Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશજે ‘પ્રિયંકા’ અને ‘દેવેન્દ્ર’ને દિલ્હી બ્લાસ્ટ સાથે કોઈ સીધું કનેક્શન નહીં, તેમનાં...

    જે ‘પ્રિયંકા’ અને ‘દેવેન્દ્ર’ને દિલ્હી બ્લાસ્ટ સાથે કોઈ સીધું કનેક્શન નહીં, તેમનાં નામો પર ઇસ્લામિસ્ટ-લેફ્ટિસ્ટોએ મચાવ્યો હોબાળો, આતંકીઓનાં નામ લખવામાં પડે છે તકલીફ!

    દિલ્હી કાર બ્લાસ્ટમાં પોલીસે એક હિંદુ મહિલાની પણ ધરપકડ કરી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે પણ કોઈ પણ રીતે સંડોવાયેલી હતી અને તેનાથી સાબિત થાય છે કે આમાં મુસ્લિમ આતંકવાદીઓ જ સામેલ હોય તેવું કશું જ નથી– આ બધું ચલાવવામાં આવ્યું. પણ હકીકત જુદી છે.

    - Advertisement -

    આપણે ત્યાં કોઈ આતંકવાદી હુમલાની કે જેહાદી હિંસાની ઘટના બને છે ત્યારે આ ઘટનાના જવાબદાર જેહાદીઓને ડિફેન્ડ કરવા, તેમનાં કૃત્યોને વ્હાઈટવૉશ કરવા માટે ઇન્ટરનેટ પર બેઠેલી ઇસ્લામિસ્ટો, લેફ્ટિસ્ટોની જમાત વ્હાઇટવૉશ કરવા સિવાય બીજું એક કામ કરે છે: એ શોધવાનું કે આ ઘટનામાં ક્યાંકથી કોઈ રીતે મુસ્લિમ વિક્ટિમ શોધી શકાય કે કેમ. અથવા પછી કોઈ હિંદુ વાંકમાં આવે છે કે કેમ. બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ પછીથી આવાં નામો શોધીને હોબાળો મચાવવાનું શરૂ કરી દે છે. જે જેહાદી હુમલામાં સંડોવાયેલો હોય કે ખરેખરો જવાબદાર હોય તે અને તેનાં કૃત્યો બાજુ પર રહી જાય છે.

    અઠવાડિયા પહેલાં પાટનગર દિલ્હીના મધ્યમાં આવેલા લાલ કિલ્લાની બરાબર સામે એક કારમાં બ્લાસ્ટ થયો. ઘટના બની અને દેશભરમાં સમાચાર ફેલાયા ત્યારે તો એ પણ નક્કી ન હતું કે આ કોઈ બૉમ્બ બ્લાસ્ટ છે, અકસ્માત છે કે પછી બીજું કશુંક. ધીમેધીમે વિગતો આવતી ગઈ તેમ જાણવા મળ્યું કે આ અકસ્માત હોવાની સંભાવનાઓ ઓછી અને જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય વધારે લાગે છે. પછી ખબર પડી કે બૉમ્બ બ્લાસ્ટ થયો છે.

    થોડી વધુ તપાસ પછી જાણવા મળ્યું કે જે કારમાં બ્લાસ્ટ થયો હતો એ કાર ફરીદાબાદની હતી. ત્યારબાદ આ કારની વિગતો સામે આવતી ગઈ અને તે જેની-જેની માલિકીની હતી તેમનાં નામો સામે આવતાં ગયાં. તેમાં પહેલાં સલમાન નામના એક શખ્સનું નામ આવ્યું, જેણે સૌથી પહેલી કાર ખરીદી હતી. પછી જાણવા મળ્યું કે તેણે અન્ય કોઈને વેચી હતી. ત્યારબાદ નદીમથી માંડીને આમિર સુધીનાનાં નામો આવ્યાં. અંતે પુલવામાના એ ઉમરનું નામ ખૂલ્યું, જેણે કારમાં બ્લાસ્ટ કર્યો હતો.

    - Advertisement -

    વામપંથી હોંશિયારોએ આ નામોમાંથી એક નામ ઉપાડી લીધું, જે એકમાત્ર હિંદુ નામ હતું. દેવેન્દ્ર. દેવેન્દ્ર નામના માણસનું નામ પણ તપાસમાં આવ્યું હતું, પણ તેની કોઈ ભૂમિકા ન હતી. તેણે સલમાન પાસેથી કાર ખરીદી હતી અને આગળ અંબાલામાં કોઈકને વેચી દીધી હતી. ત્યારબાદ પણ કાર આગળ ઘણા માલિકો પાસે ગઈ અને પુલવામા પહોંચી. આ ગેંગે એકમાત્ર દેવેન્દ્ર નામ ઉપાડી લીધું અને હોબાળો મચાવવાનો શરૂ કર્યો.

    વાસ્તવમાં દેવેન્દ્રને આ કેસ સાથે કશું લાગતું-વળગતું નથી અને તેણે કાર થોડો સમય પોતાની પાસે રાખી હતી એટલી જ નિસ્બત છે. પણ બીજા દિવસથી પ્રોપગેન્ડાબાજોની ફૌજ નામનો ઉપયોગ કરવા માટે મંડી પડી અને દિવસો સુધી ચલાવ્યું કે આ કાર દેવેન્દ્રની હતી, જેમાં બ્લાસ્ટ થયો.

    જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તેની માલિકી બીજા એક માણસ પાસે હતી, જેની ધરપકડ NIAએ હમણાં જ કરી. તેનું નામ આમિર રાશિદ અલી હોવાનું જાણવા મળ્યું છે. તેણે ઉમરને કાર આપી હતી અને ઉમરે લાલ કિલ્લા પાસે જઈને બ્લાસ્ટ કરી દીધો હતો. આમાં દેવેન્દ્ર વચ્ચે ક્યાંથી આવ્યો? જે દેવેન્દ્રના નામે છાજિયાં લેતા હતા એ હવે મૌન દેખાશે.

    આવું આ જ કેસમાં બીજી વખત રવિવારે (16 નવેમ્બર) બન્યું. એક સમાચાર આવ્યા કે કાશ્મીરમાં એક મહિલા ડૉક્ટરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. થોડી વાર પછી નામ આવ્યું– પ્રિયંકા શર્મા. સોશિયલ મીડિયા પરના ઇસ્લામી-વામપંથી પ્રોપગેન્ડાવીરોને નવું નામ મળ્યું, જેની તેમને તલાશ હતી. ફરીથી સોશિયલ મીડિયા પર પ્રિયંકાના નામે પ્રોપગેન્ડાના ખેલ શરૂ કર્યા.

    દિલ્હી કાર બ્લાસ્ટમાં પોલીસે એક હિંદુ મહિલાની પણ ધરપકડ કરી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે પણ કોઈ પણ રીતે સંડોવાયેલી હતી અને તેનાથી સાબિત થાય છે કે આમાં મુસ્લિમ આતંકવાદીઓ જ સામેલ હોય તેવું કશું જ નથી– આ બધું ચલાવવામાં આવ્યું. એવું સાબિત કરવાના પૂરેપૂરા પ્રયાસ થયા કે દિલ્હી બ્લાસ્ટમાં માત્ર મુસ્લિમ ડૉક્ટરોનાં જ નામ લઈને આપણને ભરમાવવામાં આવે છે પણ ખરેખર તો આમાં હિંદુ ડૉક્ટર પણ સામેલ છે.

    અહીં પહેલી હકીકત એ છે કે પ્રિયંકાની ધરપકડ નહીં પણ અટકાયત કરવામાં આવી હતી. બંને વચ્ચે બહુ મોટો ફેર છે, જે ફેર હવે મીડિયામાં પણ અમુક સમજતા નથી. અટકાયત એટલે પોલીસ મથકે લઈ જઈને બેસાડવામાં આવે. થોડીઘણી અનૌપચારિક પૂછપરછ કરવામાં આવે, જેનો ઉદ્દેશ્ય માત્ર કેસની અમુક પૂરક જાણકારી મેળવવાનો હોય. ધરપકડ કરવી હોય તો પહેલાં જે-તે વ્યક્તિના નામે કેસ જોઈએ, FIR જોઈએ. અથવા પહેલેથી નોંધાયેલા કેસમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવાઓ જોઈએ. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવે, ત્યાંથી કોર્ટ રિમાન્ડ મંજૂર કરે અને ત્યારબાદ પૂછપરછ થઈ શકે.

    પ્રિયંકા શર્મા મૂળ હરિયાણાની મહિલા છે અને કાશ્મીરમાં એક મેડિકલ કોલેજમાં મેડિકલ ઑફિસર છે. પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરે છે. દિલ્હી બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા ફરીદાબાદ ટેરર મોડ્યુલમાં પકડાયેલા એક ડૉક્ટર આદિલ રાથર તેની કોલેજમાં તેના જ ડિપાર્ટમેન્ટમાં તેનો સિનિયર હતો. આદિલ વિશે પૂછપરછ માટે પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેને મુક્ત પણ કરી દેવામાં આવી હતી. આ ઘટનાક્રમની પુષ્ટિ સ્વયં પોલીસ અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં કરી છે. જેમણે સ્પષ્ટ જણાવ્યું કે ધરપકડ જેવી કોઈ વાત નથી. વાસ્તવમાં એજન્સીઓ એ દરેક ડૉક્ટર, વિદ્યાર્થીઓની તપાસ-પૂછપરછ કરી છે, જેઓ કોઈ તબક્કે મોડ્યુલમાં પકડાયેલા આતંકીઓને જાણતા હોય, તેમના સંપર્કમાં આવ્યા હોય. એ દરેક આ કેસમાં સંડોવાયેલા છે એમ માની ન લેવાય.

    આ તરફ પ્રિયંકાના ભાઈએ ચોખવટ કરી કે શનિવારે રાત્રે 9 વાગ્યે તે બહેન સાથે વિડીયો કૉલ પર વાત કરી રહ્યો હતો ત્યારે જ અધિકારીઓ તેની હોસ્ટેલ પર આવ્યા હતા અને તેમની સાથે પૂછપરછ માટે લઈ ગયા હતા. પછીથી પ્રિયંકાને મુક્ત કરી દેવામાં આવી અને તેણે જ પરિવારને જાણ કરી હતી. તેનો મોબાઇલ ફોરેન્સિક તપાસ માટે લેવામાં આવ્યો છે. પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે પ્રિયંકાના કોઈ આતંકવાદી સાથે કોઈ સંપર્ક નથી અને પૂછપરછમાં આગળ પણ સહયોગની જરૂર હશે તો પૂરેપૂરો સહયોગ આપશે.

    આ બધી વિગતો માત્ર નામના આધારે પ્રોપગેન્ડા ફેલાવનારાઓ કહેતા નથી. ખાસ ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે દિલ્હી કાર બ્લાસ્ટ કેસ હોય કે ફરીદાબાદનું વ્હાઇટ કૉલર ટેરર મોડ્યુલ, બંને કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી ચૂકી છે એ તમામ મુસ્લિમ ડૉક્ટરો છે, પણ તેમનાં નામ લખવાનાં આવે કે તેમની ચર્ચા કરવાની આવે ત્યારે આ જમાત શાહમૃગ બની જાય છે! એવું કરવાની તેમને જૂની આદત છે. હવે બધું ખુલ્લું પડી જાય છે એટલો જ ફેર.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં