
જૂન 2025ની અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટના મામલે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે તપાસ કરનારાઓ અને એરક્રાફ્ટ બનાવનાર કંપની બોઇંગ દ્વારા સીએટલ ખાતે કરવામાં આવેલાં અદ્યતન પરીક્ષણોમાં વિમાનની ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ કે તેની લૉકિંગ સિસ્ટમમાં કોઈ ખામી હોવાનું જણાયું નથી. જોકે હજુ સંપૂર્ણ ‘થ્રસ્ટ કન્ટ્રોલ મોડ્યુલ’ની તપાસ ચાલી રહી છે અને વિગતવાર રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. સરકારે કહ્યું કે વિગતવાર રિપોર્ટ તૈયાર થયા બાદ સાર્વજનિક કરવામાં આવશે. સાથે તપાસમાં વિલંબ થયો હોવાની વાતો પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નકારી દીધી અને કહ્યું કે આવા મોટા અકસ્માતના કેસોમાં તપાસમાં સમય લાગે છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં એક સાંસદના પ્રશ્નના જવાબમાં આ માહિતી જણાવી. જેમાં કહેવામાં આવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના આદેશ પર સીએટલમાં ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચનું ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) લેવલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્યુઅલ સ્વિચની વિગતવાર તપાસ કરવામાં આવી અને તેમાં કોઈ અસામાન્ય બાબત જણાઈ નથી. જોકે સંપૂર્ણ થ્રસ્ટ કન્ટ્રોલ મોડ્યુલની આગળની તપાસ હાલ OEM ફેસિલિટી ખાતે ચાલી રહી છે.
ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એ વિમાનના એન્જિનમાં ઇંધણ પહોંચાડતી કડી છે. જો આ સ્વિચ ‘કટ ઑફ’ પોઝિશન પર હોય એનો અર્થ એ કે એન્જિનને ઈંધણ પહોંચી રહ્યું નથી એટલે એન્જિન બંધ પડે. તેનાથી વિપરીત ‘રન’ પોઝિશનનો અર્થ થાય કે એન્જિનને ઈંધણ પહોંચી રહ્યું છે અને એ ચાલુ છે. બંને એન્જિન માટે અલગ-અલગ સ્વિચ હોય છે.
No Abnormality Found in AI-171 Fuel Switch, Govt Tells Parliament; Final Crash Report Awaited
— News18 (@CNNnews18) July 29, 2026
The Centre has informed Parliament that investigators found no defect in the fuel control switch or its locking mechanism on the Air India AI-171 aircraft that crashed last year,… pic.twitter.com/wx7Ekit8uW
ઘટના બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (AAIB) જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે વિમાને ટેક ઑફ કર્યા બાદની થોડી ક્ષણોમાં વિમાનની બંને ફ્યુઅલ સ્વિચ બંને વચ્ચે એક સેકન્ડના ગાળામાં ‘રન’માંથી ‘કટ ઑફ’ પોઝિશનમાં આવી ગઈ હતી. આ કારણે એન્જિનને મળતું ઇંધણ બંધ થઈ ગયું હતું. તે સમયે કોકપિટમાં એક પાયલટે બીજા પાયલટને સવાલ કર્યો હતો કે તેણે ફ્યુઅલ કેમ બંધ કર્યું, જેના જવાબમાં બીજા પાયલટે જણાવ્યું હતું કે તેણે કશું કર્યું નથી. સંપૂર્ણ પ્રશ્નાર્થ હવે આ ત્રણ-ચાર સેકન્ડની ઘટનાઓ પર છે, કે એ દરમ્યાન ખરેખર શું બન્યું હતું.
બીજી તરફ, તપાસમાં થતા વિલંબ મામલે પ્રશ્નોના જવાબ આપતાં સરકારે જણાવ્યું કે વિમાન દુર્ઘટના જેવી ગંભીર ઘટનાઓની તપાસ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી નથી કરી શકાતી. આ એક જટિલ પ્રક્રિયા છે જે ઘણાં પરિબળો પર આધાર રાખે છે. AAIB દ્વારા તમામ શક્ય પાસાંની તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

