અમેરિકી ટેરિફ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની હરણફાળ, FY26ના Q2મા 8.2% GDP ગ્રોથ રેટ સાથે દુનિયાને પાછળ છોડી

નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) ભારતની અર્થવ્યવસ્થાએ વૈશ્વિક મંદીના પડકારોને કરારો જવાબ આપતાં 8.2%ની રેકોર્ડ વૃદ્ધિ નોંધાવી છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO), સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે શુક્રવારે (28 નવેમ્બર 2025) જારી કરેલ પ્રેસ નોટમાં જણાવ્યું છે કે આ વૃદ્ધિ ગયા વર્ષની સમાન અવધિના 5.6% કરતાં નોંધપાત્ર રીતે વધુ સારી છે. સ્થિર મૂલ્યો (2011-12 આધાર) પર GDP ₹48.63 લાખ કરોડ રહી, જે એક વર્ષ પહેલાં ₹44.94 લાખ કરોડ હતી.

NSOના રિપોર્ટ અનુસાર, નોમિનલ GDPમાં 8.7%નો વધારો થયો અને તે ₹85.25 લાખ કરોડ સુધી પહોંચી ગઈ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, “આ આંકડા મોદી સરકારની સુધારા-કેન્દ્રિત નીતિઓની જીત છે, જે રોકાણ અને વપરાશને ગતિ આપી રહી છે. ભારત હવે વૈશ્વિક વિકાસનું એન્જિન બની ગયું છે.”

આ ક્વાર્ટરમાં દ્વિતીયક અને તૃતીયક ક્ષેત્રોએ મુખ્ય ભૂમિકા ભજવી. દ્વિતીયક ક્ષેત્રમાં 8.1%ની વૃદ્ધિ થઈ, જેમાં મેન્યુફેક્ચરિંગ 9.1% અને કન્સ્ટ્રક્શન 7.2% વધ્યું. તૃતીયક ક્ષેત્રે 9.2%ની છલાંગ લગાવી, ખાસ કરીને ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીસમાં 10.2%ની મજબૂત વૃદ્ધિ.

પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચરમાં (PFCE) 7.9%ની વૃદ્ધિ થઈ, જે ગયા વર્ષના 6.4% કરતાં વધુ સારી છે. આ અસમાન મોન્સૂન છતાં ઘરગથ્થુ માંગની મજબૂતી દર્શાવે છે. અર્થશાસ્ત્રી અરુણ કુમારે કહ્યું છે કે, “PFCEની આ ઝડપ વપરાશકર્તાના વિશ્વાસનો પુરાવો છે, જે અર્થવ્યવસ્થાને સ્થિરતા આપે છે.”