પંજાબ-હરિયાણા બોર્ડર એટલે કે શંભુ બોર્ડર (Shambhu Border) પર ફરી એક વખત હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે, 8 મહિનાથી બોર્ડર પર અડિંગો જમાવીને બેસેલા પંજાબના (Punjab) ‘ખેડૂતો’ (Farmers) દિલ્હી (Delhi March) તરફ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ‘દિલ્હી ચલો’ આંદોલન માટે મોટી સંખ્યામાં શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા હતા. 101 ‘ખેડૂતો’એ પગપાળા અંબાલા (Ambala) તરફ કૂચ કરી છે. 2 બેરિકેડ પાર કર્યા બાદ હવે હરિયાણા પોલીસે તેમને રોકી લીધા છે. પેરામિલીટરીના બેરિકેડ પર આ તમામ પ્રદર્શનકારીઓને રોકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દરમિયાન પણ ‘ખેડૂતો’એ ભારે હોવાળો પણ કર્યો છે. તેમણે પોલીસ અને પેરામિલીટરીના બેરિકેડ અને કાંટાળી જાળ પણ તોડી નાખી છે. જે બાદ હરિયાણા પોલીસે (Haryana Police) સખત શબ્દોમાં કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. હાલ પણ શંભુ બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ હોવાનું સામે આવ્યું છે. ‘ખેડૂતો’ના ઉત્પાત બાદ હરિયાણા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ટીયરગેસના સેલ છોડ્યા બાદ 7 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલા પણ શંભુ બોર્ડર પર ઘસી આવ્યા છે.
#WATCH | Protesting farmers remove the barricades as they try to cross over the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/QJdpsfYKCj
— ANI (@ANI) December 6, 2024
MSP, દેવામાફી અને પેન્શન જેવી માંગોને લઈને 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર અડિંગો જમાવીને બેઠેલા પંજાબના ‘ખેડૂતો’ને હરિયાણા સરકારે દિલ્હી માર્ચની મંજૂરી આપી નથી. વધુમાં હરિયાણા સરકારે શંભુ બોર્ડર વિસ્તારમાં કલમ 163 પણ લાગુ કરી દીધી હતી, તેમ છતાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ‘ખેડૂતો’એ પોલીસ સાથે બળજબરી કરી હતી. જે બાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. ભારે હોબાળા બાદ હરિયાણાના ગૃહ સચિવ સુમિતા મિશ્રાએ પંજાબ-હરિયાણા બોર્ડર પાસે આવેલા અંબાલાના 11 ગામોના ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપી દીધા હતા.
આ સાથે જ શંભુ બોર્ડર પર થયેલા હોબાળાને લઈને પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. જોકે, હજુ સુધી ‘ખેડૂતો’ને આગળ વધવા દેવામાં આવ્યા નથી. આ ઉપરાંત ખનૌરી બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની 13 કંપનીઓ, CRPF અને BSFની પણ એક-એક કંપનીને ખનૌરી બોર્ડર પર તહેનાત કરી દેવામાં આવી છે. કુલ લગભગ દોઢ હજાર જવાનોને બોર્ડર પર ખડકી દેવામાં આવ્યા છે. વધુમાં હરિયાણા પ્રશાસને તમામ તૈયારીઓ પણ કરી લીધી છે.
3 બુલડોઝર, વોટર કેનન વ્હીકલ, ડ્રોન, 3 વજ્ર વાહન, 20 રોડવેજ બસો અને પોલીસની 7 બસો પણ ખનૌરી બોર્ડર પર ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત 30 કિલોમીટરના વિસ્તારમાં 3 સ્થળોએ એટલે કે થ્રી લેવલ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જોકે, ‘ખેડૂતો’ હજુ સુધી શંભુ બોર્ડરથી આગળ વધી શક્યા નથી. શંભુ બોર્ડર પર પણ થ્રી લેવલ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસ તથા પેરામિલીટરી ફોર્સના 1 હજારથી વધુ જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે.