સમાચાર એવા છે કે હિંદુ એક્ટિવિસ્ટ મીનાક્ષી સેહરાવત વિરુદ્ધ કોંગ્રેસશાસિત કર્ણાટકમાં એક FIR દાખલ કરવામાં આવી છે. આરોપ શું છે? તેમણે મોહનદાસ કરમચંદ ગાંધી પર અમુક ટિપ્પણીઓ કરી હતી અને અન્ય અમુક વાતો કહી હતી, જેના વિશે ત્યાંની પોલીસનું કહેવું છે કે ભાવનાઓ ભડકી શકે અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જાય શકે તેમ છે. કેસમાં પોલીસ સ્વયં ફરિયાદી બની છે એ પણ એક નોંધવા જેવી બાબત છે.
મજાની વાત એ છે કે આપણે ત્યાં હિંદુ દેવી-દેવતાઓને બેફામ બોલી શકાય છે. અહીં સુધી કે કેન્દ્રની સરકાર કોર્ટમાં એફિડેવિટ કરીને કહી શકે કે રામનું અસ્તિત્વ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવાઓ કે તથ્યો મળી આવ્યાં નથી. દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્ર દોરનારાઓને પુરસ્કારો અપાય છે. કોમેડીના નામે હિંદુ દેવતાઓને ભાંડતા જોકરોને પણ અહીં શો મળી રહે છે અને વામપંથીઓની એક જમાત આવાઓને ખભે ઊંચકીને ફરતી રહે છે. પણ મોહનદાસ ગાંધીને કશું કહી શકાતું નથી.
આપણે ત્યાં ગાંધીની ટીકા એ ‘ઈશનિંદા’ છે. અંગ્રેજીમાં એને ‘બ્લાસફેમી’ કહેવાય. તમે ઐતિહાસિક તથ્યો અને આધાર વડે પણ ગાંધીની ટીકા કરો એટલે તરત ‘ભક્ત’, ‘વોટ્સએપ યુનિવર્સિટીના વિદ્યાર્થી’ કે ‘ગોડસેવાદી’નું બિરુદ પકડાવી દેવામાં આવશે. એ વાત સાચી કે ગાંધીને કે ફોર ધેટ મેટર કોઈને જ ગાળો ભાંડવાની ન હોય કે અપમાન કરવાનું ન હોય, પણ જે જેન્યુઈન ટીકા છે તેને અલગ તારવીને જોવી જોઈએ. પણ આપણે ત્યાંના સ્યુડો ગાંધીવાદીઓ આવું શીખ્યા નથી. રાધર તેમને શીખવવામાં આવ્યું નથી.
તમે બહાર નીકળીને એમ કહી દો કે મારે મોહનદાસ ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ માનવા નથી કે ‘મહાત્મા’ કહેવા નથી (મીનાક્ષી સેહરાવતે પણ આવું જ કશુંક કહ્યું હતું એ સુજ્ઞ વાચકની જાણ સારુ) તો દસ ગાંધીવાદીઓનું ટોળું તમારી ઉપર તૂટી પડશે. પણ હકીકત એ છે કે બંધારણ તમને એવી કોઈ ફરજ પાડતું નથી કે ન ક્યાંય આ બાબતના કોઈ આધિકારિક દસ્તાવેજ છે. સ્વાભાવિક ન જ હોય. તમારે કહેવા હોય તો કહો, જેમના વિચારો જુદા છે તેમના વિચારોને સન્માન આપતાં આવડવું જોઈએ. ખાસ કરીને એ ટોળકીને જેઓ ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ની પીપૂડી વગાડતા રહે છે.
ગાંધીને ઈશ્વરના સ્તર સુધી મૂકી દેવામાં મોટો ફાળો રાજકીય પક્ષોનો ને ખાસ કરીને કોંગ્રેસનો છે. ગાંધી હજુ એક રાજકીય બ્રાન્ડ છે, જેનાથી મત મળે છે. કોઈ પણ રાજકીય પાર્ટી ગાંધીને અવગણી શકે નહીં. ઠીક છે, આપણે અવગણવાની સલાહ પણ આપતા નથી. પણ આ રાજકારણમાં ગાંધીનું કદ એટલું બધું કરી નાખ્યું છે કે હવે કોઈ બે શબ્દ પણ વિરુદ્ધમાં કહે એટલે તરત તેની ઉપર સ્યુડો ગાંધીવાદીઓનું ટોળું તૂટી પડે છે.
આ નરેટિવ આગળ વધારવા માટે આપણા માથે એવી વાતો જ મારવામાં આવી, જે ગાંધીનું માત્ર મહિમામંડન કરે. ‘દે દી હમેં આઝાદી..’વાળું તૂત વર્ષો સુધી ચલાવવામાં આવ્યું. ફિલ્મો અઢળક બની. પુસ્તકો લખાયાં અને ઇતિહાસ લખાયો એ પણ આ નરેટિવની આસપાસ જ ચીતરાયો. એવી વાતો ક્યારેય આપણા સુધી પહોંચવા દેવામાં આવી નથી, જેનાથી વાંચનાર કે જાણનારમાં થોડોઘણો પણ સંશય સર્જાય. આ મહેનત માંગી લેતું કામ છે અને તેમાં આ ઇકોસિસ્ટમ પાવરધી બની ચૂકી છે.
આવું ડૉ. આંબેડકરના કિસ્સામાં પણ હમણાં બન્યું. તેમની સાથે આખો એક સમુદાય જોડાયેલો છે. એટલે રાજકારણ રમવા માટે પાર્ટીઓ તેમના નામનો ઉપયોગ કરતી રહે છે. એટલે જે કોંગ્રેસ બાબાસાહેબ સાથે ભૂતકાળમાં ભરપૂર કાવતરાં કર્યાં એ પાર્ટી હવે અમિત શાહની એક અધૂરી ક્લિપ ફરતી કરીને એવું સાબિત કરવા મથે છે કે તેમણે બાબાસાહેબનું અપમાન કર્યું હતું. જ્યારે હકીકતે એવું કશું હતું જ નહીં. પણ મૂળમાં રાજકારણ છે.
ગાંધીના કિસ્સામાં એક નરેટિવ ઘડવામાં મોટો ફાળો આપણે ત્યાંના કલમઘસુ લેખકડાઓનો પણ છે. ઓશો, લગ્નજીવન, ગાંધી…આવા ચાર-પાંચ વિષયોની બહાર તેઓ નીકળી શક્યા જ નથી. આમાંના અમુકે ગાંધીનું સ્તર અવતારની કક્ષા સુધી પહોંચાડી દીધું છે. તેમણે કાગળ પર કરેલી ઊલટીઓને જ વાંચીને મોટાં થયેલાં તેમનાં નાદાન વાચકો પછી કોઈ ગાંધી વિશે જેન્યુઇન ટીકા પણ કરતું હોય એટલે ત્યાં જઈને હો-હા કરી મૂકે છે.
આ ગેંગની બીજી એક મોડસ ઓપરેન્ડી એ છે કે જો કોઈ ગાંધી વિરુદ્ધ એક અક્ષર ઉચ્ચારે એટલે તેને ‘ગોડસેભક્ત’ કહી દેવામાં આવે છે. હવે આ ચિત્રમાં ગોડસે છેક છેલ્લે આવે છે. તેમણે ગાંધીની હત્યા કરી હતી. હત્યા યોગ્ય ઠેરવી શકાય નહીં. તેની સજા પણ મળી હતી. પણ તેનો અર્થ ક્યાંય એવો થતો નથી કે ગાંધીની ટીકા કરનારાઓ ગોડસેવાદી જ હોવાના. દલીલો ન વધે ત્યારે આવી વાતો કરવામાં આવતી રહે છે.
સમજવાની વાત માત્ર એટલી છે કે મોહનદાસ હોય, ડૉ. આંબેડકર હોય કે પછી કોઈ પણ ઇતિહાસનું પાત્ર. તમામના સદગુણો પણ હતા અને દુર્ગુણો પણ. અમુક કામો દેશહિતમાં કે રાષ્ટ્રહિતમાં થયાં હશે તો એનો અર્થ એ નથી કે એવા નિર્ણયો પર પણ ચર્ચા કરવામાં ન આવે, જેનાથી રાષ્ટ્રને કે એક બહુમતી સમાજને બહુ મોટું નુકસાન થયું હોય.
મોહનદાસ પોતે કહેતા હોય કે, હિંદુઓએ જો મુસ્લિમો તેમને ખતમ પણ કરી નાખવા માંગતા હોય તોપણ તેમના પ્રત્યે (મુસ્લિમો) દ્વેષભાવ રાખવો જોઈએ નહીં. મુસ્લિમો જો હિંદુઓને મારીને નવું શાસન સ્થાપશે તો આપણે એક નવા ભારતમાં પ્રવેશ કરીશું, તો તેની ઉપર પ્રશ્ન શા માટે ઉઠાવવામાં ન આવે? મોપલા નરસંહાર વખતે તેમના મૌન પર પ્રશ્નાર્થ હમણાં જ નહીં જે-તે સમયે પણ ઉઠ્યા હતા અને પ્રશ્ન ઉઠાવનારાઓ પણ તેમના સમકાલીનો જ હતા.
બ્રહ્મચર્યના પ્રયોગોથી માંડીને વિવિધ ઘટનાઓ પ્રત્યે ગાંધીનાં અમુક વલણો એવાં હતાં, જેની ઉપર ચર્ચા ક્યારેય થઈ નથી. થાય અને પ્રશ્ન ઉઠાવવામાં આવે એટલે તરત લિબરલો તેમની લિબરલતા ગુમાવી બેસે છે. રંગીલા રસૂલના આખા એપિસોડ વિશે અને તેમાં ગાંધીના વિચારો વિશે આજદિન સુધી મુખ્યધારામાં ચર્ચા થતી નથી. ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજનને આ ‘મહાત્મા’એ જ વિકૃત કર્યું હતું એ ચર્ચા આપણે છેક એંશી વર્ષ પછી કરી રહ્યા છીએ.
સ્વતંત્રતા પછી પણ આ ભાઈ રાષ્ટ્રધ્વજમાં યુનિયન જેક રાખવા માંગતા હતા એ પણ આપણને ક્યારેય જણાવવામાં આવ્યું નથી. ખિલાફત ચળવળ, જેને ભારતના મુસ્લિમો સાથે કશું લાગતુ-વળગતું જ ન હતું તેમાં તેમના સમર્થનનાં શું પરિણામો-દુષ્પરિણામો આવ્યાં તેની ઉપર થતી ચર્ચાને પણ આ ટોળકી સહન કરી શકતી નથી.
ટૂંકમાં કહીએ તો, અત્યારના કે ભૂતકાળના, જે-તે નેતાઓને તેમના સ્તર ઉપર જ રહેવા દઈએ. તેમનાં સારાં-નરસાં કામોનું નિરપેક્ષ મૂલ્યાંકન થાય એ જરૂરી છે. તેની ઉપર ચર્ચા થાય એ જરૂરી છે. તેમને એક ઈશ્વરનું સ્ટેટ્સ આપીને ફ્રીડમ ઑફ સ્પીચ પર તરાપ મારવાની કોઈ જરૂર નથી. મજાની વાત એ પણ છે કે આ વાત સામેની ટોળકી કાયમ મોદી માટે કહેતી રહે છે, પણ ગાંધીની ટીકાની વાત આવે એટલે તેમનો આત્મા બળવો પોકારી ઉઠે છે!