‘ગુજરાત સમાચાર’ની રવિ અને બુધવારની પૂર્તિઓમાં છેલ્લા પાને કૉલમ લખતા જય વસાવડાએ 19 નવેમ્બરની કૉલમમાં મુસ્લિમ આતંકવાદ વિશે લખ્યું છે. શરૂઆત જુદા વિષય સાથે કરવાની, ઘણે લાંબેથી પ્રસ્તાવના બાંધવાની, વચ્ચે બીજા રવાડે ચડી જવાની, લખાણમાં ખીચડી કરી નાખવાની અને જે મગજમાં આવે એ બધું જ ઠાલવી દઈને નિષ્કર્ષ કંઈ જુદો કાઢવાની જયની ટેવ કે કુટેવને અવગણીને લેખ જોઈએ તો એનો મૂળ વિષય એ છે કે આ દુનિયામાં મુસ્લિમ આતંકવાદ જેવું કશું છે અને તેની વિરુદ્ધ મુસ્લિમોમાંથી જ જોઈએ તેવો અવાજ ઉઠતો નથી એટલે સમસ્યા ફૂલીફાલી છે અને તેના કારણે ઇસ્લામને, મોર્ડન મુસ્લિમોને જ વધુ પડતું નુકસાન છે.
‘મુસલમાન આતંકવાદીઓ ફાયદો બીજા બધા ધર્મોને કરાવે છે, અને નુકસાન ઇસ્લામનું કરે છે!’– આ લેખનું શીર્ષક છે. ‘ધર્મો’ એ શબ્દપ્રયોગ આમ જોવા જઈએ તો યોગ્ય ન કહેવાય. ધર્મ એક જ છે, બાકી બધા પંથ કહેવાય, મજહબ કહેવાય. રિલિજિયન કહેવાય. ખેર, એ વિષય હમણાં નથી.

લેખમાં જયે શરૂઆતમાં એક-બે કિસ્સાઓ ટાંકીને મુસ્લિમ આતંકવાદ વિશે ઠીકઠાક લખ્યું છે. એક રીતે જોવા જઈએ તો લેખનો વિષય પસંદ કરવામાં પણ સારી હિંમત દર્શાવી, કારણ કે હવે ગુજરાતી લખનારાઓએ આ બધા વિષયો સ્પર્શવાના સદંતર માંડી વાળ્યા છે. ડર હોય કે તટસ્થતા હાવી થઈ જતી હોય, જે કારણ હોય એ, પણ જય વસાવડાએ અહીં લખવા જેટલું સાહસ દર્શાવ્યું ને શબ્દપસંદગીમાં પણ બહુ બદમાશી કરી નથી.
પરંતુ જે સેક્યુલર લેખકોની આદત છે, મુસ્લિમોની સમસ્યા વિશે લખતી વખતે કે ઇસ્લામિક આતંકવાદ વિશે લખતી વખતે હિંદુઓને પણ કારણ વગર વચ્ચે ઘસડી લાવવાની, ઝૂડવાની તેમાંથી જય વસાવડા પણ બાકાત રહ્યા નથી અને આ લેખમાં પણ વત્તે-ઓછે આવું જોવા મળે છે, જે એક તબક્કે બદમાશીની કક્ષા સુધી પહોંચી જાય છે.
જય લખે છે કે, ‘એવું નથી કે એમાં (અગાઉના ફકરામાં હિંદુઓ અને ખ્રિસ્તીઓનો ઉલ્લેખ છે) કટ્ટરતા કે આતંકવાદી પ્રવૃત્તિ નથી. ચર્ચે એમના ધર્મ વિરુદ્ધ જનારને જીવતા સળગાવ્યા છે અને કબર ખોદીને લાશો બેહાલ કરી છે. એલટીટીઈ કે ઉલ્ફા કે ખાલિસ્તાની મૂવમેન્ટ કે ફૌજીઓને પણ ખતમ કરતા નક્સલવાદ જેવા સંગઠનો મુસ્લિમ નથી છતાં હિંસક ત્રાસવાદ કરી ચૂક્યા છે.’

અહીં આવીને જય વસાવડાએ પણ એ જ ભૂલ કરી અને મુસ્લિમ આતંકવાદ અને અન્ય વિચારધારા હેઠળ થતી હિંસાને એક ત્રાજવે લાવીને મૂકી દીધાં. હિંદુઓ કે ખ્રિસ્તીઓમાં આતંકવાદી પ્રવૃત્તિ નથી એવું નથી એમ કહીને જે ઉદાહરણો આપ્યાં છે તેમાં પણ સમસ્યા છે.
નક્સલવાદ એ પોલિટિકલ વિચારધારા હેઠળ ચાલતો ત્રાસવાદ હતો, જે હવે ખતમ થવાના આરે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ટોપ નક્સલી કમાન્ડર હિડમાને માર્યા ગયાને થોડા જ કલાકો થયા છે. માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ ભૂતકાળ બની જશે. ખાલિસ્તાની ચળવળ પણ એંશીના દાયકામાં જે ચરમ પર હતી તેની સરખામણીએ હાલ કશું જ ન કહી શકાય. ઉલ્ફા અને એલટીટીઈ પણ ભૂતકાળ બની ગયાં છે.
આ દરેકની પાછળ કારણો જુદાં-જુદાં હતાં. કોઈ કિસ્સામાં ભૌગોલિક હતું. કોઈ કિસ્સામાં રાજકીય. કોઈના કિસ્સામાં બીજું કંઈ. આ સંગઠનો, ચળવળો એક સમયે ઊભાં થયાં, ચરમ પર પહોંચ્યાં અને સમય સાથે તેનો ઉકેલ પણ શોધી કઢાયો. આ બધામાંથી કોઈને હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ ન હતો. કોઈ ગીતા વાંચીને કે ઉપનિષદ વાંચીને કોઈનાં માથાં વાઢવા નહતું નીકળી પડ્યું. એટલે તેને ઇસ્લામિક આતંકવાદ સાથે ન સરખાવાય, જેના મૂળમાં મજહબી કારણ છે. જેહાદ છે.
બંનેની સરખામણી કોઈ કાળે શક્ય નથી. છતાં જય આગળ લખે છે કે, ‘એટલે આતંકવાદી માત્ર મુસ્લિમ હોય એવા સ્ટેટમેન્ટ વોટ્સએપ વિષ (વિશ્વ?) વિદ્યાલયોના અભણો કરે.’ મૂળ હકીકત એ છે કે મજહબ આધારિત આતંકવાદ માત્ર ઇસ્લામમાં જ જોવા મળે છે. એટલે ઉપરના સ્ટેટમેન્ટને એ સંદર્ભે જોવાનું હોય. આવી જયે આપી એવી સબ્જેક્ટિવ દલીલો આપવા બેસીએ તો ઘણી અપાય.
દિલ્હી કાર બ્લાસ્ટ કેસ અને ફરીદાબાદ મોડ્યુલ કેસમાં જેહાદી ડૉક્ટરો પકડાયા એ ઘટનાને ટાંકીને જય લેખમાં લખે છે કે, ‘બધા મુફલિસ કે અભણ છે માટી આતંકવાદી છે, એવું પણ નથી. કટ્ટરવાદી વિચારના ડૉક્ટરો હિંદુ કે ખ્રિસ્તી પણ નજરે જોયા છે.’

અહીં ફરી એ જ વાત આવી. કારણ વગર હિંદુઓ, ખ્રિસ્તીઓને ઘસડવામાં આવ્યા. માની લઈએ કે કોઈ હિંદુ ગમે તેટલો કટ્ટર છે તેના ધર્મ પ્રત્યે, પણ શું આજ સુધી કોઈ એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો, જેમાં કોઈ હિંદુએ તેના ધર્મના ફેલાવા માટે, ધાર્મિક ઉપદેશોથી પ્રેરિત થઈને કારમાં વિસ્ફોટકો ભરીને જાહેરમાં જઈને ફાટી ગયો હોય? બંદૂક લઈને રેલવે સ્ટેશન પર જઈને આડેધડ ગોળીબાર કર્યો હોય? તો આ સરખામણી ક્યાંથી આવી?
