છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પંજાબ-હરિયાણા સરહદ પર પ્રદર્શન કરતા ‘ખેડૂતો’ને સ્થળ પરથી હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે બુધવારે (19 માર્ચ) સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી અને ખેડૂત નેતાઓની અટકાયત કર્યા બાદ પ્રદર્શન સ્થળ પરથી કામચલાઉ ધોરણે તાણી બાંધવામાં આવેલા તંબૂઓ અને અન્ય વ્યવસ્થાને બુલડોઝર વડે હટાવીને રસ્તો ખુલ્લો કરી દીધો હતો.
ખેડૂતો પંજાબ-હરિયાણા સરહદ, જેને શંભુ બોર્ડર પણ કહેવાય છે, ત્યાં 13 ફેબ્રુઆરી, 2024થી જ પ્રદર્શન કરી રહ્યા હતા. વચ્ચે ઘણી વખત તેમણે સરહદ પાર કરીને હરિયાણામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે સફળ થવા દીધા ન હતા. આ ખેડૂતો 2021-22ની જેમ જ ફરીથી દિલ્હી કૂચ કરવા મથી રહ્યા હતા, પરંતુ હરિયાણા પોલીસ પ્રવેશ આપી રહી ન હતી.
19 માર્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત ચંદીગઢમાં આયોજિત થઈ હતી, પરંતુ તે પણ અનિર્ણિત જ રહી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ખાદ્યમંત્રી પ્રહલાદ જોશી, ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યા. પરંતુ આ બેઠકમાં પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નહીં અને આગલી બેઠક 4 મેના રોજ નક્કી કરવામાં આવી. બીજી તરફ ખેડૂતોએ એલાન કર્યું કે તેઓ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે.
પરંતુ અચાનક પંજાબ પોલીસ તેમના પ્રદર્શન સ્થળ ઉપર ત્રાટકી અને પહેલાં મુખ્ય ખેડૂત નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને ત્યારબાદ પ્રદર્શન સ્થળ ખાલી કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન સરહદ પર ડેપ્યુટી આઈજી (પટિયાલા) મનદીપ સિંઘ સિદ્ધુની આગેવાનીમાં 3000 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા.
શરૂઆતમાં ખેડૂતો પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા, પરંતુ પોલીસે 200 ખેડૂતોની અટકાયત કરી લીધી. જેમાં જગજિત સિંઘ ડલ્લેવાલ અને સરવન સિંઘ પંધેર વગેરે મુખ્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે. હાલ ખનૌરી સરહદ અને આસપાસના સંગરૂર અને પટિયાલા જિલ્લાના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
#WATCH | Punjab Police demolished the tents erected by farmers at the Punjab-Haryana Shambhu Border, where they were sitting on a protest over various demands.
— ANI (@ANI) March 19, 2025
The farmers are also being removed from the Punjab-Haryana Shambhu Border. pic.twitter.com/TzRZKEjvXD
મીડિયામાં સ્થળ પરથી અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પોલીસની હાજરીમાં બુલડોઝરની મદદથી ખેડૂતોના તંબૂઓ હટાવવામાં આવતા જોવા મળે છે. આ બાંધકામ સરહદ પર કરવામાં આવ્યું હતું, જેના કારણે યાતાયાતને અસર પડી રહી હતી. પોલીસ હવે આ બધું ખાલી કરાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી રહી છે.
રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો થશે: પંજાબ પોલીસ
#WATCH | On Police action at Punjab-Haryana Shambhu order, Patiala SSP Nanak Singh says, "Farmers had been protesting at Shambhu Border for a long time. Today, in the presence of Duty Magistrates, Police cleared the area after they were given proper warning. A few people showed a… pic.twitter.com/v8puRxV8c2
— ANI (@ANI) March 19, 2025
પટિયાલા એસએસપીએ મીડિયાને જણાવ્યું કે, “શંભુ બોર્ડર પર ઘણા સમયથી ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં. આજે ડ્યુટી મૅજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે સ્થળ ખાલી કરાવ્યું છે અને તે પહેલાં તેમને સૂચના પણ આપવામાં આવી હતી. અમુક લોકોએ ઘરે પરત ફરવાની ઇચ્છા દર્શાવી, જેમને મોકલી દેવામાં આવ્યા. અહીંથી બાકીનું સ્ટ્રક્ચર હટાવવામાં આવી રહ્યું છે અને રસ્તો સંપૂર્ણ ખાલી કરીને ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હરિયાણા પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અને તેઓ પૂર્ણ કરી દે ત્યારબાદ ટ્રાફિક ચાલુ થઈ જશે.”