હોમપેજદેશકોણ હતો ભરત તિવારી, જેના એનકાઉન્ટર પર બિહારમાં સર્જાયો વિવાદ: મુખ્યમંત્રી સમ્રાટ...

કોણ હતો ભરત તિવારી, જેના એનકાઉન્ટર પર બિહારમાં સર્જાયો વિવાદ: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કેમ આપવો પડ્યો ન્યાયિક તપાસનો આદેશ?

ફેસબુક લાઇવમાં પોલીસ પર ગોળી ચલાવતો જોવા મળ્યો હતો ભરત તિવારી. એનકાઉન્ટર બાદ રાજકારણ શરૂ થયું. આખરે મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા. વાંચો સમગ્ર મામલો શું છે.

- Advertisement -

બિહારના (Bihar) ભોજપુરમાં (આરા) પોલીસ એનકાઉન્ટરમાં માર્યા ગયેલા ભરત ભૂષણ તિવારી (Bharat Bhushan Tiwari) નામના શખ્સનો કેસ હાલ ચર્ચામાં છે અને હવે બિહાર પોલીસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કેસની ન્યાયિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઓ જોવા મળી છે. એક તરફ અમુક લોકો કહી રહ્યા છે કે પોલીસ પર ગોળી ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી જરૂરી હતી તો અમુક કહી રહ્યા છે કે તેણે આત્મસમર્પણ કરી દીધા બાદ પણ પોલીસે ગોળી શા માટે મારી?

આખા મામલાની શરૂઆત 15 જૂને થઈ હતી. ભરત તિવારીએ ફેસબુક પર એક પોસ્ટ કરીને દેશમાં ‘ક્રાંતિકારી યુદ્ધ’ શરૂ કરી દેવાની અને જગદીશપુર જિલ્લાના SDMનું એનકાઉન્ટર કરી દેવાની વાત કરી. પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ તો પોલીસ ભરતના ઘરે પહોંચી ગઈ. પહેલી વખત એ ન મળ્યો. પરિવારને જણાવ્યું છતાં પોલીસ મથકે પણ ન આવ્યો.

પોલીસ અનુસાર 16 જૂને તેમને જાણકારી મળી કે ભોજપુરમાં એક માણસ હથિયાર લઈને ફરી રહ્યો છે. આ ભરત ભૂષણ તિવારી જ હતો. તેની હથિયારો સાથે અમુક તસવીરો છે અને અહીં સુધી કે તેણે પોતે કરેલા ફેસબુક લાઈવમાં પણ બંદૂક લઈને ફરતો જોવા મળે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ ફરી એક વખત 16 જૂને ભરતની પૂછપરછ કરવા માટે તેના ઘરે ગઈ. ત્યારે પણ તેણે ફેસબુક લાઇવ કર્યું હતું અને જેમાં હાથમાં પિસ્તોલ જોવા મળે છે.

- Advertisement -

પોલીસ જ્યારે ઘરે પહોંચી તો ભરતે ફેસબુક લાઇવ શરૂ કરી દીધું. જેમાં તે પોલીસ સાથે હાથમાં હથિયાર લઈને વાતચીત કરતો જોવા મળે છે. સાથે તેણે લખ્યું, “તમે જુઓ કઈ રીતે બિહાર સીએમ અને બિહાર સરકારના અમુક માણસો SDMના ઈશારે મારું એનકાઉન્ટર કરવા માગે છે અને સાંભળવામાં આવ્યું છે કે હવે બહારથી ટીમ લાવીને મારું એનકાઉન્ટર કરવાની તૈયારી ચાલી રહી છે. હવે ભેડિયાઓ સિંહનો શિકાર કરશે… તો આવી જાઓ તમારી સાથે શિકાર-શિકારનો ખેલ કરીએ.”

આગળ તેણે લખ્યું, “તમે આ જોઈ લો, યુદ્ધ કરવા માટે આવી રીતે ઘણું ગુમાવવું પડે છે અને આ તો હજુ શરૂઆત છે, આગળ સમાજ અને દેશ માટે ઘણું ત્યાગવું પડશે કારણ કે દેશમાં ક્રાંતિ આમ જ નથી આવતી.”

ત્યારબાદ ભોજપુર પોલીસે X પર એક પોસ્ટ કરીને જાણકારી આપતાં કહ્યું કે ભરત માનસિક રીતે અસ્વસ્થ છે. તેની સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું કે ભરત પાસેથી હથિયાર જપ્ત કરવા માટે પણ પોલીસ કાર્યવાહી શરૂ કરી રહી છે.

ત્યારબાદ 17 જૂને ભરત તિવારીએ ફરી ફેસબુક લાઇવ કર્યું અને કહ્યું કે પોલીસ તેને પાગલ સાબિત કરવા માગે છે. આ વિડીયોમાં ભરત પોતાની સરખામણી ભગત સિંઘ સાથે કરતો જોવા મળે છે. વિડીયોમાં તે કહે છે, “આ લોકોને મારું પાગલપન બતાવું અને દોડાવી-દોડાવીને મારું.” ત્યારબાદ તે વિડીયોમાં તેના ઘરની બહાર ઉભેલા પોલીસકર્મીઓ પર ગોળી ચલાવી દે છે.

વિડીયોમાં ભરત સતત પોલીસકર્મીઓને મારવાની ધમકી આપે છે. એક વિડીયો સાથે તેણે લખ્યું, “દેશના ક્રાંતિકારી યુદ્ધમાં બિહાર પોલીસ પર ગોળી ચલાવી અને આ બધાનું હું એનકાઉન્ટર કરવા નીકળ્યો તો સા* ઊભી પૂંછડીએ ભાગ્યા.” વિડીયોમાં તે કહે છે કે પોલીસે તેને પોતાના જ ઘરમાં બંધ કરી દીધો છે.

થોડીવારમાં તે ઘરમાંથી નીકળી આવ્યો અને પોલીસકર્મીઓને એનકાઉન્ટરની ધમકીઓ આપવા માંડ્યો. ત્યારબાદ ગાળાગાળી કરતો રહ્યો. ફેસબુક પર પણ તેણે આ જ બધું ફરીથી લખીને વિડીયો એક પછી એક પોસ્ટ કર્યા.

થોડીવારમાં ભરત ફરીથી ફેસબુક પર લાઇવ આવ્યો. ત્યારે તે એક મેદાનમાં પોલીસની સામે ઉભો હતો. સતત તે પોલીસ તરફ બંદૂક તાંકી રહ્યો હતો. પોલીસે સરેન્ડર કરી દેવા માટે કહ્યું તો તેણે કહ્યું, “શાનું સરેન્ડર? અહીં યુદ્ધ થશે. કાં તમે બચશો કાં હું.” ત્યારબાદ ફરી એક વખત પોલીસકર્મીઓ પર ગોળી ચલાવી દીધી.

ત્યારપછી અંતિમ વખત ભરત ફેસબુક લાઇવ આવ્યો. 3:45 મિનિટના આ વિડીયોમાં તે કહે છે કે પોલીસ તેની માંગ માનવા તૈયાર છે અને મુખ્યમંત્રી સુધી તેની વાત પહોંચાડવામાં આવશે. આ વિડીયોમાં તે કહેતો સંભળાય છે કે તેને હથિયાર ફેંકી દેવામાં હવે કોઈ સમસ્યા નથી. આગળ કહે છે, “કોઈ નેતા, મંત્રી, ધારાસભ્ય કે અધિકારી લોકોને ખોટા વાયદા નહીં કરે અને જો કરશે તો કોઈ પણ સંજોગોમાં પૂરા કરવા પડશે. નહીં કરે તો મારા જેવા લોકોએ હથિયાર ઉઠાવવું પડશે.” ત્યારબાદ કહ્યું કે તેની માંગ પૂરી થવા જઈ રહી છે તો પોતે હથિયાર નાખી રહ્યો છે અને ત્યારબાદ પોલીસકર્મીઓ સામે હથિયાર ફેંકી દીધું.

ત્યારબાદ વિડીયો પૂર્ણ થઈ ગયો પણ સમાચાર આવ્યા કે ભરતનું એનકાઉન્ટર થઈ ગયું. આ ઘટનામાં પણ બે અલગ-અલગ દાવા થઈ રહ્યા છે.

પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “9 વાગ્યે પોલીસને જાણકારી મળી હતી કે ભરત ભૂષણ તિવારી હાથમાં પિસ્તોલ લહેરાવતો હવામાં ગોળીબાર કરી રહ્યો છે. પોલીસ અને એસટીએફ દ્વારા સતત આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું પણ તે પિસ્તોલથી સતત ગોળીબાર કરતો રહ્યો. જ્યારે જવાનો તેની તરફ આગળ વધ્યા તો પોલીસ પર સીધો ગોળીબાર કરી દીધો, ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું અને શખ્સને પગમાં ગોળી વાગી. સારવાર દરમ્યાન પટના PMCHમાં તેનું મોત થયું.”

