(તંત્રીલેખ, 4 સપ્ટેમ્બર 2025)
‘તંત્રીલેખ અખબારનો આત્મા કહેવાય’ એવું ઘસાઈ ગયેલું વાક્ય પત્રકારત્વના એક શિક્ષક વાપરતા. હવે જોકે આ આત્મો રેસ્ટ ઇન પીસ થઈ ગયો છે. હત્યા સ્વયં અખબારોએ, તંત્રીલેખો લખનારાઓએ કરી છે. સુજ્ઞ વાચકનો આમાં કોઈ કરતાં કોઈ ફાળો નથી. અગાઉના સમયમાં વ્યવસ્થિત તંત્રીલેખ લખાતા હશે. હવે નવા પત્રકારત્વના જમાનામાં તંત્રીલેખ લખવાના નામે રીતસર વેઠ જ ઉતારવામાં આવે છે. અખબારો સમય સાથે મહત્ત્વ સદંતર ગુમાવતાં જાય છે અને એનાથી ખરાબ હાલત એડિટોરિયલની છે.
હમણાં ગુજરાત સમાચારે એક હિન્દી અખબારનો તંત્રીલેખ સીધેસીધો ઉપાડીને, નબળું ગુજરાતી ભાષાંતર કરીને તફડાવી માર્યો એ ગોઝારી ઘટના ઑપઇન્ડિયાએ ઉજાગર કરી. આ જોકે ‘છીંડે પકડાયો ચોર’ જેવું છે. રોજ આવા કેટલાય તંત્રીલેખો આ જ રીતે એકબીજામાંથી ઉઠાંતરી કરીને છપાતા હશે. શોધવા જશો તો અનેક અખબારોમાં આવું થતું જોવા મળશે.
અમુક અખબારોએ તંત્રીલેખો સદંતર છાપવાના માંડી વાળ્યા છે. અમુક હજુ છાપીને આપણી ઉપર ઉપકાર કરે છે, પણ તેમાં કાઢી લેવા જેવું કશું હોતું નથી. પહેલેથી છેલ્લે સુધી વાંચી જઈએ તોપણ તંત્રી સાહેબ એક્ઝેટલી શું કહેવા માંગે છે એ પ્રશ્ન તો રહે જ. દહીં અને દૂધ બંનેમાં પગ રાખીને અડધો લેખ આ બાજુ અને અડધો પેલી બાજુ લખીને પૂરું કરી દેવું તે તંત્રીલેખોની નવી વ્યાખ્યા છે અને આ વ્યાખ્યા પત્રકારત્વના સ્વઘોષિત ઝંડાધારીઓએ સ્વયં ઘડી છે. અમુક તંત્રીલેખો વાંચીને વળી એડિટોરિયલ છે કે રિપોર્ટ એ નક્કી કરવું કઠિન કામ બની જાય છે.
આપણી મરજીના અખબારે વળી નવું તૂત ચાલુ કર્યું છે. તેઓ વાચકો પાસે તંત્રીલેખો લખાવે છે. ભલા માણસો, તંત્રીલેખો તંત્રી લખે કે વાચક? વાચક લખે એને ચર્ચાપત્ર કહેવાય, તેનું ઠેકાણું છાપાંમાં જુદું હોય. તંત્રીલેખ તેની પાસે ન લખાવવાના હોય. આવી વાયડાય તંત્રીઓની અણઆવડત છુપાવવા માટે કરવામાં આવતી હોય તેવી શંકા ક્યારેક જાય છે.
આવી જ હાલત ડેઈલી કૉલમોની છે. ન્યુઝને થોડા વધુ શબ્દોમાં છાપી મારીને ‘વિશ્લેષણ’નું નામ આપી દેવાય છે અને આપણા માથે મારી દેવામાં આવે છે. મોટાભાગના લેખોમાં કોઈ નિષ્કર્ષ નીકળતો હોતો નથી. લખનારે કોઈ મત આપેલો હોય તેમ જણાતું નથી. રાજકારણ પરની કૉલમો તો પહેલેથી જોખમી કામ રહ્યું છે. તેમાં સ્ટેન્ડ લેવાની બીકે આવી બધી કૉલમો લખનારા વિદેશી ઘટનાઓ પકડીને વિશ્લેષણો કરતા રહે છે, જેને મોટાભાગના કિસ્સાઓમાં આપણી સાથે કોઈ નિસબત હોતી નથી.
મૂળ કારણ એ જ છે કે સ્ટેન્ડ લેવાની હિંમત રહી નથી. ન અખબારોમાં, ન તંત્રીઓમાં. એટલે જે લખાય છે એ મોટેભાગે કચરો બનીને રહી જાય છે. તેમાંથી વાચકને કશું મળતું નથી. વાચક કોઈ ઘટના પર, કોઈ સમાચાર પર અખબારનો, મીડિયા સંસ્થાનો મત જાણવા માટે ત્યાં આવે છે અને કન્ફ્યુઝ થઈને જતો રહે છે. વાચકોને આ રીતે ગૂંચવી મારવામાં આપણાં અખબારોએ હવે મહારત હાંસલ કરી લીધી છે. હવે જ્યાં સુધી અખબારોનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ પદ્ધતિ પણ ચાલુ રહેશે.
અહીં જોકે આ બધું જોવા નહીં મળે. અહીં સ્પષ્ટ સ્ટેન્ડ લઈને લખવાની નેમ રાખી છે. અહીંના લેખોમાં ચોક્કસ સ્ટેન્ડ હશે, સ્પષ્ટ ભાષા હશે, સીધા મત અને અભિપ્રાય હશે. જે કહેવાનું છે એ શબ્દો ચોર્યા વગર કહેવાનું એવું રાખ્યું છે. ‘પોલિટિકલી કરેક્ટ’ થવાની કે ‘તટસ્થ’ દેખાવાની ચળ અહીં કામ કરતા તંત્રીઓને ક્યારેય ઉપડી નથી એટલી ધરપત વાચકોને આ તબક્કે આપવી રહી.
રોજ લખવું હોય તો વિષયો મોટેભાગે રાજકીય જ રહે છે, કારણ કે ભારતમાં સમાચારોનો એક મોટો હિસ્સો રાજકીય સમાચારો જ રોકી લે છે. સામાજિક મુદ્દાઓ સોશિયલ મીડિયાના કારણે ચર્ચાતા રહે છે તો તેને પણ ઉચિત સ્થાન મળે તે માટેના પ્રયાસો ચાલુ રહેશે. ક્યારેક બીજા વિષયોને પણ સ્પર્શી લેવાની ગણતરી છે, જેથી વાચકને ‘બોરિંગ’ ન લાગે ને લખનારને પણ.
આવતીકાલથી શુભારંભ કરીએ.


