
NEET-UG 2026 પેપર લીક મામલે 29 જુલાઈના રોજ CBIએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટમાં તપાસ એજન્સીએ બે મુખ્ય રૂટનો ઉલ્લેખ કર્યો છે, જેના મારફતે પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા. એક રૂટ હતો મહારાષ્ટ્ર-રાજસ્થાન અને હરિયાણા અને બીજો રૂટ મહારાષ્ટ્ર-રાજસ્થાન-કેરળ. આ નેટવર્ક લિન્કથી દેશભરમાં પ્રશ્નો ફરતા કરવામાં આવ્યા હતા. એજન્સીએ આ નેટવર્કને ‘દેશવ્યાપી ષડ્યંત્રનો ભાગ’ ગણાવ્યું છે અને કહ્યું કે તેમાં નિષ્ણાત શિક્ષકો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સંચાલકો અને વચેટિયાઓ વગેરે સામેલ હતા.
દિલ્હીની ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં CBIએ કુલ 13 આરોપીઓ સામે નામજોગ આરોપો લગાવ્યા છે. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના (NTA) બાયોલોજી એક્સપર્ટ મનીષા મંઢારે, કેમિસ્ટ્રી એક્સપર્ટ પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સ એક્સપર્ટ મનીષા સંજય હવાલદારનાં પણ નામ છે. આ સિવાય લાતુરની જાણીતી રેણુકઈ કરિયર સેન્ટર (RCC) કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાંવકર અને પુણેની APMA કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના COO તેજસ હર્ષદકુમાર શાહનું નામ પણ સામે આવ્યું છે.
શિવરાજ મોટેગાંવકરની થઈ રહી છે વધુ તપાસ
આ રેકેટમાં 8 જેટલા વચેટિયાઓની સક્રિય ભૂમિકા સામે આવી છે, જેમાં મનીષા સંજય વાઘમારે, ધનંજય નિવૃત્તિ લોખંડે, શુભમ મધુકર ખૈરનાર, યશ યાદવ, માંગિલાલ બિવાલ, વિકાસ બિવાલ, દિનેશ બિવાલ અને ડૉ. મનોજ ભગવાનરાવ શિરૂરેનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીનું મુખ્ય ધ્યાન હાલ શિવરાજ મોટેગાંવકર પર કેન્દ્રિત છે, જેની RCC કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની શાખાઓ પુણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, સોલાપુર, કોલ્હાપુર અને અકોલા જેવાં મહારાષ્ટ્રનાં અનેક શહેરોમાં ફેલાયેલી છે.
CBI ચાર્જશીટને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસે પ્રકાશિત કરેલા એક રિપોર્ટ અનુસાર, મોટેગાંવકર આ સંગઠિત નેટવર્કનો સક્રિય સભ્ય હતો, જેણે NEET-UG 2026ના પ્રશ્નપત્રો મેળવવામાં અને તેને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે તેના પુત્ર અને ઇન્સ્ટિટ્યૂટના અન્ય વિદ્યાર્થીઓના ફાયદા માટે સહ-આરોપી ડૉ. મનોજ શિરૂરે મારફતે ₹5 લાખ ચૂકવીને કેમિસ્ટ્રીના પ્રશ્નો મેળવ્યા હતા. મોટેગાંવકરના ઘરની તપાસ દરમિયાન મળેલા ફોનમાંથી લીક થયેલા પ્રશ્નો અને તેના પોતાના અક્ષરોમાં લખેલી કેમિસ્ટ્રીના પ્રશ્નોની નોટ્સ મળી આવી હતી.
પરીક્ષાના 10 દિવસ પહેલાં લીક કર્યું હતું પેપર
મોટેગાંવકરના ‘સેમસંગ ફોલ્ડ 7’ મોબાઈલમાંથી કુલ 36 ઇમેજ રિકવર કરવામાં આવ્યા છે, જેમાં કેમિસ્ટ્રીના 132 હસ્તલિખિત પ્રશ્નો હતા. આ ફોટા પરીક્ષાના લગભગ 10 દિવસ પહેલાં, એટલે કે 23 એપ્રિલના રોજ પાડવામાં આવ્યા હોવાનું મેટાડેટા તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર, આમાંથી આશરે 111 પ્રશ્નો NTAના NEET-UG 2026ના માસ્ટર સેટના પ્રશ્નો સાથે સંપૂર્ણપણે મેચ થતા હતા.
આ ષડયંત્રમાં લાતુરમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા મેડિકલ પ્રેક્ટિશનર ડૉ. મનોજ શિરૂરેની ભૂમિકા પણ અત્યંત વિવાદાસ્પદ રહી છે. તેણે NTA એક્સપર્ટ પ્રહલાદ કુલકર્ણીના કહેવા પર આ પ્રશ્નપત્રો મેળવવામાં અને આગળ પહોંચાડવામાં મધ્યસ્થી કરી હતી. સામે આવ્યું છે કે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ડૉ. શિરૂરેની હોસ્પિટલના પરિસરમાં જ મોટેગાંવકરના પુત્રને આ કેમિસ્ટ્રીનું પેપર આપવામાં આવ્યું હતું. આ સિવાય શિરૂરેએ અન્ય બે તબીબોનાં બાળકો માટે પણ કુલકર્ણી પાસેથી ₹3-3 લાખમાં પ્રશ્નો અપાવ્યા હતા.
પરીક્ષાના કલાકો પહેલાં જ વૉટ્સએપ પર ફરી રહ્યા હતા સોલ્વ કરેલાં પેપર
CBIને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલકર્ણી 2021થી આરોપી ધનંજય લોખંડેના સંપર્કમાં હતો અને તેણે મનીષા વાઘમારે સાથે મળીને પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. મોટેગાંવકરની પત્નીએ ચૂકવેલી ₹5 લાખની રકમ ટ્રેસ કરીને ડૉ. શિરૂરેના પરિવારના એક સભ્યના ઘરેથી જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્ક અત્યંત ચોકસાઈથી પેપર નક્કી કરેલ લાભાર્થીઓ સુધી પહોંચાડતું હતું.
તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ પેપર લીકનો પ્રથમ ઔપચારિક પુરાવો કોઈ તપાસ એજન્સીને બદલે રાજસ્થાનના સીકરના કેમિસ્ટ્રી ટીચર શશિકાંત સુથારને મળ્યો હતો. તેમણે 7 મેના રોજ NTAને ઈમેલ કરીને જાણ કરી હતી કે પરીક્ષાના કલાકો પહેલાં જ સોલ્વ કરેલા પ્રશ્નો વોટ્સએપ પર ફરી રહ્યા હતા. 3 મેના રોજ પરીક્ષા પૂરી થયા બાદ તેમના મકાનમાલિકે બે PDF બતાવી હતી, જે મૂળ પેપર સાથે આબેહૂબ મળતી આવતી હતી. આ PDF મકાનમાલિકના પુત્રએ 2 મેની રાત્રે 11 વાગ્યે તેના રુમમેટ પાસેથી ₹30,000માં ખરીદી હતી.
હવે સમગ્ર મંડળી સામે ટ્રાયલ ચાલશે, જેના માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ રચી દીધી છે.

