમાં વહી જઈને આંદોલનના ઝંડાઓ ઉપાડતાં પહેલાં આટલું ધ્યાન રાખવું જરૂરી છે, જો સુખી જીવન જીવવું હોય તો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં