Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણસંપાદકીય | ‘હું સાચો છું, મારી વાતનો વિશ્વાસ કરો’ એવું રાહુલ ગાંધીએ...

    સંપાદકીય | ‘હું સાચો છું, મારી વાતનો વિશ્વાસ કરો’ એવું રાહુલ ગાંધીએ વારંવાર કેમ કહેવું પડી રહ્યું છે?

    કોંગ્રેસને ખબર છે કે લોકો રાહુલ ગાંધીને આ બાબતમાં લેશમાત્ર સિરિયસલી લઈ રહ્યા નથી અને તેમની પ્રેસ કૉન્ફરન્સોને મોટેભાગે મનોરંજનમાં જ ખપાવે છે. રાહુલની વાતો પર હોબાળો કરનારો વર્ગ નાનો છે અને એ ગમે તે રીતે કોંગ્રેસ ઇકોસિસ્ટમનો જ ભાગ છે. સામાન્ય માણસને હજુ રાહુલની ઉટપટાંગ વાતો મગજમાં ઉતરી રહી નથી.

    - Advertisement -

    કોઈ વ્યક્તિ કોઈ વાત કહેતું હોય અને તેને આશંકા હોય કે સામેની વ્યક્તિ મારી વાતને ગંભીરતાથી લેશે કે કેમ ત્યારે તે બે વખત વધારે ભાર દઈને ચોખવટ કરે છે કે હું જે કંઈ કહું છું એ સાચું જ કહું છું અને તેના મારી પાસે પુરાવા છે. તમારી પાસે પુરાવા હોય અને તેમાં ખરેખર વજન હોય તો તમારે વારંવાર આવું કહ્યા કરવાની જરૂર રહેતી નથી. રાહુલ ગાંધીના કિસ્સામાં આવું થયું છે. તેઓ જ્યારે-જ્યારે તથાકથિત વૉટ ચોરીવાળું કશુંક નવું તૂત લાવે ત્યારે સૌથી પહેલાં એ ચોખવટ કરે છે કે પોતે જે કંઈ કહેશે એ સાચું જ કહેશે અને તેના પોતાની પાસે પુરાવા છે.

    બુધવારે (5 નવેમ્બર) રાહુલ ગાંધીને પાર્ટીએ ફરી એક પ્રેઝન્ટેશન ગોખાવી માર્યું, એ તેમણે પછી દિલ્હીના ઇન્દિરા ભવન (કોંગ્રેસનું નવનિર્મિત મુખ્યમથક) ખાતે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રિપીટ કરી દીધું. આ પ્રેસ કૉન્ફરન્સ શરૂ કરતી વખતે પણ તેમણે કહ્યું કે પોતે જે કંઈ કહી રહ્યા છે તે 100% સત્ય જ છે. આવું અગાઉની પ્રેસ કૉન્ફરન્સમાં પણ તેમણે કર્યું હતું.

    અર્થ એનો એ થાય કે કોંગ્રેસને ખબર છે કે લોકો રાહુલ ગાંધીને આ બાબતમાં લેશમાત્ર સિરિયસલી લઈ રહ્યા નથી અને તેમની પ્રેસ કૉન્ફરન્સોને મોટેભાગે મનોરંજનમાં જ ખપાવે છે. રાહુલની વાતો પર હોબાળો કરનારો વર્ગ નાનો છે અને એ ગમે તે રીતે કોંગ્રેસ ઇકોસિસ્ટમનો જ ભાગ છે. સામાન્ય માણસને હજુ રાહુલની ઉટપટાંગ વાતો મગજમાં ઉતરી રહી નથી. જોકે આ બાબતમાં કોંગ્રેસને સાચું જ લાગી રહ્યું છે.

    - Advertisement -

    વૉટ ચોરીવાળું પહેલી વખત આવ્યું પછી તરત રાહુલ ગાંધીએ બિહારમાં રેલીઓ કરી હતી. જીપ લઈને ફર્યા, સાથે RJD નેતા તેજસ્વી યાદવને પણ રાખ્યા અને ચૂંટણી પંચ વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ ખૂબ પ્રોપગેન્ડા ફેલાવ્યો. આજે બિહારમાં ચૂંટણી શરૂ થવાને થોડા કલાક બાકી રહ્યા છે અને વૉટ ચોરી કોઈ મુદ્દો જ નથી! RJD પણ જાણી ગઈ કે આમાં ‘નાદાન કી દોસ્તી ઔર ખતરે મેં જાન’વાળો કેસ છે એટલે અંતર બનાવી લીધું. રાફેલ અને ‘ચોકીદાર ચોર હૈ’ની જેમ વધુ એક નાટક ફ્લૉપ ગયું.

    રાહુલ ગાંધીએ આજની પ્રેસ કૉન્ફરન્સમાં જે કંઈ પણ કહ્યું છે એ પહેલી વખત કહ્યું નથી. તેમણે તથાકથિત ‘વૉટચોરી’ પર અગાઉ જે પત્રકારો પરિષદો યોજીને વાતો કહી હતી, એ જ બધી વાતો, એવાં જ ઉદાહરણો સાથે રિપીટ કરી છે. તેઓ આવું કશુંક કહે ત્યારે તથ્યો આપવાના સ્થાને વૉટર લિસ્ટમાં અમુક દેખીતી ખામીઓ દર્શાવીને મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના દાવા કરતા રહે છે.

    રાહુલ ગાંધીએ આ પ્રેસ કૉન્ફરન્સમાં પણ વૉટર લિસ્ટમાં અમુક ખામીઓ જણાવી અને કહ્યું કે વૉટની ચોરી થઈ છે. ખાસ કરીને તેમના ટાર્ગેટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણી હતી. હરિયાણામાં ચૂંટણી પંચ અને ભાજપે મળીને ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ ગોટાળા કર્યા હોવાનું સાબિત કરવા માટે રાહુલ ગાંધીએ બાલિશ તર્કો કર્યા. તેમનું કહેવું હતું કે એક્ઝિટ પોલ્સનાં અનુમાનો કોંગ્રેસની જીત બતાવતાં હતાં તો ભાજપની જીત કેવી રીતે થઈ ગઈ?

    ભૂતકાળમાં પણ એક્ઝિટ પોલ્સ અનેક કિસ્સાઓમાં ખોટા પડ્યા હોવાનું જગજાહેર છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતી આપતા એક્ઝિટ પોલ ખોટા પડ્યા ને કોંગ્રેસ અને INDI ગઠબંધનની ઠીકઠાક બેઠકો આવી ત્યારે રાહુલ ગાંધીએ આવું કશું કહ્યું હતું? ના. કારણ કે એ તેમના એજન્ડામાં ફિટ બેસતું નથી.

    બીજું, તેઓ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીની એક ક્લિપ લઈ આવ્યા છે, જે વાસ્તવમાં અધૂરી છે. ક્લિપમાં સૈનીને પરિણામના બે દિવસ પહેલાં નાની પાર્ટીઓ સાથે ભાજપ ગઠબંધન કરશે કે કેમ તે મામલે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આમ તો ભાજપ એકલે હાથે જીતશે તેવો તેમને વિશ્વાસ છે પણ તેમ છતાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો પાર્ટી પાસે તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે. આ ‘વ્યવસ્થાઓ’ શબ્દ ગઠબંધનના સંદર્ભમાં હતો, જેને રાહુલ ગાંધી ‘વૉટ ચોરી’ સાથે જોડીને નકામા ઇસ્યુ ઊભા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમનો પ્રશ્ન એવો પણ છે કે નાયબ સિંઘ આ બધું હસતાં-હસતાં કેમ કહેતા હતા? આનો જવાબ હવે શું આપવો?

    રાહુલ ગાંધીએ વૉટર લિસ્ટમાં ખામીઓ જણાવી છે, પણ તેનો અર્થ એ નથી કે આવી દરેક ખામી બોગસ વૉટિંગમાં પરિણમી હોય. ઉદાહરણ લઈએ તો બ્રાઝિલની એક મોડલના ફોટા પર વીસ કરતાં વધુ વૉટ હોવાની ખામી હોય તો તેનો અર્થ એ નથી કે એ તમામ ફર્જી મતદારોએ મત નાખ્યો જ હશે. એ જ રીતે કોઈ એક વ્યક્તિના બે ડુપ્લિકેટ મત હોય તો તેણે બંને ઠેકાણે મતદાન કર્યું હોવાનું કોંગ્રેસ કે રાહુલ ગાંધી સાબિત કરી શક્યા નથી. કરી શકે પણ નહીં. એ શક્ય નથી.

    બીજું, દરેક બૂથ પર રાજકીય પાર્ટીના ઉમેદવારોના એજન્ટો હોય છે અને જો બૉગસ વૉટિંગ થઈ રહ્યું હોય તો તેમને ફરિયાદ દાખલ કરવાનો, વાંધો ઉઠાવવાનો પૂરેપૂરો અધિકાર હોય છે. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી તરફથી આવી કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. હવે પરિણામોના વર્ષ બાદ વૉટર લિસ્ટમાં અમુક ખામીઓ બતાવીને કહેવામાં આવી રહ્યું છે કે આખી ચૂંટણી પ્રક્રિયા જ ‘કોમ્પ્રોમાઇઝ્ડ’ હતી!

    રાહુલ ગાંધી ખરેખર આવી પ્રેસ કૉન્ફરન્સ થકી અજાણતાંમાં એવું સાબિત કરી રહ્યા છે કે આ દેશમાં તાતી જરૂરિયાત જો કોઈ ચીજની હોય તો એ SIRની (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) છે. SIR થકી મતદાર યાદીમાં જે આવી ખામીઓ રહી ગઈ હોય કે ડુપ્લીકેટ વૉટરો હોય તેમને ઓળખીને દૂર કરી શકાશે. પણ જ્યારે ચૂંટણી પંચ SIR હાથ ધરવાની વાત કરે તો કોંગ્રેસ અને અન્ય વિપક્ષો કોર્ટ પહોંચી જાય છે અને પ્રક્રિયા વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દે છે. એટલે આજની પ્રેસ કૉન્ફરન્સમાં ખરેખર તો રાહુલ ગાંધીએ એ સાબિત કરી દીધું છે કે આ દેશમાં SIR કેમ જરૂરી છે. કાલે ઉઠીને કોઈ કોંગ્રેસી SIR મુદ્દે રડારોળ કરે ત્યારે આ પ્રેસ કૉન્ફરન્સ જ બતાવવાની રહે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં