
સુરતમાં આયોજિત ‘ઘર વાપસી’ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 47 આદિવાસી સમાજના સભ્યોએ ફરી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આ પરિવારોને સનાતન પરંપરામાં પુનઃસ્થાપિત કરવા માટે માંગરોળ રોડ પર આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વૈદિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પૂજારીઓ દ્વારા તમામ પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં કુલ 47 લોકો સામેલ થયા હતા, જેમાં 21 મહિલાઓ, 20 પુરુષો અને 6 બાળકોનો સમાવેશ થતો હતો. તમામ લોકોએ પૂજા-અર્ચનામાં ભાગ લઈને સનાતન ધર્મને સ્વીકાર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પરત ફરેલા તમામ લોકોએ વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ પણ લીધો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર આ પરિવારો પોતાની મૂળ પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ સાથે ફરી જોડાવાની ઇચ્છા વ્યક્ત કરીને આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
જલેબી હનુમાન દાદા મંદિર ખાતે યોજાયેલા આ ‘ઘર વાપસી’ કાર્યક્રમમાં વેદિક પરંપરા અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને પૂજા બાદ તમામ પરિવારોને સનાતન હિંદુ ધર્મમાં વિધિવત્ પુનઃપ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ‘ઘર વાપસી’ જેવા કાર્યક્રમો અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 47 આદિવાસીઓએ ફરી સનાતન ધર્મ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

