દેશમાંથી નક્સલવાદ નેસ્તાનાબૂદ કરવા માટે મોદી સરકારે નક્કી કરેલી માર્ચ 2026ની ડેડલાઈન જેમ નજીક આવી રહી છે તેમ આ ઑપરેશનમાં એક પછી એક સફળતા મળતી જાય છે. હવે નક્સલીઓના ટોપ કમાન્ડર અને સંભવતઃ અંતિમ મોટા માથા માડવી હિડમાને ઠાર કરવામાં આવ્યો છે. હિડમા નક્સલી વર્તુળોમાં કુખ્યાત નામ બની ગયો હતો. મંગળવારે (18 નવેમ્બર) વહેલી સવારે આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢની સરહદ પર જંગલોમાં ચાલેલા એક વિશેષ અભિયાનમાં સુરક્ષાબળોએ છ નક્સલીઓને ઠાર કર્યા. તેમાંથી એક હિડમા હતો. તેની પત્ની પણ આ જ ઑપરેશનમાં ઠાર મરાઈ છે.
હિડમાની પત્ની ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સંલિપ્ત હતા. હિડમાના માથે 50 લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. એનકાઉન્ટર બાદ હિડમા અને અન્ય નક્સલીઓ પાસેથી એકેએસ-47 રાઇફલ્સ સહિત અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
આંધ્ર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચને ત્રણ રાજ્યોના સરહદી વિસ્તારનાં જંગલોમાં માઓવાદીઓની હિલચાલ વિશેનાં ઇનપુટ્સ મળ્યાં હતાં. જે અન્ય બે રાજ્યોની પોલીસ અને સુરક્ષાબળો સાથે શૅર કર્યા બાદ એક વિશેષ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું. વહેલી સવારે સુરક્ષાબળોએ નક્સલીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં છ નક્સલીઓને ઠાર કરી દીધા. તેલંગાણા SIBએ પછીથી હિડમાની ઓળખની પુષ્ટિ કરી હતી.
કોણ હતો માડવી હિડમા
માડવી હિડમા સંતોષ, દેવા, વિલાસ જેવાં અન્ય નામોથી પણ ઓળખાતો હતો. તેનો જન્મ 1981માં છત્તીસગઢના સુકમા જિલ્લાના પુવર્થી ગામમાં. તેનું મૂળ નામ માડવી હિડ્મા હતું અને તે મુરિયા અનુસૂચિત જનજાતિ (એસસી) સમુદાયનો હતો. તે 10મા ધોરણ સુધી ભણ્યો અને પછી નક્સલી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. 1990ના દાયકામાં તે CPI(M)માં જોડાયો અને ધીમે-ધીમે હિંસક પ્રવૃત્તિમાં પણ જોડાતો ગયો.
હિડમા CPI–માઓવાદીની કેન્દ્રીય સમિતિમાં સૌથી યુવા સભ્ય તરીકે સામેલ થયો હતો. CPI-માઓવાદીની સેન્ટ્રલ કમિટી એ ટોપ ડિસિઝન મેકિંગ બોડી છે. અગાઉ માર્યો ગયેલો બસવરાજુ પણ આ જ કમિટીનો સભ્ય હતો. હિડમાની પત્ની રાજે ઉર્ફ રાજક્કા પણ નક્સલવાદી સંગઠનની ડિવિઝનલ કમિટીની સભ્ય હતી અને મહિલાઓને નક્સલી બનવા માટે તાલીમ આપતી હતી. બંનેએ મળીને અનેક લોકોને નક્સલવાદી ગતિવિધિઓમાં સામેલ કર્યા હતા.
હિડમા દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટીના નેતા તરીકે કામ કરતો હતો, જે છત્તીસગઢ, આંધ્રા પ્રદેશ, ઓડિશા અને તેલંગાણાના જંગલી વિસ્તારોને આવરી લે છે. તે સંગઠનના દક્ષિણી ભાગમાં સક્રિય પીપલ્સ લિબરેશન ગોરિલા આર્મી બટાલિયનનો ઇન્ચાર્જ પણ હતો. તેની આગેવાની હેઠળ નક્સલવાદીઓએ સુરક્ષા દળો અને નાગરિકો વિરુદ્ધ અનેક હુમલાઓ કર્યા હતા. સુરક્ષા અધિકારીઓ અનુસાર, હિડમા ઓછામાં ઓછા 26 હથિયારબંધ હુમલાઓ માટે જવાબદાર હતો, જેમાં સેંકડો લોકોનાં, સુરક્ષાકર્મીઓનાં મોત થયાં હતાં.