પણ ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ભરત તિવારીએ હથિયાર ફેંકી દીધા બાદ પોલીસે દોડીને તેને પકડી લીધો. થોડે દૂર સુધી તેને લઈ ગયા અને ગોળી મારી દીધી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે પોલીસે ત્રણ ગોળી મારી હતી.

આ ઘટના પછી 18 જૂને ભરત તિવારીના મૃતદેહને હાઈવે પર મૂકીને હોબાળો મચાવવામાં આવ્યો. ગામલોકોએ હાઈવે જામ કરી દીધો અને તેમને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ હોબાળા મામલે 2 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં ભરતના પિતા કાશીનાથ તિવારી અને ભાઈ ચંદન તિવારી પણ આરોપી છે. તેમની સામે હથિયાર રાખવા અને સરકારી કામમાં રૂકાવટ પેદા કરવાની કલમો લગાવવામાં આવી છે. બીજી એક FIRમાં 14 નામજોગ અને 50ના ટોળા સામે હોબાળો મચાવવા બદલ, રસ્તો જામ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ વચ્ચે મામલાએ રાજકીય સ્વરૂપ પણ પકડ્યું. RJD નેતા તેજસ્વી યાદવે ‘ફેક એનકાઉન્ટર’ ગણાવીને કહ્યું કે પોલીસકર્મીઓએ આ પહેલાં પણ જાતિ જોઈને આવાં ફેક એનકાઉન્ટર કર્યાં છે. મામલો જાતિ પર જતાં અન્ય પાર્ટીઓ પણ કૂદી. ભાજપમાંથી પણ સવાલો ઉઠવાના શરૂ થયા. JDUએ પણ કાર્યવાહીની માંગ કરી.

આખરે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ શનિવારે (20 જૂન) મામલાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા. આ સમિતિની અધ્યક્ષતા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઘટનાનાં તમામ પાસાંની નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે તપાસ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પરથી શું જાણવા મળ્યું?

ભરત તિવારીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોતાં જાણવા મળે છે કે છેલ્લા ઘણા દિવસથી તે સોશિયલ મીડિયા પર આક્રમક વાતો લખી રહ્યો હતો. ક્રાંતિકારી યુદ્ધ શરૂ કરવાની વાતો કરતો હતો.

એક પોસ્ટમાં તેણે લખ્યું, “બિહારના CM અને આખી સિસ્ટમને મારો સંદેશ છે કે 2 દિવસમાં મને જણાવી દો કે તમામ ઘોષણાઓ અને વિકાસકાર્યો થશે કે નહીં. 2 દિવસમાં જો મને જાણ નહીં થાય કે તમામ વિકાસકાર્યો કરાવવામાં આવે કે નહીં તો તેના પછી આ દેશમાં ક્રાંતિકારી યુદ્ધની ઘોષણા કરી દેવામાં આવશે અને તેનો સમય પણ જણાવશે. જેમાં સૌથી પહેલા જગદીશપુરના SDMનું એનકાઉન્ટર થશે.”

તે પહેલાંની પણ અમુક પોસ્ટમાં તે અધિકારીઓના એનકાઉન્ટરની ધમકી આપી ચૂક્યો હતો. 7 જૂનની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ખાડાવાળા સ્થાન પર માટી નથી ભરાઈ. 2-4 દિવસ હજુ જોઈ લઉં નહીં તો જે ‘બોલી’થી નહીં માને તેને ‘ગોળી’થી મનાવવામાં આવશે. SDMનું એનકાઉન્ટર થશે.

અગાઉની નીતીશ કુમાર સરકાર વખતેની પણ ભરતની ઘણી પોસ્ટ જોવા મળે છે, જેમાં અમુકમાં આપત્તિજનક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

જોકે ગામના અમુક લોકો મીડિયામાં આવીને ભરતને તેમની સતત મદદ કરનાર યુવક તરીકે પણ ઓળખાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે ગામની સમસ્યાઓ ઉઠાવતો હતો અને સતત જિલ્લા તંત્રને ફરિયાદ પણ કરતો હતો, ગામમાં વીજળી-પાણીની સ્થિતિ માટે પણ ચર્ચા કરતો હતો.

આ બધી ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. એક વર્ગ કહે છે કે ભરતનું એનકાઉન્ટર થવું જોઈતું ન હતું અને પોલીસ સામે કાર્યવાહી જરૂરી છે. એક વર્ગ તેનાં ફેસબુક લાઇવ અને પોલીસ પર ગોળીબારની ઘટનાને ટાંકીને જણાવી રહ્યો છે કે તે એક ગુનેગાર હતો. હવે આગળની બાબતો ન્યાયિક તપાસમાં જ જાણવા મળશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં