Thursday, July 10, 2025
More

    ઈરાને વિશેષરૂપે ભારત માટે એરસ્પેસ ખોલ્યા બાદ પ્રથમ ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી, વિદ્યાર્થીઓએ કહ્યું– સરકારે અમારા માટે ઘણું કર્યું, પીએમ મોદીનો આભાર 

    ઈરાનમાં (Iran) યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students) લઈને પહેલી ફ્લાઈટ શુક્રવારે (20 જૂન) રાત્રે દિલ્હી લેન્ડ થઈ હતી. ઑપરેશન સિંધુ હેઠળ આ ફ્લાઈટો ચલાવવામાં આવી રહી છે. શનિવારે બીજી બે ફ્લાઈટ ઈરાનથી દિલ્હી પહોંચશે. 

    શુક્રવારે રાત્રે પહેલી ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થયા બાદ ‘હિંદુસ્તાન જિંદાબાદ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં આવ્યા હતા. જેઓ પરત ફર્યા તેમણે ભારત સરકારની, સરકારના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, સરકારે અમારા માટે ઘણું કર્યું છે. પોતાના વતન પરત ફરવાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. ઘણાએ પીએમ મોદીનો પણ વ્યક્તિગત આભાર વ્યક્ત કર્યો. 

    આમ તો ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં બંને તરફે મિસાઇલ મારો ચાલી રહ્યો હોવાના કારણે ઈરાનની એરસ્પેસ આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બંધ કરવામાં આવી છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપે છૂટ આપવામાં આવી છે અને સીધી ઈરાનથી ભારતની ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે. આ જ વ્યવસ્થાના ભાગરૂપે શુક્રવારે પ્રથમ ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી હતી. 

    ઈરાનમાં કુલ ચાર હજાર ભારતીયો રહે છે, જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ છે. જેઓ પરત આવવા માંગે છે તેમને ઑપરેશન સિંધુ હેઠળ સરકાર પરત લાવશે. ઉપરાંત ઇઝરાયેલથી પણ જેઓ પરત આવવા માંગે છે તેમને આ ઑપરેશન હેઠળ ભારત લાવવામાં આવશે.