અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહ માટેની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ સમાચાર આવ્યા છે કે તેમની વિરુદ્ધ ચાલતા એક કેસમાં ટ્રમ્પને 10 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે.
આ કેસ હશ મની મામલેનો છે, જેમાં ટ્રમ્પ ઉપર 2016ની ચૂંટણી પહેલાં એક પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે કરોડો ડોલર આપ્યા હોવાનો આરોપ છે. આ રકમ 1 લાખ 30 હજાર ડૉલર હોવાનું કહેવાય છે. જોકે, ટ્રમ્પ આ આરોપોને નકારતા આવ્યા છે. હવે અહીં મોં બંધ રાખવા માટે પૈસા આપવા તે ત્યાંના કાયદામાં કોઇ ગુનો નથી, પણ આરોપ એવો છે કે આ રકમની ચૂકવણી માટે બિઝનેસ રેકોર્ડ્સમાં ગોટાળો કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પને 10 જાન્યુઆરીના રોજ વ્યક્તિગત કે વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે, જે જજ આદેશ આપશે તેમણે પહેલાં જ સંકેત આપી દીધા છે કે તેઓ રાષ્ટ્રપતિને જેલની સજા સંભળાવશે નહીં અને બિનશરતી છુટકારો આપશે. પરંતુ તેનાથી એટલું થશે કે ટ્રમ્પ કોઈ ગુનામાં ગુનેગાર ઠેરવાયા બાદ રાષ્ટ્રપતિ બનશે.
નોંધવું જોઈએ કે 20 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.