Monday, March 30, 2026
More
    હોમપેજરાજકારણરાફેલથી લઈને 'ચોકીદાર' અને હવે 'વોટચોરી': દરેક તબક્કે સદંતર નિષ્ફળ ગયા રાહુલ...

    રાફેલથી લઈને ‘ચોકીદાર’ અને હવે ‘વોટચોરી’: દરેક તબક્કે સદંતર નિષ્ફળ ગયા રાહુલ ગાંધી, હજુ કેટલી વખત લૉન્ચ કરશે કોંગ્રેસ?

    ભારતનો રાજકીય ઇતિહાસ આવા અસંખ્ય લૉન્ચ જોઈ ચૂક્યો છે. પરંતુ, આવો નેતા ભાગ્યે જ જોયો હશે કે જે દર 6 મહિને ફરી લૉન્ચ થાય છે અને દરેક વખતે પહેલાંથી વધુ અસફળ થઈને બહાર આવે છે.

    - Advertisement -

    ભારતમાં ઘણી વસ્તુઓ એક ચક્રમાં ચાલે છે. ઋતુઓ, તહેવારો, દિવસો, મહિનાઓ અને રાહુલ ગાંધી. ઋતુઓ અને તહેવારો સમય પ્રમાણે આવે છે અને જતાં રહે છે. આવું જ રાહુલ ગાંધીનાં રાજકીય લૉન્ચિંગમાં થઈ રહ્યું છે. દરેક વખતે તેઓ એક નવા નેરેટિવ સાથે આવે છે, નવો નારો આપે છે, નવી રણનીતિની વાતો કરે છે અને દર વખતે તેનો અંત પણ સમાન થાય છે. બિહાર ચૂંટણીમાં પણ તેમની સાથે આવું જ થયું છે. કોંગ્રેસ દર વખતે હોંશેહોંશે તેમને લૉન્ચ કરે છે અને આખરે સુરસૂરિયા ફટાકડાની જેમ રાહુલ ગાંધી માત્ર ધુમાડાની ડમરી ઉડાવીને પરત ફરે છે. 

    બિહાર ચૂંટણીમાં રાહુલ ગાંધીના હાથમાં ‘વોટ ચોરી’નો લોલીપોપ આવી ગયો હતો. ચૂંટણી પહેલાં તેમણે ભારે ઉત્સાહ સાથે ‘વોટ ચોરી’, ‘વોટ ચોરી’ની બૂમો પાડી હતી, સભાઓ ગજવી હતી અને રેલીઓ પણ કરી હતી. પ્રેસ કૉન્ફરન્સ કરીને પરિપક્વ રાજનેતાની જેમ મોટા-મોટા દાવા ઠોકી દીધા હતા, પરંતુ ફરિયાદનું કહેવામાં આવ્યું તો હાથ અધ્ધર કરીને કહેવા લાગ્યા કે, ‘એ કામ મારુ નથી.’ 

    આખરે ‘વોટ ચોરી’નો તેમનો લોલીપોપ પણ ઓગળી ગયો અને લોકોએ SIRમાં પણ ભાગ લીધો. મતદાન પણ શાંતિપૂર્ણ થયું. બધુ પારદર્શી થયું, ન કોઈ હિંસા થઈ અને ન રિપોલિંગ થયું. કોઈ બૂથ પર વિવાદ થયો હોવાના સમાચાર સુદ્ધાં નથી આવ્યા. ચૂંટણી પૂર્ણ થયા બાદ જે પરિણામ આવ્યાં એ પણ લોકોએ સ્વીકારી લીધા પણ કોંગ્રેસ યુવરાજ અને તેમની પાર્ટી તે સ્વીકારી શકતાં નથી. જોકે, આવા સસ્તા રાજકીય નેરેટિવનો એક નિયમ હોય છે- ‘જો જીત્યા તો જનતાએ સ્વીકારી લીધા અને હાર્યા તો કાવતરું થયું અને વોટ ચોરી થઈ.’ 

