ઇતિહાસ જ્યારે 2020નો દાયકો લખશે, તો તે તેને માત્ર મહામારી, યુદ્ધ, વૈશ્વિક મંદી અને અસ્થિરતાનો દાયકો નહીં કહે, તે તેને એ યુગ તરીકે યાદ કરશે જ્યારે ભારતે પોતાના માટે એક નવી આર્થિક દિશા પસંદ કરી હતી. એક એવી દિશા જે પરંપરા વિચારની બહાર હતી, એક એવો દ્રષ્ટિકોણ જે જોખમોથી ભરેલો હતો અને એક એવું આર્થિક મોડેલ જે અન્ય વિકાસશીલ દેશોએ અપનાવ્યું પણ નહોતું. આ પરિવર્તનનું નામ છે મોદી સરકારનો ભારતીય આર્થિક દ્રષ્ટિકોણ.
છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરનાં અર્થતંત્રો મંદીનો માર સહી રહ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને વેપાર સમસ્યાના કારણે આર્થિક સ્થિતિ નબળી ચાલી છે. અમેરિકામાં તો હમણાં જ સરકારી શટડાઉન પૂર્ણ થયું છે. યુરોપથી લઈને અન્ય ઘણા વૈશ્વિક દેશોમાં આર્થિક સુસ્તી દેખાઈ રહી છે. પરંતુ ભારતે આવી સ્થિતિમાં પણ એક નવી સિદ્ધિ હાંસલ કરી નાખી છે. 2025ના બીજા ક્વાર્ટરમાં ભારતની GDPનો વૃદ્ધિ દર 8.2% સુધી પહોંચી ગયો છે.
The GDP estimates released today shows the robust economic growth and momentum of the Indian economy.
— Nirmala Sitharaman (@nsitharaman) November 28, 2025
With a Real GDP growth rate of 8.2% for Q2- FY 2025-26 (July-Sept), India is the world’s fastest growing major economy.
In the current financial year, Real GDP has registered…
આ માત્ર એક આંકડો નથી, આ સંકેત છે કે મોદી સરકારનું આર્થિક મોડેલ, નીતિગત સુધારા, રોકાણ અને ભારતની વ્યાપક આર્થિક રણનીતિએ દેશને વૈશ્વિક મંદીમાં પણ ઝડપ આપી છે. મોદી સરકારે ન માત્ર આર્થિક સ્થિરતા હાંસલ કરી, પરંતુ અર્થતંત્રને વેગ આપવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે. આજે દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. ભારતે દાયકાઓ બાદ એ અનુભવ કર્યો છે કે સરકાર માત્ર ટેક્સ લેનારું તંત્ર નથી, પણ વિકાસનું એન્જિન પણ છે.
2025ના આંકડા દર્શાવે છે આર્થિક સ્થિરતા અને મજબૂતી
નાણાકીય વર્ષ 2025-26ના Q2માં (જુલાઈ-સપ્ટેમ્બર) વાસ્તવિક GDP વધીને 8.2% સુધી પહોંચી છે. જ્યારે ગત વર્ષમાં આ જ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.6% નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત નૉમિનલ GDPમાં પણ 8.7%ની વૃદ્ધિ જોવા મળી છે. સેકેન્ડરી (ઉદ્યોગ+નિર્માણ) અને તૃતીયક (સેવાઓ) સેક્ટરોએ મળીને GDP વૃદ્ધિને મજબૂત કરી છે. સેકન્ડરી સેક્ટરની વૃદ્ધિ 8.1% અને તૃતીયકની વૃદ્ધિ 9.2% રહી છે.
પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિયર (PFCE) એટલે કે લોકોનો ખર્ચ પણ 7.9% વધ્યો છે. મોદી સરકારનો ‘GST બચત મહોત્સવ’ એક કારગર અને નિર્ણાયક પગલું સાબિત થયું છે. તેના કારણે લોકોનો ખર્ચ વધ્યો છે અને તેનો સીધો લાભ પણ અર્થતંત્રને મળ્યો છે. H1માં (એપ્રિલ-સપ્ટેમ્બર 2025) કુલ GDP વૃદ્ધિ 8.0% રહી છે, જ્યારે ગયા વર્ષે H1માં 6.1% જ હતી. આ સાથે જ મોંઘવારી ઑક્ટોબર 2025માં ઘટીને 0.25% થઈ છે. 2019 પછીનું આ સ્તર ખૂબ સારું માનવામાં આવી રહ્યું છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભારતની આર્થિક ઝડપ હવે માત્ર ‘રૂપિયાની વૃદ્ધિ’ નથી, પરંતુ વાસ્તવિક ઉત્પાદન, ખપત, રોકાણ અને વિકાસનું મિશ્રણ બની ગઈ છે અને તેનો સંપૂર્ણ શ્રેય મોદી સરકારને જાય છે. મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિ, અનેક સરકારી યોજનાઓ અને પહેલોના કારણે ભારતની અર્થવ્યવસ્થા અડીખમ રહી છે.
મોદી સરકારના પ્રયાસો
મોદી સરકારે એ પરંપરામાં પરિવર્તન કરી નાખ્યું છે કે માત્ર ખેતી કે એક-બે ક્ષેત્રોથી વિકાસ શક્ય છે. હાલ મોદી સરકાર તમામ ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. એટલે વર્તમાન રણનીતિમાં મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને પણ સાથે રાખવામાં આવ્યા છે. PIB અનુસાર, મેન્યુફેક્ચરિંગ 9.1%, કન્સ્ટ્રક્શન 7.2%, અને સેવાઓ (ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ) 10.2% સુધી વધી છે. એટલે ભારતની અર્થવ્યવસ્થા હવે વિવિધ આધાર પર ઊભી છે — ફેક્ટરી હોય, બિલ્ડિંગ-ઇન્ફ્રા હોય કે સર્વિસ સેક્ટર.
ઘરગથ્થું ખર્ચ અને વ્યક્તિગત ખર્ચમાં વધારો
નાગરિકોની ખર્ચ કરવાની ક્ષમતા 7.9% વધી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે સામાન્ય માણસોના ખિસ્સામાં વધુ રકમ આવી રહી છે અને તેના કારણે ખર્ચ વધી રહ્યો છે. આ જ સાચો આર્થિક સુધારો છે. વર્ષોથી વિપક્ષી ટોળકી પોતાની સરકાર વખતે માત્ર ‘ગરીબી-બેરોજગારી હટાવો’ જેવા નારા લગાવવામાં જ વ્યસ્ત રહી હતી, પરંતુ ખરા અર્થમાં મોદી સરકારમાં તે કામ પાર પડ્યું છે અને તે પણ નારા વગર. મોદી સરકારે GST સ્લેબમાં બદલાવ કરીને મધ્યમવર્ગીય અને ગરીબોના ખિસ્સામાં વધુ રકમ મૂકી છે અને તેના કારણે તેમની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.
મોંઘવારી નિયંત્રણ
ભારતમાં CPI (મોંઘવારી દર) ઘટીને 0.25% થયો છે, જે દર્શાવે છે કે મોંઘવારી હાલ નિયંત્રણમાં છે. અર્થશાસ્ત્રનો એક સીધો નિયમ છે કે જ્યારે કિંમતો સ્થિર રહે, ત્યારે ગ્રાહક વિશ્વાસ સાથે ખર્ચ કરે — આ જ વૃદ્ધિનું એન્જિન છે. સાથે સરકારની નીતિઓ — GST સુધારા, ટેક્સ નીતિઓ, રોકાણલક્ષી સુધારાએ આ વૃદ્ધિને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વિશ્વમાં મંદી, વેપાર યુદ્ધ, સપ્લાય ચેઇન તૂટવાની વાતો ચાલી રહી હતી. તેવામાં ભારતે નિકાસ-આધારિત માંગને બદલે ઘરગથ્થુ માંગ અને આંતરિક સપ્લાય ચેઇન પર વિશ્વાસ મૂક્યો. તેનાથી સાબિત થયું કે ભારત હવે એક મજબૂત અને સંતુલિત અર્થવ્યવસ્થા તરીકે વૈશ્વિક આર્થિક આંચકાનો સામનો કરી શકે છે અને મજબૂતીથી આગળ વધી શકે છે.
મોદી સરકારની રણનીતિથી આવ્યું પરિવર્તન
આ સફળતા કોઈ નસીબ કે સંયોગથી નથી મળી, પરંતુ આ મોદી સરકારની નીતિ, દૂરદર્શિતા, સાહસ અને સમર્પણનું પરિણામ છે. 2014 પછી સતત સ્ટ્રક્ચરલ સુધારા, GST, ઇન્સોલ્વન્સી કોડ, લેબર સુધારા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ, મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન, નિકાસ વૈવિધ્યકરણ, ડિફેન્સ, ઇન્ફ્રા ખર્ચ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રામીણ વિકાસ, PLI સ્કીમ્સ, MSME સપોર્ટ જેવી પહેલોની અસર સૌથી નીચે સુધી પહોંચી છે. આ વિકાસ માત્ર મોટા શહેરોનો નહીં, પણ નાના શહેરો, ગામડાંઓ, ગરીબો, નોકરી મેળવનારાઓ અને યુવાનોનો પણ છે. હવે આંકડા સાબિત કરે છે કે આ મોડેલ કામ કરી રહ્યું છે.
હા, વૈશ્વિક મેક્રો-ઇકોનોમિક અનિશ્ચિતતા, કોમોડિટી પ્રાઇસીસ, નિકાસ બજારોની અનિશ્ચિતતા હજુ ખતમ નથી થઈ. ઘણા દેશ મંદી તરફ જઈ રહ્યા છે. પણ ભારતની પ્રતિક્રિયા પદ્ધતિ બદલાઈ ગઈ છે, આંકડા, નીતિઓ, શક્તિ વિતરણ અને વિકાસનો પાયો મજબૂત છે. જો સરકાર અને રોકાણકારો સ્થિર રહે, સુધારા ચાલુ રહે તો 2026 સુધીમાં કે તેના પછી ભારત પાસે $4 ટ્રિલિયન GDP, રોકાણ, રોજગાર અને વિકાસમાં નવા આયામ સુધી પહોંચવાની તક છે.
મોદી સરકારના સુધારા
દુનિયાની કોઈપણ અર્થવ્યવસ્થા ત્યાં સુધી ગતિ નથી પકડી શકતી, જ્યાં સુધી તેના રસ્તા, તેના બંદરો અને તેની સપ્લાઈ ચેઇન મજબૂત ન હોય. મોદી સરકારે આ વાતને સમજીને તેના પર કામ શરૂ કર્યું. દેશમાં પહેલી વખત ઇન્ફ્રાને ફાસ્ટ-ટ્રેક શાસન મળ્યું અને આજે જે આંકડા અર્થતંત્ર પર ઊઠીને સામે આવી રહ્યા છે, તે આ જ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્રાંતિનું પરિણામ છે.
તે સિવાય GST જેવા સુધારા પણ રાજકીય જોખમનું કામ હતું, પરંતુ આર્થિક રીતે રાષ્ટ્ર માટે જરૂરી હતા. કોઈપણ નેતા એવા સુધારા નહીં લાવે, જે લોકપ્રિયતા પર અસર કરે. પરંતુ મોદી સરકારે સાહસ કર્યું. વિપક્ષ આજે જેટલી રોકકળ કરે પણ વાસ્તવિકતા એ છે કે ભારત આજે એક એકીકૃત આર્થિક માર્કેટ બની ગયું છે અને તેનો શ્રેય GST અને મોદી સરકારનાં સાહસને જાય છે.
વધુમાં ભારતમાં ગરીબોને પણ આર્થિક મુખ્યધારા સાથે જોડવા પણ આર્થિક ક્રાંતિ હતી. દુનિયામાં પહેલી વખત એક એવો દેશ દેખાયો હતો, જેણે ‘વિકાસ’ને ગરીબો સુધી પહોંચાડવા માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, DBT, આધાર, મોબાઈલ કનેક્ટિવિટી અને જનધન બેન્ક ખાતાને એક સાથે જોડી દીધા. આ ઉપરાંત ‘મેક ઇન ઇન્ડિયા’ મુવમેન્ટ પણ કારગર નીવડી.
આજે સરકારી આંકડાઓએ 8.2% GDP વૃદ્ધિની પુષ્ટિ કરી છે, તો આ માત્ર એક સંખ્યા નથી
આ ભારતનાં પુનરુત્થાનની કથા છે. મોદી સરકારે જે માર્ગ પસંદ કર્યો હતો- નિર્માણ, રોકાણ, સ્થિર નીતિ, જનતા-કેન્દ્રિત આર્થિક મોડેલ, તે સફળ થયો છે. ભારત હવે માત્ર ‘ઉભરતી અર્થવ્યવસ્થા’ નથી, પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. અને આ ગૌરવ માત્ર આંકડાઓનું નથી, દેશના કરોડો ઘરો, શ્રમિકો, ઉદ્યોગો, ખેડૂતો અને દેશના નાગરિકોનું છે.
2025નું ભારત અચાનક નથી ઊભું થયું, આ 10 વર્ષના કઠોર સુધારા, દૂરંદેશી અને જમીની કામનું પરિણામ છે. આજે ભારત આત્મવિશ્વાસથી કહી શકે છે —“આપણી અર્થવ્યવસ્થા હવે વૈશ્વિક પવનો પર આધારિત નથી. આપણે પોતાની દિશા પોતે નક્કી કરીએ છીએ.” અને આ પરિવર્તન, આ નવજાગરણ, આ આર્થિક ક્રાંતિ…મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ છે.


