
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામમાં 16 જાન્યુઆરી, 2026ની રાત્રે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂત સન્માન સભા દરમિયાન વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર એક અજાણ્યા શખ્સે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને જૂતું ગોપાલ ઈટાલિયા સુધી પહોંચ્યું નહીં.
સભા ચાલુ હતી અને ગોપાલ ઈટાલિયા મંચ પર ભાષણ આપી રહ્યો હતો તે સમયે એક વ્યક્તિ જૂતું ફેંકવાના ઇરાદાથી ઊભી થઈ હતી, પરંતુ તરત જ હાજર AAPના કાર્યકરોએ તેને પકડી લીધી અને પોલીસને હવાલે કરી દીધી. આ ઘટનાથી સભામાં થોડો હોબાળો મચી ગયો હતો, પરંતુ સ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ.
પોલીસે શખ્સની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે અને તેના ઇરાદા તેમજ પાછળના કારણોની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગોપાલે આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું અને AAP કાર્યકરોએ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી દીધી હતી.
નોંધનીય છે કે આ પહેલાં પણ ગોપાલને જૂતું પડ્યું હતું. ડિસેમ્બર 2025માં જામનગરમાં જૂતું ફેંકવાની ઘટના બની હતી, જેમાં છત્રપાલસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ થઈ હતી, જે કોંગ્રેસનો જ એક કાર્યકર્તા હતો. જાડેજાએ આને પ્રદીપસિંહ જાડેજા પર ઈટાલીયાએ ફેંકેલા જૂતાનો બદલો ગણાવ્યો હતો.
નોંધનીય છે કે 2017માં જ્યારે પ્રદીપસિંહ જાડેજા રાજ્યના ગૃહમંત્રી હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ ગાંધીનગર વિધાનસભા પરિસરમાં પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. એ સમયે ગોપાલ ઇટાલિયાએ આ કૃત્યને ‘વ્યવસ્થા સામેનો આક્રોશ’ ગણાવીને પોતાનો બચાવ કર્યો હતો જોકે હવે જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્ય (લોકપ્રતિનિધિ) છે, ત્યારે તેની સાથે પણ બરાબર એ જ પ્રકારની ઘટના બની છે.

