કર્ણાટકના (Karnataka) ઉડુપીમાં (Udupi) એક કાર્યક્રમમાં વક્તા તરીકે આવેલાં હિંદુ એક્ટિવિસ્ટ મીનાક્ષી સેહરાવત (Meenakshi Sehrawat) વિરુદ્ધ FIR નોંધવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કથિત રીતે મોહનદાસ ગાંધીનું (Mohandas Gandhi) અપમાન કરવાને લઈને કર્ણાટક પોલીસે (Karnataka Police) તેમની વિરુદ્ધ FIR નોંધી છે. આ ઉપરાંત અદમારુ મઠના વહીવટી પ્રબંધક ગોવિંદરાજુને પણ FIRમાં બીજા નંબરના આરોપી બનાવવામાં આવ્યા છે.
કર્ણાટક પોલીસે પૂર્ણપ્રજ્ઞા ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં વક્તા તરીકે આવેલાં મીનાક્ષી સેહરાવત અને કાર્યક્રમના આયોજક વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ ઘટનાને લઈને ઉડુપી સિટી પોલીસ સ્ટેશનના PSI બીઈ પુનિત કુમારને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. તેમણે ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, સેહરાવત ‘વિશ્વપણમ’ કાર્યક્રમમાં હિન્દીમાં ‘બાંગ્લા પાઠ’ વિષય પર ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે તેમણે અમુક ટિપ્પણીઓ કરી હતી, જે અપમાનજનક અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરે તેવી હતી.
‘ગાંધીએ હિંદુઓને કમજોર કરવા માટે અહિંસાના સિદ્ધાંતોની વકાલત કરી’
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ભાષણ દરમિયાન મીનાક્ષી સેહરાવતે કહ્યું હતું કે, “જો બાળકોને ઇતિહાસ વિશે યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે તો બાળકીઓ ‘આસિફો’ની જાળમાં ફસાઈને ‘આસિફા’ બની જશે.” તેમણે મોહનદાસ ગાંધી પર ભાષણ આપતા કહ્યું કે, “મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ ન કહેવા જોઈએ, કારણ કે, તેમણે પાકિસ્તાન બનાવવા માટે મોહમ્મદ અલી ઝીણાનું સમર્થન કર્યું હતું. 20% આબાદીના સમર્થનમાં ગાંધીએ શિવાજી મહારાજ પર આધારિત ‘શિવ-ભવાની’ કવિતા પર પ્રતિબંધ લગાવવાનું સમર્થન કર્યું હતું.”
FIR અનુસાર, તેમણે વધુમાં કહ્યું કે, “વંદે માતરમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને હિંદુઓને કમજોર કરવા માટે ગાંધીએ અહિંસા અને ‘અહિંસા પરમોધર્મ’ જવે સિદ્ધાંતોની વકાલત કરી હતી.” કર્ણાટક પોલીસ અનુસાર, વક્તા મીનાક્ષીએ એ રીતે ભાષણ આપ્યું હતું કે, જેના કારણે સમાજમાં અશાંતિ સર્જાય શકે છે અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જાય શકે છે. કર્ણાટક પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 353 (2) અને 3 (5) હેઠળ ગુનો નોંધ્યો છે.
‘ઐતિહાસિક પુસ્તકોમાં જે લખાયું છે, તે જ મેં જનતા સુધી પહોંચાડ્યું છે’ – મીનાક્ષી
આ ઘટનાને લઈને મીનાક્ષી સેહરાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પણ અપલોડ કર્યો છે. જેમાં તેમણે કર્ણાટક પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR વિશે માહિતી આપી હતી અને પોતાનો પક્ષ પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા વિરુદ્ધ કેસ એટલા માટે નોંધવામાં આવ્યો કારણ કે, મેં રાષ્ટ્રપિતા કહેવાતી એક વ્યક્તિ વિરુદ્ધ ટિપ્પણી કરી. ટિપ્પણી વખતે મારી ભાષા એકદમ નિયંત્રણમાં હતી. મેં કોઈ અશોભનીય શબ્દોનો પ્રયોગ નથી કર્યો. તેમ છતાં મારી વિરુદ્ધ FIR થઈ ગઈ છે.”
जलते घर को देखने वालों फूस का छप्पर आपका है
— Meenakshi Sehrawat (@_Meenakshiii) January 11, 2025
आपके पीछे तेज़ हवा है आगे मुकद्दर आपका है,
उस के क़त्ल पे मैं भी चुप था मेरा नम्बर अब आया
मेरे क़त्ल पे आप भी चुप है अगला नम्बर आपका है ! #SanatanDharma pic.twitter.com/CnzACDQzJz
તેમણે વધુમાં કહ્યું કે, “ઇતિહાસકારો દ્વારા પ્રમાણ અને તથ્યોના આધાર પર ઐતિહાસિક પુસ્તકોમાં જે લખવામાં આવ્યું છે, તે જ મેં મારા શબ્દોમાં જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેથી મારી વિરુદ્ધ કેસ નોંધાયો છે. ભારત જેવા દેશમાં એક સાંસદ ભગત સિંઘને આતંકવાદી કહીને પોકારે છે. આપણાં દેશમાં વીર સાવરકરને ગાળો આપવામાં આવે છે, ભગવાન શ્રીરામના વારંવાર પ્રમાણ માંગવામાં આવે છે. ત્યારે FIR નથી નોંધતી. માતા સીતા અને લક્ષ્મીદેવીના અભદ્ર ચિત્રો બનવવામાં આવે છે અને ચિત્રો બનાવનારને પદ્મશ્રી આપવામાં આવે છે.”
આ ઉપરાંત તેમણે મધર ટેરેસાના ધર્માંતરણના પ્રયોગો અને JNU યુનિવર્સિટીમાં લાગેલા ભારતવિરોધી નારાઓની યાદ પણ અપાવી હતી. તેમણે કહ્યું કે, “દેશના ટુકડાના નારા લગાવનારાઓ પર કોઈ કાર્યવાહી નથી થતી, કારણ કે, તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ મારી પાસે બોલવાની કે અભિવ્યક્ત કરવાની આઝાદી પણ નથી અને પ્રશ્ન કરવાનો અધિકાર પણ નથી. મારો અને ઘણા અન્ય લોકોનો પ્રશ્ન એ છે કે, કયા પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ (મોહનદાસ ગાંધી) દેશના રાષ્ટ્રપિતા છે?”
મીડિયા પર પણ ઉઠાવ્યા પ્રશ્ન
તેમણે કહ્યું કે, “મા ભારતીનો કોઈ પુત્ર તો હોય શકે છે, પરંતુ તેનો કોઈ પિતા નથી હોય શકતો. માત્ર એટલું કહેવા પર મારા પર FIR થઈ ગઈ છે.” આ ઉપરાંત તેમણે મીડિયાને પણ હાથોહાથ લીધું હતું. તેમણે કહ્યું કે, “મીડિયામાં રિપોર્ટ આવ્યા હતા કે, નોર્થના એક વક્તાએ આવું નિવેદન આપ્યું છે. આપણે ક્યારે સરહદો ખેંચી લીધી? હું નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ નથી. હું એક ભારતની પુત્રી છું. ભારતની પુત્રી સાથે આવું થયું છે, તો આખું ભારત મારી સાથે હોવું જોઈએ. આવા વિભાજન ન કરવા જોઈએ.”