ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપતો દિલ્હી હાઇકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો

ઉન્નાવ રેપ કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને દિલ્હી હાઇકોર્ટે આપેલી રાહત પર સુપ્રીમ કોર્ટે કાતર ફેરવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટનો સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આદેશ રદ કરી દીધો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચે સોમવારે (29 ડિસેમ્બર) આ મામલે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હી હાઇકોર્ટમાંથી સેંગરને રાહત મળ્યા બાદ એજન્સી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જે મામલે હવે કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસો પણ ઇસ્યુ કરી છે.

કોર્ટે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે નીચલી કોર્ટના આદેશ પર કોઈને મુક્ત કરવામાં આવ્યો હોય તો તેને સાંભળ્યા વગર સુપ્રીમ કોર્ટ આદેશ પર રોક લગાવતી નથી. પણ આ કેસમાં આરોપી અન્ય એક કેસમાં જેલમાં બંધ છે, જેથી કેસનાં અમુક તથ્યોને જોતાં આદેશ પર રદ લગાવવામાં આવે છે.” કોર્ટે કહ્યું કે આ મામલામાં કાયદાના અમુક પ્રશ્નો છે, જેનો હલ જરૂરી છે.

કોર્ટમાં CBI તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા, જ્યારે કુલદીપ સેંગરના વકીલોએ એજન્સીની અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે આખરે દિલ્હી હાઇકોર્ટનો આદેશ સ્થગિત કરીને આગળની સુનાવણી મુકરર કરી છે.

ઉલ્લેખનીય છે કે કુલદીપ સેંગરને રેપ કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા હતા, પણ અન્ય એક કસ્ટોડિયલ ડેથના કેસમાં તે હજુ જેલમાં બંધ છે. જેથી બહાર આવી શક્યો ન હતો.