લોકસભા બાદ હવે રાજ્યસભાએ પણ વક્ફ (સંશોધન) બિલ પસાર કરી દીધું છે. અહીં પણ લગભગ 13 કલાક સુધી ચર્ચા ચાલી. ત્યારબાદ મતદાન માટે રજૂ કરવામાં આવ્યું. આખરે રાત્રે 2:30 કલાકે બહુમતીથી બિલ પસાર કરવામાં આવ્યું. બિલના સમર્થનમાં 128 જ્યારે વિરોધમાં 95 મત પડ્યા. ત્યારબાદ બહુમતીથી બિલ પસાર કરી દેવામાં આવ્યું.
લોકસભાએ આ બિલ બુધવારે (2 એપ્રિલ) પસાર કરી દીધું હતું. ત્યારબાદ બીજા દિવસે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું હતું. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સવારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું, ત્યારબાદ ચર્ચા ચાલી.
ચર્ચામાં સમગ્ર દિવસ દરમિયાન પક્ષ-વિપક્ષના અનેક સાંસદોએ ભાગ લીધો. જેમાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે, સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્યસભામાં નેતા જેપી નડ્ડા, પૂર્વ મંત્રી કપિલ સિબ્બલ, ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી વગેરેનો પણ સમાવેશ થાય છે.
બિલ પર બપોરે 12 કલાકે શરૂ થયેલી ચર્ચા છેક રાત્રે 1 વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ પરંપરા અનુસાર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જવાબ રજૂ કર્યો હતો. મંત્રીના જવાબ બાદ બિલને મતદાન માટે રજૂ કરવામાં આવ્યું. લગભગ દોઢ કલાક સુધી તમામ સંશોધન પ્રસ્તાવો પર મતદાન થયા બાદ બિલ પસાર કરવા માટે વૉટિંગ થયું અને 128-95 વૉટથી પસાર કરી દેવામાં આવ્યું.
હવે આ બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એ એક્ટ બનશે. ત્યારબાદ મંત્રાલય ગેઝેટ બહાર પાડે એટલે નવો વક્ફ કાયદો અમલમાં આવી જશે. મોદી સરકારની આ વધુ એક સફળતા હશે.