ફરીદાબાદ મોડ્યુલમાં જે મુસ્લિમ ડૉક્ટરો પકડાયા છે કે દિલ્હીના કાર બ્લાસ્ટને જે ઉમર નબીએ અંજામ આપ્યો, એ માત્ર કટ્ટર ન હતો. તે જેહાદી બની ચૂક્યો હતો. તેના મનમાં ઝેર ભરેલું હતું. તે સિરિયસ હતો. તે શું કરી રહ્યો છે એની એને ખબર હતી અને પછી ઘટનાને અંજામ આપ્યો હતો.
આગળ કાશ્મીરમાં એક હિંદુ ડૉક્ટરની પૂછપરછ કરવામાં આવી એ કિસ્સો ટાંકવામાં આવ્યો છે અને એ રીતે ટાંકવામાં આવ્યો છે, જેનાથી આગળની બધી વાતો વાંચી ચૂકેલા વાચક ગેરમાર્ગે દોરાઈ શકે. કારણ કે પૂરતા સંદર્ભ પણ આપવામાં આવ્યા નથી. આમ જય વસાવડાને જગ્યા અને વાચકની ક્ષમતાનો વિચાર કર્યા વગર બોલપેન પૂરી થઈ જાય ત્યાં સુધી મગજમાં જે આવ્યું એ લખ્યા કરવાની કુટેવ છે, પણ આમાં કોણ જાણે કેમ વધારે વિગતો આપવાનું તેમને યોગ્ય ન લાગ્યું હોય. આપણે આપી દઈએ.

વાસ્તવમાં જે પ્રિયંકા શર્મા નામની ડૉક્ટરની પૂછપરછની વાત છે, એ અગાઉ એ આદિલ અહમદ રાથર નામના મુસ્લિમ ડૉક્ટરની ક્લાસમેટ હતી. તે તેને જાણતી હતી. એટલે આતંકવાદી વિશે જાણકારી મેળવવા માટે પોલીસે પ્રિયંકાની પૂછપરછ કરી હતી. પછીથી તેને જવા દેવામાં આવી. તેને બ્લાસ્ટની ઘટના સાથે કોઈ કરતાં કોઈ કનેક્શન હોવાનું સામે આવ્યું નથી. ઈન્ટરનેટ પર અમુક લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટો પ્રિયંકા અને દેવેન્દ્રનાં નામ પર પ્રોપગેન્ડા ચલાવતા હોય અને તેની પૂછપરછને ધરપકડમાં ખપાવવા મથતા હોય ત્યારે આવી અધૂરી માહિતી આપતાં વાક્યો લખીને નીકળી ન જવાય.
આવું અન્ય લેખકો સાથે પણ થાય છે. હિંદુઓની સમસ્યાઓ વિશે લખવા માટે, હિંદુઓને મારીમચેડીને કટ્ટર દેખાડવા માટે લખતી વખતે સેક્યુલર લેખકોને ઇસ્લામિક આતંકવાદ વિશે કે અન્ય પંથો વિશે લખવાની જરૂર જણાતી નથી. પણ જેવું ઇસ્લામિક આતંકવાદ વિશે લખવું પડે એટલે કારણ વગર મંકી બેલેન્સિંગ કરવાનું ચાલુ કરી દેવામાં આવે છે. મારીમચેડીને તેમાં હિંદુઓને પણ ઘૂસાડવામાં આવે છે. આ બધાના કારણે જ ‘તટસ્થતા’ શબ્દ હવે ધીમેધીમે ગાળ બનતો જાય છે.