    - Advertisement -

    રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણીમાં પણ પોતાની અસફળ સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરી દીધી. વાસ્તવમાં ખામી ચૂંટણી પ્રક્રિયા કે ચૂંટણી પંચમાં નથી. ખામી રાહુલ-કોંગ્રેસમાં છે, ફરી એક વખત બિહાર ચૂંટણીમાં એ સાબિત થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધીના સલાહકારો પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે તેમને અવળા પાટે ચડાવે છે અને ‘રાજકીય પરિપક્વ’ હોવાના કારણે રાહુલ ગાંધી ચડી પણ જાય છે. 

    રાહુલ ગાંધીના સલાહકારોનો એકમાત્ર ધ્યેય એ જ છે કે પોતપોતાની કારકિર્દી બચાવવા માટે સમયે-સમયે રાહુલ ગાંધીને આડા-અવળા પાટા પર ચડાવતા રહો. રાહુલ ગાંધી પણ પાટા પર ગુમાનથી દોડવા લાગે છે અને પરિણામ જ્યારે વિપરીત આવે ત્યારે સાંકડા થઈને બંધારણીય સંસ્થાઓ પર હુમલા શરૂ કરી દે છે. 

    રાફેલ, ‘ચોકીદાર ચોર હૈ’ના મુદ્દામાં પણ નિષ્ફળ રહ્યા રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીની નિષ્ફળ રણનીતિ રાફેલ મુદ્દે પણ એટલી જ અસરકારક અને કારગર રહી હતી. 2016માં ભારત અને અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ થયા બાદ રાહુલ ગાંધીએ આખું ગામ માથે લીધું અને કૌભાંડ થયો હોવાનો ઢોલ પિટવાનો શરૂ કર્યો. આરોપ લગાવ્યા કે અનિલ અંબાણીની કંપનીને લાભ પહોંચાડવામાં આવ્યો, પણ પુરાવાના નામે માત્ર બણગાં ફૂંકવા સિવાય કશું હતું નહીં. આ જ મુદ્દાને જોરે 2019ની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં ક્યારેય થયા જ નહોતા એવા કૌભાંડ પર અરજીઓ દાખલ કરવામાં આવી અને બાદમાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીનચિટ પણ આપી દીધી. 

    તેમ છતાં ચૂંટણીના મદમાં મદહોશ થયેલા કોંગ્રેસ કુંવર રાહુલે મરણિયા પ્રયાસો ચાલુ રાખ્યા અને ઉત્સાહમાં આવીને એક રેલીમાં એવું બાફી માર્યુ કે, “હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે.” જોકે, કોર્ટે ક્યારેય આવું કહ્યું જ નહોતું. આ જ ભ્રામક દાવા બદલ તેમના વિરુદ્ધ અવમાનનાનો કેસ ચાલ્યો અને આખરે સુપ્રીમ કોર્ટમાં જઈને તેમણે માફી માંગવી પડી

    જોકે, રાહુલ ગાંધીને ભાજપના ઘણા નેતાઓ તેમના સ્ટાર પ્રચારક પણ કહે છે. તેનું કારણ પણ એ જ છે કે રાહુલ ગાંધી કર્મ કરવા જાય છે અને કાંડ થઈ જાય છે. ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપીને ‘બાહુબલી’ જેવી અનુભૂતિ કરતા રાહુલ ગાંધીના માથે આખરે આ જ નારો ‘મૈં ભી ચોકીદાર હું’ થઈને અથડાયો. ‘ચોકીદાર ચોર હૈ’નો મુદ્દો રાહુલ ગાંધીએ આપ્યો અને મોદીએ તેનો જ ઉપયોગ કરીને આખો માહોલ ફેરવી કાઢ્યો અને પરિણામ પણ આખરે એવું જ આવ્યું. લોકોએ સ્વયંભૂ આગળ આવીને રાહુલ ગાંધીના કાનમાં જઈને બૂમો પાડી કે ‘મૈં ભી ચોકીદાર હું.’

    અંબાણી-અદાણીમાં પણ ન ફાવી શક્યા રાહુલ ગાંધી

    રાહુલ ગાંધી લગભગ ઘણા વર્ષોથી પોતાના દરેક ભાષણમાં અંબાણી અને અદાણીને નિષ્ઠાથી યાદ કરતા રહે છે. કાયમ પાયાવિહોણા દાવા કરતા રહે છે કે મોદી સરકારે આખો દેશ આ બે માણસોને વેચી દીધો છે અને ‘મોદી તેમનો હાથ પકડીને ચાલે છે’. પરંતુ રાહુલ ગાંધી આજની તારીખ સુધી આ એકેય આરોપ સાબિત નથી કરી શક્યા. ન તો તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે અને ન તો પોતે કોઈ પુરાવા આપે છે. તેમ છતાં લોકોને ભડકાવવાના વ્યર્થ પ્રયાસો તેઓ આગવી શૈલીથી કરતા રહે છે, પરંતુ હવે જનતા તો છોડો પોતાની પાર્ટી પણ તેમને ગંભીરતાથી લેવાનું ટાળી રહી છે. 

    એક હકીકત એ પણ છે કે જે અંબાણી-અદાણી પર રાહુલ ગાંધી આરોપ લગાવે છે, તે જ લોકો સાથે કોંગ્રેસની ઘણી રાજ્ય સરકારો કામ કરી રહી છે. પરંતુ રાહુલ ગાંધી આજ સુધી તેનું કારણ શું છે એ સમજાવી શક્યા નથી. લોકોના ગળે આ વાત પણ ઉતરી રહી નથી. જોકે, રાહુલ ગાંધી તેમ છતાં કાયમ આ બે માણસોને યાદ કરતા રહે છે અને પોતાના રાજકીય રોટલા શેકતા રહે છે. 

    કેટલી વાર રાહુલ ગાંધીને લૉન્ચ કરશે કોંગ્રેસ?

    દરેક ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલાં રાહુલ ગાંધી નવા અવતારમાં આવે છે. નવો જુસ્સો, નવી રણનીતિ, નવા નિવેદનો અને નવો નેરેટિવ. દરેક વખતે તેમના સમર્થકોને લાગે છે કે ‘હવે’ રાહુલ ગાંધીની કારકિર્દી ખરા અર્થમાં શરૂ થશે. પરંતુ, મંચ શણગારાય છે, નેરેટિવ સેટ થાય છે, થોડાઘણા ઇન્ટરવ્યુ થાય છે, 2-3 ભાષણો આવે છે અને પછી રાજકીય અંત પહેલાં જેવો જ આવે છે. 

    ભારતનો રાજકીય ઇતિહાસ આવા અસંખ્ય લૉન્ચ જોઈ ચૂક્યો છે. પરંતુ, આવો નેતા ભાગ્યે જ જોયો હશે કે જે દર 6 મહિને ફરી લૉન્ચ થાય છે અને દરેક વખતે પહેલાંથી વધુ અસફળ થઈને બહાર આવે છે. રાહુલ ગાંધીએ હમણાં સુધીમાં ઉઠાવેલા તમામ મુદ્દાઓ નિષ્ફળ ગયા છે, માત્ર એક વસ્તુ સફળ થઈ શકી છે અને તે છે તેમનું વારંવાર થતું લૉન્ચિંગ. 

    કોંગ્રેસ પણ હવે એ સમજતી થઈ હોવી જોઈએ કે સમસ્યા ચૂંટણી પ્રક્રિયા, સંસ્થાઓ કે અન્ય બાબતોમાં નથી, સમસ્યા રાહુલ ગાંધીમાં છે. સમસ્યામાં જનતામાં નહીં, સમસ્યા નેરેટિવમાં છે. સમસ્યા વિપક્ષમાં નહીં, પણ તે સલાહકારોમાં છે જે રાહુલ ગાંધીને કાયમ અવળા પાટા પર ચડાવી દે છે. દરેક ચૂંટણી વખતે જનતા હવે એક જ સવાલ પૂછી રહી છે કે, ‘આખરે કેટલી વખત કોંગ્રેસ રાહુલ ગાંધીને લૉન્ચ કરતી રહેશે?’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં