સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતાર હવે આતંકવાદના ગુનાઓમાં દોષી ઠેરવાયો, આજીવન કેદ થઈ શકે

ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર 2022માં હુમલો કરવાના કેસમાં પકડાયેલા ઇસ્લામી કટ્ટરપંથી હાદી મતારને હવે અમેરિકાની ફેડરલ કોર્ટે આતંકવાદના ગુનામાં દોષી ઠેરવ્યો છે. ન્યૂ યોર્કની ફેડરલ જ્યુરીએ હાદીને વિદેશી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને સમર્થન આપવા, આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી પ્રવૃત્તિ આચરવા અને આતંકવાદીઓને મદદ પહોંચાડવા બદલ ગુનેગાર માન્યો છે.

હાદી મતારને લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના આતંકવાદીઓને મદદ પૂરી પાડવા અને અન્ય મટીરીયલ સપોર્ટ પૂરી પાડવા બદલ દોષી ઠેરવ્યો છે. હિઝબુલ્લાહ અમેરિકા, ઇઝરાયેલ, યુકે સહિતના ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.

આ અગાઉ વર્ષ 2025માં સ્ટેટ કોર્ટે હાદી માતરને હત્યાના પ્રયાસ બદલ 25 વર્ષની જેલ સાંભળવી હતી. હવે આતંકવાદના આ નવા કેસમાં દોષિત ઠર્યા બાદ તેને 3 નવેમ્બરે સજા સાંભળવવામાં આવશે. તેને આજીવન કેદની સજા થઈ શકે એવું અહેવાલો જણાવી રહ્યા છે. હાલ તે જેલમાં હુમલાના કેસમાં સજા કાપી રહ્યો છે.

હત્યાના પ્રયાસના કેસમાં સામે આવ્યું હતું કે હાદી મતારે સલમાન રશ્દીની 1988માં પ્રકાશિત થયેલી નવલકથા ‘ધ સેટાનિક વર્સીસ’ વિરુદ્ધ ઈરાનના સુપ્રીમ લીડરે બહાર પાડેલા ફતવાથી પ્રેરાઈને હુમલાને અંજામ આપ્યો હતો. તેણે એક વર્ષ કરતાં વધુ સમય સુધી ફતવા અંગે સંશોધન કર્યું અને પૂરેપૂરા આયોજન બાદ હુમલો કર્યો હતો. તેણે હિઝબુલ્લાહના પૂર્વ કમાન્ડરોનાં નામોનો ઉપયોગ કરીને એક નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યું હતું અને હુમલાના દિવસે પણ અલગ નામથી આઈડી બનાવીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યો હતો, જ્યાં સલમાન રશ્દી વ્યાખ્યાન આપવા જઈ રહ્યા હતા. તે પહેલાં તેણે સ્ટેજ પર ચડીને રશ્દી પર હુમલો કરી દીધો હતો.

સલમાન રશ્દી હુમલામાં બચી ગયા પણ એક આંખ ગુમાવવી પડી હતી. કોર્ટમાં સુનાવણી દરમ્યાન 79 વર્ષીય સલમાન રશદીએ પોતે સાક્ષી તરીકે હાજર રહીને તે ભયાનક ઘટનાનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમના પર છરી વડે 15 જેટલા ઘા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં તેમની જમણી આંખની દૃષ્ટિ જતી રહી અને શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકો અને સમયસર મળેલી તબીબી સહાયથી તેમનો જીવ બચ્યો હતો.

અમેરિકી તપાસ એજન્સી FBI અને સરકારી વકીલોએ કોર્ટને સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું આ કોઈ ઉશ્કેરાઈને, ક્ષણિક આવેગમાં આવીને આચરવામાં આવેલો ગુનો નહોતો પરંતુ આતંકવાદી વિચારધારાથી પ્રેરાયેલું એક સુનિયોજિત કાવતરું હતું.

ઉલ્લેખનીય છે કે 1988ની સલમાન રશ્દીની નવલકથા ‘ધ સેતાનિક વર્સીસ’ પર દુનિયાભરમાં વિવાદ થયો હતો અને અનેક ઇસ્લામી દેશોએ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં પણ રાજીવ ગાંધી સરકારે પ્રતિબંધ મુકવાની ઘોષણા કરી હતી પરંતુ વર્ષો પછી તાજેતરમાં જાણવા મળ્યું કે કાગળ પર આવો કોઈ પ્રતિબંધ ન હતો. હવે ભારતમાં આ પુસ્તક વેચાય છે. બીજી તરફ આ પુસ્તકના લીધે ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડરે રશ્દી વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો. આ ફતવો પરત લઈ લેવાયો હતો પણ તેનાથી પ્રેરાઈને હાદી મતારે વર્ષો બાદ 2022માં રશ્દી પર હુમલો કરી દીધો હતો.