
રશિયાથી ગુજરાત તરફ ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલા એક ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ કરવામાં આવી છે. યુકેના સત્તાધીશોએ આરોપ લગાવ્યો છે કે જહાજ રશિયન તેલ સંબંધિત પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. જોકે સામે આવેલી વિગતો સૂચવે છે કે વિવાદના કેન્દ્રમાં જહાજનું સંચાલન અને રજિસ્ટ્રેશન સંબંધિત મુદ્દાઓ છે, જ્યારે ભારતીય કેપ્ટન માત્ર કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
અહેવાલો અનુસાર 38 વર્ષીય અજય પંત MV Smyrtos નામના ઓઇલ ટેન્કરના કેપ્ટન હતા. 14 જૂને જહાજ ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે બ્રિટિશ રોયલ મરીન્સ અને નેશનલ ક્રાઇમ એજન્સીના અધિકારીઓએ તેને રોકીને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પંતને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
યુકેનો આરોપ છે કે જહાજ રશિયન તેલના પરિવહન સંબંધિત પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. આ કેસમાં દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોવાનું જણાવાયું છે.
મહત્વની વાત એ છે કે MV Smyrtos પહેલેથી જ યુકે અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોની યાદીમાં સામેલ હોવાનું કહેવાય છે. ઉપરાંત, જહાજ અગાઉ કેમરૂનના ફ્લેગ હેઠળ ચાલતું હતું, પરંતુ આ મહિનાની શરૂઆતમાં કેમરૂને તેને પોતાની રજિસ્ટ્રીમાંથી દૂર કરી દીધું હતું. એટલે કે કાર્યવાહી સમયે જહાજ પાસે માન્ય અને માન્યતા પ્રાપ્ત ફ્લેગ નહોતો.
શિપિંગ ઉદ્યોગના પ્રકાશન Lloyd’s List અનુસાર જહાજે 4 જૂને રશિયાના ઉસ્ત-લુગા ટર્મિનલ પરથી આશરે 1,01,400 ટન યુરલ્સ ક્રૂડ ઓઇલ ભર્યું હતું અને તે ગુજરાતના સિક્કા પોર્ટ તરફ જઈ રહ્યું હતું.
અજય પંતના વકીલ જેમ્સ ડાયમંડે કોર્ટમાં દલીલ કરી હતી કે પંત માત્ર પોતાના નોકરીના ભાગરૂપે ફરજ બજાવી રહ્યા હતા. જહાજ ક્યાં જવાનું છે, શું માલસામાન લઈ જવાનું છે અથવા કંપની કયા વ્યાપારી નિર્ણયો લે છે તેમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તેમણે કહ્યું કે પંત માત્ર કંપનીના આદેશોનું પાલન કરી રહ્યા હતા અને હવે તેઓ બ્રિટિશ કોર્ટમાં કેસનો સામનો કરી રહ્યા છે.
દરમિયાન ઉત્તરાખંડ સરકાર પણ સક્રિય થઈ છે. રાજ્યના ગૃહ વિભાગે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને પંતની મુક્તિ અને વતન વાપસી માટે સહાય માગી છે. યુકે સ્થિત ભારતીય હાઇકમિશનને પણ કાઉન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો છે.
પંતના પરિવારે દાવો કર્યો છે કે તેમની 15 વર્ષની સમુદ્રી કારકિર્દી નિષ્કલંક રહી છે અને તેઓ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી. તેમની પત્નીનું કહેવું છે કે તેઓ માત્ર કંપનીના નિર્દેશો અનુસાર જહાજનું સંચાલન કરી રહ્યા હતા.
આ સમગ્ર મામલામાં એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે જો જહાજના રજિસ્ટ્રેશન, ફ્લેગ સ્ટેટસ અથવા પ્રતિબંધોના પાલનમાં ખામી રહી હોય તો તેની જવાબદારી જહાજ સંચાલક કંપની પર વધુ આવે છે કે પછી જહાજના કેપ્ટન પર. હાલની સ્થિતિમાં ભારત સરકાર સીધી રીતે યુકેની કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને પંતને મુક્ત કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. જોકે ભારતીય દૂતાવાસ કાનૂની અને કાઉન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યો છે.
યુકે આ કાર્યવાહી ને રશિયાની કહેવાતી ‘શેડો ફ્લીટ’ સામેની મોટી સફળતા તરીકે રજૂ કરી રહ્યું છે. બ્રિટિશ વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે પણ આ ઑપરેશનને રશિયા સામેનો વધુ એક ફટકો ગણાવ્યો છે.

