Saturday, October 5, 2024
More
    હોમપેજદેશમહિલાઓ સાથે સ્નાન, યુવતીઓ સાથે નગ્નાવસ્થામાં ઊંઘવું: મોહનદાસ ગાંધીના એ ‘બ્રહ્મચર્યના પ્રયોગો’,...

    મહિલાઓ સાથે સ્નાન, યુવતીઓ સાથે નગ્નાવસ્થામાં ઊંઘવું: મોહનદાસ ગાંધીના એ ‘બ્રહ્મચર્યના પ્રયોગો’, જેની ઓછી જોવા મળે છે ચર્ચા

    અગત્યની વાત એ છે કે ગાંધી ક્યારેય પોતાના આ ‘પ્રયોગો’ પર ઢાંકપિછોડો કર્યો નહીં અને નજીકના સાથીઓ સાથે તેની ચર્ચા પણ કરતા રહ્યા, જે મોટેભાગે પત્રોના માધ્યમથી જ થતી રહેતી. 

    - Advertisement -

    આજે મોહનદાસ ગાંધીની (MK Gandhi) જન્મજયંતી. ભારત સહિત વિશ્વ આખામાં તેઓ ‘અહિંસક ચળવળ’ અને ભારતીય સ્વતંત્રતા આંદોલન માટે ઓળખાય છે. સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારોના કારણે તેમને ‘મહાત્મા’ની ઉપાધિ અપાઈ, જે આજે પણ તેમના નામ સાથે જેમની તેમ જોડાયેલી રહી છે. પણ તેમનાં જીવનનાં અમુક પાસાં એવાં પણ છે, જેની ઉપર પ્રકાશ તેમના બાકીના જીવન કરતાં ઓછો પાડવામાં આવ્યો છે કે સમાન્ય જનમાનસમાં આ કિસ્સાઓની જાણકારી બહુ પહોંચી નથી. આવું જ એક પાસું એટલે ગાંધીના (Experiments with Celibacy) ‘બ્રહ્મચર્યના પ્રયોગો.’ 

    મોહનદાસ કરમચંદ ગાંધીના ‘સેક્સ’ વિષય પર વિચારો થોડા અલગ હતા. જેની ઉપર તેઓ અવારનવાર પોતાના અનુયાયીઓ સમક્ષ ‘જ્ઞાન’ વહેંચતા રહેતા. જોકે આ વિચારો એવા હતા, જેને સમાન્ય જનમાનસમાં બહુ સ્વીકારવામાં આવ્યા નહીં અને અન્ય તો ઠીક પણ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ આ વિચારોને ‘અસામાન્ય’ અને ‘અસ્વાભાવિક’ ગણાવ્યા હતા. 

    13 વર્ષની વયે મોહનદાસ ગાંધીના વિવાહ કસ્તુરબા સાથે થયા. જોકે, ત્યારે આ ઉંમર કોઈ અસામાન્ય બાબત ન્હોતી. તેમનું વૈવાહિક જીવન સમાન્ય રીતે વીત્યું અને 4 પુત્રો થયા. પત્ની પ્રત્યે કઈ રીતે પોતે આકર્ષાતા તેને લઈને ગાંધીએ પછીથી લખ્યું પણ હતું. તેઓ લખે છે કે, “શાળામાં પણ હું તેના જ વિચારોમાં ખોવાયેલો રહેતો.” આત્મકથામાં ગાંધી લખે છે કે, તેઓ નિરક્ષર પત્નીને અભ્યાસ કરાવવા માંગતા હતા, પરંતુ બંને વચ્ચેના પ્રેમના કારણે ક્યારેય સમય કાઢી શકતા ન હતા. જોકે, પછીના જીવનમાં સેક્સ પ્રત્યે ગાંધીના વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. 

    - Advertisement -

    ગાંધીએ આત્મકથામાં પિતાના મૃત્યુ સમયની ક્ષણોનું પણ વર્ણન કર્યું છે. તેમના અનુસાર, પિતા જ્યારે બીમાર અવસ્થામાં હતા ત્યારે પોતે કાયમ તેમની સેવા કરતા. પિતાજીનાં કપડાં બદલવાનું, ડ્રેસિંગ કરવાનું, રાત્રે પગ દબાવવાના એ તેમનો નિત્યક્રમ રહ્યો. ગાંધી લખે છે કે, “દર રાત્રે મારા હાથ પિતાજીના પગ દબાવવામાં વ્યસ્ત રહેતા અને મારું મન શયનખંડ વિશે વિચારવામાં.” ગાંધી એ પણ લખે છે કે કઈ રીતે પત્ની સાથે પ્રેમ કરવામાં વ્યસ્ત થઈ જતાં પિતાજીની અંતિમ ક્ષણોમાં તેઓ સાથે રહી શક્યા ન હતા, જેનો તેમને પછીથી પસ્તાવો પણ ખૂબ હતો. 

    બ્રહ્મચર્ય

    30 વર્ષની ઉંમર સુધીમાં ગાંધીના સેક્સ પ્રત્યેના વિચારોમાં ખાસ્સું પરિવર્તન આવ્યું. આ એ સમય હતો, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા. તેઓ માનવતાની સેવા કરવા માંગતા હતા અને તેના માટે નક્કી એવું થયું કે ગરીબી અને શુદ્ધ ચારિત્ર્ય વગર તે શક્ય નથી. 38 વર્ષની ઉંમરે વર્ષ 1906માં તેમણે બ્રહ્મચર્ય અપનાવ્યું. બ્રહ્મચર્યનો અર્થ એ કે શારીરિક સંબંધોથી સંપૂર્ણપણે દૂર રહેવું. તેમણે પત્નીને પણ આ વિચાર જણાવ્યો અને લખ્યું છે કે તેમણે પણ એ મંજૂર રાખ્યો હતો. ત્યાં સુધીમાં તેમણે પિતરાઈઓ સાથે એ ચર્ચા કરી રાખી હતી કે તેમણે પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનું બંધ કરી દેવું જોઈએ કે કેમ. બ્રહ્મચર્ય અપનાવ્યા પછી તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું અને આ એક જ પરિબળ નહીં પણ ભોજનથી માંડીને સમાન્ય દિનચર્યા પણ ઘણીખરી બદલાઈ. 

    બહુ જલ્દી ગાંધીના આ વિષય પર વિચારો બદલાઈ ગયા હતા. 1907માં તેઓ ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખે છે કે, “દરેક વિચારશીલ ભારતીયની એ ફરજ છે કે તે વિવાહ ન કરે. જો લગ્નની બાબતમાં તે અસહાય (કરવાં જ પડે તેવી સ્થિતિ હોય) તો પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાથી તેણે દૂર રહેવું જોઈએ.” તેમનું માનીએ તો શારીરિક સંબંધો માત્ર સંતતિ પ્રાપ્ત કરવા માટે જ બાંધવા જોઈએ અને બાકીના સમયમાં ટાળવા જોઈએ. 

    પ્રયોગો  

    મોહનદાસ ગાંધીએ બ્રહ્મચર્ય અપનાવ્યું ત્યાં સુધી તો ઠીક હતું, પણ પછીથી તેમણે પોતાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ત્યારપછી શરૂ થાય પ્રયોગો, જે કદાચ આજની તારીખે કોઈ કરવા જાય તો સમાજ કોઈ કાળે સ્વીકારે નહીં. 

    ગાંધીએ આશ્રમો સ્થાપ્યા હતા. આ પ્રયોગો અહીં જ થતા. જ્યાં છોકરા-છોકરીઓએ સ્નાન સાથે કરવાનું રહેતું. ઊંઘવાનું પણ સાથે. પણ તેમણે ચારિત્ર્ય શુદ્ધતા જાળવી રાખવાની રહેતી. જો કોઈ અસભ્ય વર્તન કે વાતચીત કરતા દેખાય તો તેમને દંડવામાં આવતા. વિવાહિત દંપતી માટે આશ્રમમાં સાથે ઊંઘવા પર પણ રોક હતી. ગાંધીએ પતિઓને પત્ની સાથે એકલા ન રહેવાની સલાહ આપી હતી અને જ્યારે કોઈ ‘અવળા’ વિચાર આવે તો ઠંડા પાણીએ સ્નાન કરી લેવા માટે પણ કહ્યું હતું. 

