પંજાબ-હરિયાણા બોર્ડર (Punjab-Haryana Border) (શંભુ બોર્ડર) પરથી ‘ખેડૂતો’ (Farmers) ફરી દિલ્હી કૂચ (Delhi March) કરવા માટે આગળ આવી રહ્યા છે. ‘ખેડૂતો’એ આ માર્ચને ‘દિલ્હી ચલો’ નામ આપ્યું છે. આ માર્ચમાં શંભુ બોર્ડર પર 8 મહિનાથી અડિંગો જમાવીને બેઠેલા ‘ખેડૂતો’ સામેલ થશે. માહિતી અનુસાર, શુક્રવારે (6 ડિસેમ્બર) બપોરે 1 કલાકે તેઓ ટ્રેક્ટર કે ટ્રૉલી વિના જ પગપાળા દિલ્હી તરફ આગળ વધશે. જેને લઈને દિલ્હીમાં ફરીથી ટ્રાફિક જામની સમસ્યા પેદા થઈ શકે છે, તેને જોતાં હરિયાણાના અંબાલામાં તંત્રએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરી દીધી છે, જે હેઠળ મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સોમવારે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ દિલ્હી માર્ચની જાહેરાત કરી હતી. જોકે, દલિત પ્રેરણા સ્થળ પર વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂતો પરત ફર્યા હતા. પરંતુ હવે શંભુ બોર્ડર પર મહિનાઓથી બેઠેલા ‘ખેડૂતો’એ દિલ્હીમાં સંસદ ભવનનો ઘેરાવો કરવાની યોજના બનાવી છે. 100થી વધુ ‘ખેડૂતો’નો પહેલો જથ્થો દિલ્હી તરફ રવાના થવા માટે તૈયાર થઈ ગયો છે. ‘સંયુક્ત કિસાન મોરચા’ના નેતૃત્વમાં આ જથ્થો 1 વાગ્યે દિલ્હીના સંસદ ભવન તરફ રવાના થશે.
#WATCH | Visuals from the Shambhu border, from where the farmers will start their march towards Delhi at 1 pm today. pic.twitter.com/DgWL8zWN9W
— ANI (@ANI) December 6, 2024
દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર થયેલા પંજાબના ‘ખેડૂતો’એ કહ્યું છે કે તેઓ પોતાની વિવિધ માંગોને લઈને સંસદ ભવન પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી, દેવા માફી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, જમીન સંપાદન અધિનિયમને પુનઃ સ્થાપિત કરવો અને વીજળીના દરમાં કોઈ વધારો ન કરવા જેવી બાબતો સામેલ છે. જોકે, શંભુ બોર્ડર પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને પોલીસતંત્ર પણ સક્રિય થઈ ગયું છે.
હાલ સંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, સરહદ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પોલીસ ફોર્સ તૈયાર છે. નોંધવા જેવું છે કે, સોમવારે ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી તરફ રવાના થયા હતા, જેના કારણે રાજધાનીની અનેક સેવાઓ પ્રભાવિત થઈ હતી અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીનો વાહનવ્યવહાર પણ રૂંધાયો હતો અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.