હિડમાનો પ્રભાવ નક્સલવાદીઓમાં સારો એવો હતો અને છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારનાં જંગલોમાં ભયનો માહોલ ફેલાવી રાખ્યો હતો. આ જ વર્ષે CPI-માઓવાદીના અન્ય ટોચના કમાન્ડરો બસવ રાજુ, કટ્ટા રામચંદ્ર રેડ્ડી કદારી સત્યનારાયણ રેડ્ડી, ગજરલા રવિ, ચલપથી, સહદેવ સોરેન, બલકૃષ્ણ અને નરસિંહાને આ જ વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા હતા. હવે હિડમા પણ માર્યો ગયો હોવાથી નક્સલવાદીઓ પાસે આત્મસમર્પણ કરવા સિવાય, શસ્ત્રો હેઠાં મૂકી દેવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. જેઓ બાકી રહ્યા છે તેઓ કાં આત્મસમર્પણ કરશે કાં હિડમાની જેમ જ માર્યા જશે. જેવું અમિત શાહે પહેલેથી જ એલાન કરી રાખ્યું છે.
કુલ 26 હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો હિડમા
હિડમા નાગરિકો અને સુરક્ષાબળો પર નક્સલીઓએ કરેલા અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. જેમકે,
2010નો દાંતેવાડા હુમલો: છત્તીસગઢના દાંતેવાડા વિસ્તારમાં CRPFના 76 જવાનોનાં મોત થયાં. આ હુમલો નક્સલવાદીઓના ઇતિહાસમાં સૌથી વધુ ભયંકર હતો અને તેની જવાબદારી હિડમાને સોંપવામાં આવી હતી.
2013નો ઝિરમ ઘાટી હુમલો: મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પરના આ હુમલામાં 27 લોકો માર્યા ગયા, જેમાં કોંગ્રેસના ટોપ નેતાઓ પણ સામેલ હતા.
2021નો સુકમા-બીજાપુર હુમલો: આ હુમલામાં 22 સુરક્ષાકર્મીઓ વીરગતિ પામ્યા હતા.
આ ઉપરાંત હિડમા અને તેના જૂથે નાના-મોટા મળીને કુલ 26થી વધુ હુમલાઓ કર્યા, જેમાં સુરક્ષા દળો અને નાગરિકો બંનેને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. તેઓ જંગલ વિસ્તારોના ભૂગોળનો લાભ લઈને ગોરીલા પદ્ધતિથી લડાઈ કરતા હતા. જોકે સરકારે વિશેષ અભિયાન હેઠળ ખાતમો શરૂ કર્યો પછી નક્સલવાદની કમર ઘણીખરી તૂટી ગઈ અને આ દૂરના જંગલ વિસ્તારો પણ એક પછી એક સાફ થવા માંડ્યા. હવે નક્સલવાદ માંડ બે-ત્રણ જિલ્લાઓ પૂરતો સીમિત રહી ગયો છે.
હિડમાના એનકાઉન્ટરને નક્સલવાદ સામેના યુદ્ધમાં એક મોટો માઇલસ્ટોન માનવામાં આવે છે. નક્સલવાદીઓ પાસે જે થોડાઘણા વિસ્તારો રહી ગયા હતા ત્યાં જ આ વખતે ઘા કરવામાં આવ્યો અને કમાન્ડરને ઠાર કરી દેવામાં આવ્યો છે. હવે માઓવાદીઓ ન તો કોઈ વધુ હિલચાલ કરી શકે એમ છે કે ન તેમને વધુ લોજિસ્ટિકલ સપોર્ટ મળી શકે તેમ છે. ટોપ કમાન્ડર માર્યો ગયો હોવાથી માઓવાદીઓ પાસેથી વધુ એક વખત નેતૃત્વ છીનવાઈ ગયું છે અને કેડર ટકાવી રાખવામાં કે આંતર-જિલ્લા ઑપરેશનો હાથ ધરવામાં વધુ તકલીફ પડશે. બીજી તરફ સુરક્ષાબળો સતત સતર્ક રહીને લાલ આતંક પર પ્રહાર કરી રહ્યાં છે.
તેમ છતાં સુરક્ષાબળો હાલ આ વિસ્તારોમાં હાઈએલર્ટ પર છે અને હિડમાના મોત બાદ ઉશ્કેરણીમાં આવીને બાકી બચેલા માઓવાદીઓ કોઈ હરકત ન કરે તે માટે પૂરેપૂરી સતર્કતા દાખવવામાં આવી રહી છે.