    જોકે, નિયમો ગાંધી માટે જુદા હતા. 1920માં સવાર અને સાંજની પ્રાર્થનાઓ માટે જતી વખતે તેમણે મહિલાઓનો સહારો લેવાનું ચાલુ કર્યું. તેઓ બંને હાથ મહિલાઓના ખભે રાખીને ચાલતા, જેને ક્યારેક રમૂજમાં ‘વૉકિંગ સ્ટીક’ (ચાલવાની લાકડી) પણ કહી દેતા. તેમની ભત્રીજીઓ આભા અને મનુ તેમની ‘વૉકિંગ સ્ટીક’ હતી. ત્યારબાદ આશ્રમમાં દૈનિક ધોરણે મસાજ પણ થતું, જેમાં પણ ભાગ લેતી મહિલાઓ. ત્યારબાદ સ્નાન થતું, તેમાં પણ મહિલાઓ મદદરૂપ થતી. 

    ગાંધીના પર્સનલ સેક્રેટરી પ્યારેલાલ નૈયરની બહેન સુશીલા નૈયર તેમનાં પર્સનલ ડૉક્ટર હતાં, જેઓ પોતાની તરુણાવસ્થાથી ગાંધીની કાળજી લેતાં. સ્નાન દરમિયાન તેઓ ગાંધીનાં કાયમી સાથી રહેતાં. જોકે, ગાંધીએ દાવો કર્યો છે કે તેઓ સ્નાન દરમિયાન ક્યારેય સુશીલા સામે જોતા પણ ન હતા અને આંખ સંપૂર્ણપણે બંધ રાખતા. 

    સમય ગયો તેમ ગાંધીના પ્રયોગોનાં પણ નવાં સ્વરૂપ આવતાં ગયાં. જેમાં હવે ગાંધી પોતાની સાથે યુવા વયની મહિલાઓને રાત્રે ઊંઘાડતા. નગ્નાવસ્થામાં. પહેલાં માત્ર આ એક ઊંઘવાની વ્યવસ્થાનો ભાગ હતો, પણ પછીથી ગાંધીના પ્રયોગો બની ગયા. તેમના અનુસાર, આ સંપૂર્ણ બ્રહ્મચર્ય અપનાવવા માટે નિર્વાણની સ્થિતિ પહોંચવા માટેની એક પદ્ધતિ હતી, જેમાં યુવા વયની મહિલાની બાજુમાં નગ્ન ઊંઘીને પણ વ્યક્તિ સંયમ જાળવી શકે. સુશીલા સિવાય આભા અને મનુ તેમને કાયમ આ પ્રયોગોમાં સાથ આપતી. સાથે આશ્રમની અન્ય મહિલાઓ પણ ખરી. 

    ગાંધીને જેમ ઉંમર વધતી ગઈ તેમ આશ્રમમાં તેમની આસપાસ રહેતી મહિલાઓની સંખ્યા પણ વધતી ગઈ, ખાસ કરીને તેમનાં પત્ની કસ્તુરબાના નિધન પછી. જે મહિલાઓ તેમના પતિ સાથે આશ્રમમાં એક બેડ પર ઊંઘી શકતી ન હતી, તેમણે પૂ. બાપુના આ પ્રયોગોનો ભાગ બનવાનું રહેતું. 

    અગત્યની વાત એ છે કે ગાંધી ક્યારેય પોતાના આ ‘પ્રયોગો’ પર ઢાંકપિછોડો કર્યો નહીં અને નજીકના સાથીઓ સાથે તેની ચર્ચા પણ કરતા રહ્યા, જે મોટેભાગે પત્રોના માધ્યમથી જ થતી રહેતી. 

    આશ્રમના મેનેજર મુન્નાલાલ શાહને લખેલા એક પત્રમાં મોહનદાસ લખે છે કે, “આભા મારી સાથે ત્રણ રાત્રિ ઊંઘી. કંચન માત્ર એક જ રાત. વિનાસનું મારી સાથે ઊંઘવું માત્ર એક અકસ્માત ગણી શકાય. એવું કહી શકાય કે તે માત્ર મારી નજીક ઊંઘી હતી.” નોંધવું જોઈએ કે કંચન મુન્નાલાલની પત્ની હતી, જ્યારે આભા ગાંધીના ભત્રીજા કનુ ગાંધીની પત્ની. 

    તેઓ આગળ લખે છે, “આભા અને કંચને મને કહ્યું કે તેમને બ્રહ્મચર્ય પાળવામાં કોઈ રસ નથી, પણ શારીરિક સંબંધોનો આનંદ માણવો છે. પરંતુ તે મને ઠેસ ન પહોંચે તે માટે અનિચ્છાપૂર્વક નિર્વસ્ત્ર થઈ હતી. મને સ્મરણ છે ત્યાં સુધી તે મારી સાથે એક કલાક માટે પણ ન હતી. પછી મેં બંને મહિલાઓને મારી સાથે ઊંઘવાની ના પાડી દીધી, મને લાગ્યું કે તમે અને કનુ નારાજ હતાં.” ત્યારબાદ તેઓ આગળ કહે છે કે તેમણે ત્રણ મહિલાઓને પ્રયોગોમાંથી દૂર કરી દીધી હતી. 

    અનેક મહિલાઓ મોહનદાસ ગાંધીના આ પ્રયોગનો ભાગ રહી, જેમાં અમુક સ્વચ્છાએ જોડાઈ હતી તો ઘણી બધી એવી પણ હતી, જે ગાંધીના આગ્રહ પર પ્રયોગમાં સામેલ થઈ હતી. તેમનું વ્યક્તિત્વ એ પ્રકારનું હતું, કે સરળતાથી ના પાડી શકાય એમ ન હતું ને આ વાત બીજા કોઈ નહીં પણ મોહનદાસ ગાંધીએ સ્વયં સ્વીકારી હતી. 

    કૃષ્ણચંદ્રને લખેલા એક પત્રમાં ગાંધી કહે છે કે, “હું માત્ર એટલું કહેવા માગું છું કે મેં આ સ્વાભાવિકપણે કર્યું છે. લગભગ તેમાંથી તમામે અનિચ્છાપૂર્વક પ્રયોગોનો ભાગ બનવાનું નક્કી કર્યું હતું. મેં આ લખ્યું પણ છે કે તેમણે મારા આગ્રહ પર આમ કર્યું હતું. પરંતુ જો હું કોઈ પણ સંજોગોમાં બ્રહ્મચારી બનવા માંગતો હોઉં અને મહિલાઓને પણ તેમ બનવા માટે આગ્રહ કરતો હોઉં તો આ એક જ રસ્તો છે. હવે આ બાબતને અહીં જ છોડી દઈએ અને જોઈએ શું થાય છે.”

    ગાંધીના આ પત્રો પરથી જણાય છે કે આ પ્રયોગોના કારણે તેમણે બહુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ છતાં તેઓ મક્કમ રહ્યા અને કહેતા રહ્યા કે બ્રહ્મચર્ય જાળવવા માટે આ જરૂરી છે. તેમણે કૃષ્ણચંદ્રને લખેલા એક પત્રમાં કહ્યું પણ હતું કે, “જો હું કાયમ માટે સાથે ઊંઘવાનું બંધ કરી દઉં તો એવો અર્થ થશે કે મારી ભૂલ થઈ હતી. બાકી મારે શું કામ બંધ કરવું જોઈએ? મિત્રો ખાતર તેનાથી દૂર રહવાની પણ મર્યાદા છે. આ બ્રહ્મચર્યના ભાગરૂપે સાથે ઊંઘવાનો નિર્ણય કર્યો હતો.”

    ગાંધી ત્યારે એવું જીવન જીવ્યા, જે આજના સમયમાં ક્યાંય સ્વીકાર્ય ન હોય શકે અને જો કોઈ આજે એવું કરવા જાય તો કાયદેસરની કાર્યવાહીનો સામનો કર્યા વગર રહે પણ નહીં. જોકે, હકીકત એ પણ છે કે સ્વીકાર્ય તો તે તે સમયે પણ ન હતું અને તેમના અંગત સહાયકોથી માંડીને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ તેની ટીકા કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત તેને ‘ભયાનક ભૂલ’ ગણાવી હતી અને બંધ કરી દેવા માટે કહ્યું હતું. પણ એ તો ‘બાપુ’ હતા, તેમણે પ્રયોગો કાયમ ચાલુ જ રાખ્યા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં