હોમપેજરાજકારણગોપાલ પર ગામેગામ થતા જૂતાપ્રહાર: લગેંગી આગ તો…

ગોપાલ પર ગામેગામ થતા જૂતાપ્રહાર: લગેંગી આગ તો…

2017ના પોતાના કાંડનું જસ્ટિફિકેશન પણ ગોપાલ બહુ હાસ્યાસ્પદ રીતે આપે છે. પોતાને બહાદુર સાબિત કરતાં એ કહે છે કે તેણે સત્તામાં બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ જૂતું ફેંક્યું હતું, પણ હમણાં તે વિપક્ષમાં છે અને વિપક્ષના નેતાઓ પર જૂતું ફેંકવું એ કાયરતા છે.

- Advertisement -

ફાંકા ફોજદારીનો પર્યાય બની ચૂકેલા અને ગુજરાતના રાજકારણમાં જેનું કામ ન્યૂસન્સ પેદા કરવાથી વિશેષ રહ્યું નથી એવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી કોઈ જોડું ફેંકી ગયું હોવાના અહેવાલ છે. જૂતા પ્રહારની આવી ઘટના ગોપાલ સાથે બીજી વખત બની. અગાઉ જામનગરની એક સભામાં આવું જ બન્યું હતું. બંને વખતે જૂતું ગંતવ્યસ્થાન સુધી પહોંચી શક્યું ન હતું એ સુજ્ઞ વાચકની જાણ સારુ.

આ ઘટનાઓ પછી ગોપાલના સમર્થકો અને આપિયાઓ ‘આ વિપક્ષ નેતાને દબાવવાનો પ્રયાસ છે’ અને ‘લોકશાહીનું હનન થઈ રહ્યું છે’ એવા બૂમબરાડા પાડે ત્યારે બહુ ‘ક્યુટિયા’ લાગે છે. કારણ કે આ અવળી પરંપરા બીજા કોઈએ નહીં ગોપાલે જ સ્વયં શરૂ કરી હતી. તેણે જ લોકોને શીખવ્યું હતું કે નેતાઓ પર જૂતાં ફેંકી શકાય છે. લોકો હવે તેણે જ શીખવેલી બાબતો તેની ઉપર જ અજમાવી રહ્યા છે. જોકે આદર્શ લોકશાહીમાં આવાં કૃત્યો ટીકાપાત્ર છે એમાં કોઈ શંકા નથી.

2017માં તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલે જૂતું ફેંક્યું હતું. વર્ષો સુધી ગોપાલના સમર્થકો અને અમુક પાલતુ પત્રકારો એને તેણે બહુ ક્રાંતિકારી કામ કર્યું હોય તે રીતે આ ઘટનાને પ્રોજેક્ટ કરતા રહ્યા. હવે એ જ કામ કોઈ બીજું કરી રહ્યું છે અને ‘પીડિત’ ગોપાલ બની રહ્યો છે ત્યારે વહેણે અવળી દિશા પકડી લીધી છે.

- Advertisement -

2017ના પોતાના કાંડનું જસ્ટિફિકેશન પણ ગોપાલ બહુ હાસ્યાસ્પદ રીતે આપે છે. પોતાને બહાદુર સાબિત કરતાં એ કહે છે કે તેણે સત્તામાં બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ જૂતું ફેંક્યું હતું, પણ હમણાં તે વિપક્ષમાં છે અને વિપક્ષના નેતાઓ પર જૂતું ફેંકવું એ કાયરતા છે. સત્તામાં બેઠેલા માણસનું કોઈ નામ લેતું નથી. એટલે ટૂંકમાં કહેવા માગે છે કે પોતે જ્યારે જૂતું ફેંક્યું હતું ત્યારે એ બહાદુર હતો. હમણાં જે તેની ઉપર જૂતા ફેંકી રહ્યા છે એ કાયર છે.

આમ જોવા જઈએ તો ધારાસભ્ય શાસનવ્યવસ્થાનો જ ભાગ કહેવાય. એટલે ‘સત્તા’ની વ્યાપક વ્યાખ્યા કરીએ તો ધારાસભ્યનો પણ તેમાં સમાવેશ થઈ જાય. એ વિપક્ષનો હોય કે સરકારનો. વિપક્ષ અને સરકાર તો પાર્ટીઓ માટેની વ્યવસ્થા છે. સામાન્ય માણસ કામ કરાવવા માટે ધારાસભ્ય પાસે જાય. એટલે ગોપાલની દલીલો અહીં ફિટ બેસતી નથી

તાજી ઘટનામાં ઘણા એન્ગલ સામે આવ્યા છે. જૂતું ફેંકનારનું નામ છે શબ્બીર. પહેલાં તેણે કહ્યું કે અમુક લોકોએ તેને દારુ પીવડાવીને પૈસાની લાલચ આપીને આ કામ કરાવ્યું હતું. પછીથી એક વિડીયો આવ્યો એમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું જ નામ લઈને કહ્યું કે તેમણે જ તેને ગોપાલ પર જૂતું મારવા માટે કહ્યું હતું જેથી ગોપાલ થોડો આગળ આવે! સાચું શું છે એ તો તપાસનો વિષય છે. પોલીસ તપાસ પછી બહાર આવી શકશે.

નેતાઓને જૂતાં મારવા, શાહી ફેંકવી, સોશિયલ મીડિયા પર તેમના અંગત જીવન વિશે અણછાજતી ટિપ્પણીઓ કરવી– આ બધું જ તથાકથિત ક્રાંતિકારીઓના મગજની ઊપજ છે. આ જ રીતે સત્તાનો વિરોધ થઈ શકે, સત્તા સામે આ જ રીતે વર્તવું પડે એવી સૂફિયાણી વાતો તેઓ કરતા રહે છે અને લોકોને સરકાર સામે ઉશ્કેરતા રહે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આગ લાગે ત્યારે બધાં જ મકાનો ચપેટમાં આવી જાય છે. આપણે જૂતું ફેંકતાં શીખવીએ તો કોઈ આપણી ઉપર પણ ફેંકી જાય એવું ગોપાલને હવે થોડા સમયથી સમજાતું થયું હોવું જોઈએ, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે.

કોઈ પણ નેતા હોય, તેની સાથે આવું વર્તન ન થવું જોઈએ. હિંસા પાપ છે એવું પૂ. બાપુ કહી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં આપણને ગોપાલ સાથે એટલી જ સહાનુભૂતિ છે, જેટલી તેને પ્રદીપસિંહ જાડેજા સાથે હતી!

(શીર્ષક પંક્તિ ઇકોસિસ્ટમના જ પ્રિય શાયર રાહત ઈન્દોરીના એક શેરમાંથી ઉઠાવી લેવામાં આવી છે. ઇકોસિસ્ટમની જ શાયરીઓ તેમના જ માથે મારવાની તક ચૂકવી ન જોઈએ, એવા શુભ આશયથી.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં