કેશકાંડમાં ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામું, ભ્રષ્ટાચારના આરોપોની તપાસ વચ્ચે પદ છોડ્યું: રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. આ પગલું તેમણે ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેઓ એક મોટા કેશ વિવાદમાં (કેશ કાંડ) ફસાયેલા છે. હાલમાં તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા ગંભીર આરોપોની આંતરિક તપાસ ચાલી રહી છે.

જસ્ટિસ યશવંત વર્મા તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે દિલ્હી સ્થિત તેમના આવાસ પર ભારે માત્રામાં સળગેલી ચલણી નોટો મળી આવી હતી. આ ઘટના પછી હડકંપ મચી ગયો હતો અને તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઊભા થયા હતા. આ જ વિવાદને કારણે તેમની દિલ્હી હાઇકોર્ટથી ફરી અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલી કરી નાખવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ 5 એપ્રિલ 2025ના રોજ શપથ લીધા હતા, પરંતુ કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ તેમણે પદ છોડી દીધું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જસ્ટિસ યશવંત વર્માએ લખ્યું છે કે, “આપના પ્રતિષ્ઠિત કાર્યાલય પર તે કારણોનો બોજ નથી નાખવો જેના કારણે મારે આ પત્ર લખવો પડ્યો છે, પરંતુ દુઃખ સાથે હું અલ્હાબાદ હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશના પદ પરથી તત્કાલ અસરથી મારું રાજીનામું આપું છું.”

આ રાજીનામાં સાથે જ Judges (Inquiry) Act, 1968 હેઠળ ચાલી રહેલી કાર્યવાહી અસરકારક રીતે સમાપ્ત થઈ જશે, કારણ કે ન્યાયાધીશે પદ છોડ્યા પછી સંસદના મારફતે હટાવવાની પ્રક્રિયા લાગુ રહેતી નથી. જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ઑગસ્ટ 2025માં લોકસભામાં પ્રસ્તાવ સ્વીકાર થયા પછી હટાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી અને ઓમ બિરલા દ્વારા ગઠિત ત્રણ સભ્યોની તપાસ સમિતિ આરોપોની તપાસ કરી રહી હતી.

તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ હજુ પૂરી થઈ નથી. હાલ તેમના રાજીનામાંને આ તપાસ અને વિવાદો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રપતિ પાસે રાજીનામું પહોંચ્યા પછી આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.