(તંત્રીલેખ, 22 સપ્ટેમ્બર)
ત્રણેક દિવસ પહેલાં ગોધરામાં એક છમકલું થયું. મોડી રાત્રે મુસ્લિમોનું એક મોટું ટોળું પોલીસ મથકે એકઠું થયું અને જેમ અગાઉના અનેક કિસ્સાઓમાં બન્યું છે એમ પોલીસ પર હુમલો કરી દીધો. એકાદ-બે કર્મચારીઓને ઈજા પહોંચી. દસ્તાવેજોને નુકસાન થયું. ટોળાના માણસોએ પથ્થર ફેંક્યા અને અરાજકતા સર્જાઈ. પછીથી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો.
કારણ શું હતું? પોલીસે એક યુવાનને મથકે બોલાવ્યો હતો. પંચમહાલના જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે આ યુવાન અગાઉ સોશિયલ મીડિયા પર સંવેદનશીલ મુદ્દાઓ પર પોસ્ટ કર્યા કરતો હતો અને હમણાં નવરાત્રિ આવી રહી હતી તો તકેદારીના ભાગરૂપે પોલીસે તેને બોલાવીને કંઈ પણ સંવેદનશીલ પોસ્ટ ન કરવા માટે સમજાવ્યો હતો. પરંતુ અફવા એવી ફેલાવવામાં આવી કે પોલીસે તેને સ્ટેશનમાં બોલાવીને માર્યો છે. પછીથી હાલ ચાલતા ‘આઈ લવ મુહમ્મદ’વાળા ટ્રેન્ડ સાથે મામલાને જોડી દેવામાં આવ્યો અને ટોળું પોલીસ મથકની બહાર ભેગું થઈ ગયું. ધમાલ મચાવી અને આખરે પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિ કાબૂમાં લેવી પડી.
આ જ રાત્રે ત્યાંથી થોડા કિલોમીટર દૂર વડોદરામાં એક ઘટના બની. અહીં જૂનીગઢી વિસ્તારમાં મુસ્લિમોના ટોળાએ હિંદુ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો. તોડફોડ કરવાના પ્રયાસ કર્યા. પથ્થર ફેંકાયા. નવરાત્રિના મંડપને નુકસાન કરવાના પ્રયાસો થયા. ઉશ્કેરણીજનક નારાબાજી કરવામાં આવી. આ મામલે પણ પછીથી પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિ કાબૂમાં મેળવવી પડી. પછીથી FIR પણ દાખલ કરવામાં આવી.
અહીં કારણ એ હતું કે એક હિંદુ યુવક પર મુસ્લિમોએ કશુંક આપત્તિજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી સીધું ટોળું હિંદુઓના વિસ્તારમાં ઘૂસી ગયું, મારો-કાપોના નારા સાથે ધમાલ મચાવી અને અરાજકતા સર્જીને કાયદો-વ્યવસ્થાને સીધો પડકાર ફેંક્યો.
વડોદરામાં હમણાં ગણેશ ચતુર્થી ગઈ ત્યારે ગણેશજીની પ્રતિમા લઈને આવતા એક મંડળના યુવાનો પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં, જેમાંથી અમુક ગણેશજી પર પણ પડ્યાં. પછીથી તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ પૂર્વાયોજિત કાવતરું હતું. અગાઉથી અમુક મુસ્લિમ યુવાનો અને કિશોરોએ પ્લાન ઘડી રાખ્યો હતો અને જ્યારે મૂર્તિ પસાર થઈ તો ઈંડાં ફેંક્યાં. પોલીસે પછીથી તેમને પણ પકડ્યા.
શું આ ઘટનામાં હિંદુઓએ મુસ્લિમોના વિસ્તારમાં જઈને ‘મારો-કાપો’ કહીને કે ઉશ્કેરણીજનક નારા લગાવીને ધમાલ કરી હતી? ઉત્પાત મચાવ્યો હતો? કાયદો હાથમાં લઈને મુસ્લિમો, તેમની મહિલાઓ સામે જોખમ ઊભું કર્યું હતું? દરેકનો જવાબ છે– ના. હિંદુઓ માત્ર ફરિયાદ લઈને પોલીસ સમક્ષ ગયા, પૂરતી રજૂઆતો કરી, કડક કાર્યવાહીની માંગ કરી. આ કાયદાકીય માર્ગ છે. એ જ અપનાવવો જોઈએ.
પરંતુ ઇસ્લામી કટ્ટરપંથીઓ આ બધામાં પડતા નથી. તેઓ ટોળું બનાવે છે અને પોલીસને, હિંદુઓને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દે છે. કોઈ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણ બનાવીને કે પછી જૂનાગઢ જેવા કિસ્સાઓમાં કાયદાની હદમાં રહીને આપવામાં આવેલી નોટિસને કારણ બનાવીને શહેરને બાનમાં લેવામાં આવે છે. હિંસા આચરવામાં આવે છે.
આમ કાયમ સેક્યુલરિયાઓ એવી દલીલો કરતા રહે છે કે કોઈ એક વ્યક્તિ કશુંક ગુનો કરે તો શું તેની સજા આખા સમુદાયને આપવી જોઈએ? તો પછી એ મુદ્દો અહીં કેમ આવતો નથી. વડોદરામાં પેલા યુવકે કશુંક કર્યું હોય તો પોલીસ પાસે જઈને ફરિયાદ અપાય કે સીધું હિંદુઓની શેરીઓમાં જઈને ધમાલ મચાવાય? ગોધરામાં કદાચ પેલા યુવકના સમર્થનમાં એકઠા પણ થયા હોય તો પોલીસને શાંતિથી રજૂઆતો કરાય કે સીધા પથ્થરો ફેંકાય? બંને કિસ્સાઓમાં શું થવું જોઈતું હતું અને શું થયું છે?
હકીકત એ છે કે જ્યારે-જ્યારે હિંદુ આસ્થા પર પ્રહાર થાય છે ત્યારે સમુદાય બહુ-બહુ તો પ્રદર્શનો કરે છે, ધરણાં કરે છે, કાયદાની હદમાં રહીને ફરિયાદો આપે છે અને બીજી બાજુ મોટાભાગના કિસ્સાઓમાં સમુદાય વિશેષનો એક વર્ગ કાયમ કાયદો હાથમાં લેવાના પ્રયાસો કરતો રહે છે. છતાં આપણને શું શીખવવામાં આવ્યું છે?– હિંદુઓ અસહિષ્ણુ છે. આ જ સેક્યુલરિઝમ છે.


