‘આ પર્વ વિધ્વંસના સ્મરણનું નહીં, હજાર વર્ષની યાત્રાનું’: સોમનાથમાં બોલ્યા પીએમ મોદી, હમીરજી ગોહિલ જેવા બલિદાનીઓને યાદ કર્યા

ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે. શૌર્યયાત્રામાં સામેલ થયા બાદ પીએમ મોદીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ સભાને સંબોધિત કરી હતી. તેમણે ‘જય સોમનાથ’ના જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. દરમિયાન તેમણે સોમનાથ પર થયેલા મજહબી હુમલાઓને પણ યાદ કર્યા હતા અને મંદિર તથા સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે વીરગતિ પામેલા અમર બલિદાનીઓને પણ યાદ કર્યા હતા. 

તેમણે નેહરુની નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મજહબી કટ્ટરપંથી આક્રાંતાઓને વાઇટવોશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને માત્ર એક ‘લૂંટારા’ ગણવામાં આવ્યા હતા, પણ તેઓ મજહબી ઉન્માદી હતા, જે સનાતન સભ્યતાનો નાશ કરવા આવ્યા હતા. તેમણે અમર બલિદાનીઓને યાદ કરતા કહ્યું કે રાજા કન્હડ દેવના પ્રયાસો, વીર હમીરજી ગોહિલનું પરાક્રમ અને વેગડાજી ભીલના શૌર્ય સાથેના ઇતિહાસ અને આવા અનેક નાયકો સોમનાથ સાથે જોડાયેલા છે. 

તેમણે કહ્યું કે આ પર્વ વિધ્વંસના સ્મરણનું નહીં, પણ હજાર વર્ષની પુનઃનિર્માણની યાત્રાનું છે. તેમણે રાજા કુમારપાળ, રાણી અહિલ્યાબાઈ જેવા શાસકોને પણ યાદ કર્યા હતા અને ગઝનીના હુમલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સોમનાથના આશીર્વાદથી ભારતને પણ વિકસિત બનાવવામાં આવશે. અંતે તેમણે ‘જય સોમનાથ’ જયઘોષ સાથે સંબોધન પૂર્ણ કર્યું હતું.