
સુપ્રીમ કોર્ટે સોમવારે (6 એપ્રિલ) કહ્યું છે જો રાજ્યની મશીનરી નિષ્ફળ જઈ રહી છે તો ચૂંટણી સમયે બંગાળમાં SIR અધિકારીઓને કથિત રીતે અપાયેલી ધમકી પર તે પોતે હસ્તક્ષેપ કરશે. SIRને પડકારતી અરજી પર સુનાવણી કરતા CJI સૂર્યકાંતે કહ્યું છે કે, “જો રાજ્યતંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે તો અમે વિચારીશું કે હવે શું કરવું.”
આ ઘટના માલદા જિલ્લામાં SIR પ્રક્રિયામાં સામેલ 7 ન્યાયિક અધિકારીઓને 9 કલાક સુધી કેદ કરી લેવાની ઘટના બાદ ઘટી છે. TMC અને AIMIM સાથે સંકળાયેલા કેટલાક લોકોએ ટોળુ એકઠું કરીને માલદામાં 7 જજોને કેદ કરી લીધા હતા, જેમાં ત્રણ મહિલા અધિકારીઓ પણ હતાં. 9 કલાક સુધી તેઓ કેદમાં રહ્યા હતા, તેમ છતાં બંગાળ પોલીસ કે રાજ્યતંત્ર તરફથી કોઈ સહાય આવી ન હતી.
આ ઘટના પર બાદમાં સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને તપાસ NIA સોંપી દીધી છે. આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ પણ મમતા સરકારની ઝાટકણી કાઢી હતી અને ચેતવણી પણ આપી હતી. હવે બીજી વખત રાજ્યની મશીનરી પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ચેતવણી આપી છે.

