
બુધવારે (29 જુલાઈ) ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના માણસોએ ચંદીગઢ અને મોહાલીની સરહદ પર પ્રદર્શન કર્યું હતું. તેમની માંગ છે કે NSA હેઠળ આસામની જેલમાં બંધ અમૃતપાલ સિંઘ અને અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવે. 29 જુલાઈની બપોરે પ્રદર્શનકારીઓએ ગુરુદ્વારા અંબ સાહેબથી પંજાબના રાજ્યપાલના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. જેમને શહેરમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે ચંદીગઢ-મોહાલી બોર્ડર પર ભારે બેરિકેડિંગ કરવું પડ્યું હતું.
જોકે પ્રદર્શનકારીઓએ બેરિકેડ કૂદીને આગળ વધવાના પ્રયાસ કરતાં પરિસ્થિતિ તંગ બની, જેના કારણે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વારિસ પંજાબ દેના માણસો ચંદીગઢના સેક્ટર 2 સ્થિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સરકારી નિવાસસ્થાનનો ઘેરાવ કરવા માંગે છે. સંગઠનના નેતા મનપ્રીત અયાલીએ દલીલ આપી કે અમૃતપાલ સિંઘ લોકો દ્વારા ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે અને તેને જેલમાં રાખવાથી તે તેની બંધારણીય ફરજો બજાવી શકતો નથી.
2023થી આસામની જેલમાં બંધ છે અમૃતપાલ સિંઘ
નોંધનીય છે કે અમૃતપાલ સિંઘ 23 એપ્રિલ 2023થી આસામની દિલબ્રુગઢ જેલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ બંધ છે. તેની વિરુદ્ધ UAPA હેઠળ પણ આરોપો લાગ્યા છે. 23 ફેબ્રુઆરી 2023ના રોજ પોતાના સાથીને છોડાવવા માટે અમૃતપાલ સિંઘે ટોળું લઈને પંજાબના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો અને મથક બાનમાં લીધું હતું. ત્યારબાદ પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ અમૃતપાલ સિંઘને પકડવા ઑપરેશન શરૂ કર્યું હતું.
ઘણા દિવસો સુધી ફરાર રહ્યા બાદ અમૃતપાલ પંજાબમાંથી જ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. જ્યાંથી તેને NSA હેઠળ આસામની જેલમાં મોકલી આપવામાં આવ્યો. અમૃતપાલ સાથે તેના અમુક સાથીઓને પણ જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારથી તે જેલમાં બંધ છે.
2024ની લોકસભા ચૂંટણી અમૃતપાલ સિંઘ જેલમાંથી પડ્યો હતો અને ખડૂર સાહિબ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરીને જીતી ગયો હતો, એટલે તે હાલ સાંસદ પણ છે. તેની NSA હેઠળ કરવામાં આવેલી અટકાયત એપ્રિલ 2024 અને એપ્રિલ 2025માં લંબાવવામાં આવી ચૂકી છે. આ નિર્ણય અમૃતપાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જે કેસ હાલ વિચારાધીન છે.
તાજેતરમાં જ અમૃતપાલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને સંસદ સત્રમાં ભાગ લેવાની માંગ કરી હતી, જોકે સ્પીકરે કોઈ નિર્ણય લીધો નથી કે અમૃતપાલને છૂટછાટ આપી નથી.

