વૉટ્સએપ બાદ હવે ટેલિગ્રામ-સિગ્નલને પણ કેન્દ્રની નોટિસ: યુઝરનેમ ફીચર અંગે માગ્યો જવાબ, ઝોહો અરાટ્ટાઈએ સ્વેચ્છાએ લીધો નિર્ણય

વૉટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચરને લઈને કાર્યવાહી શરૂ કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ મોકલી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે (MeitY) બંને પ્લેટફોર્મ્સ પાસેથી સ્પષ્ટતા માગી છે કે ફોન નંબર જાહેર કર્યા વિના મેસેજિંગની સુવિધાથી ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ અને ઇમ્પર્સોનેશન જેવા ગુનાઓને રોકવા માટે તેઓ કયા સુરક્ષા પગલાં અપનાવી રહ્યાં છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિગ્રામને મોકલાયેલી નોટિસમાં ખાસ કરીને પૂછવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ પર પહેલેથી ઉપલબ્ધ યુઝરનેમ ફીચરને ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે. સરકારનું માનવું છે કે આવા ફીચરનો ઉપયોગ કરીને ઠગો પોતાની ઓળખ છુપાવી લોકોને સરળતાથી નિશાન બનાવી શકે છે, જ્યારે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે તેમની ઓળખ સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની શકે છે.

આ પહેલાં 1 જુલાઈએ મંત્રાલયે વૉટ્સએપને નોટિસ મોકલી હતી. તેમાં કંપનીને ભારતમાં યુઝરનેમ ફીચરનો અમલ હાલ પૂરતો સ્થગિત રાખવા અને સરકાર સાથેની ચર્ચા પૂર્ણ થાય ત્યાં સુધી તેને લાગુ ન કરવા જણાવાયું હતું. નોટિસમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ અને 2021ના આઈટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરી તરીકેની જવાબદારીઓની પણ યાદ અપાવવામાં આવી હતી.

વૉટ્સએપે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે યુઝરનેમ ફીચરમાં અજાણ્યા એકાઉન્ટ્સનો સંપર્ક મર્યાદિત કરવા, વિદેશી અથવા અજાણી ઓળખ ધરાવતા એકાઉન્ટ્સ અંગે ચેતવણી આપવા સહિતના અનેક સુરક્ષા ઉપાયો સામેલ કરવામાં આવ્યા છે.

ભારત વૉટ્સએપ માટે સૌથી મોટું બજાર છે, જ્યાં તેના 50 કરોડથી વધુ યુઝર્સ છે. આ કારણે સરકારની કાર્યવાહી પર સમગ્ર ટેક ઉદ્યોગની નજર છે.

આ દરમિયાન ભારતીય કંપની ઝોહોના મેસેજિંગ પ્લેટફોર્મ અરાટ્ટાઈએ સરકારના બદલાતા નિયમનકારી વલણને ધ્યાનમાં રાખીને પોતાનું યુઝરનેમ આધારિત એકાઉન્ટ ફીચર સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઝોહોના ચીફ સાયન્ટિસ્ટ શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીએ નિયમનકારી ફેરફારોને અનુરૂપ રહેવા માટે આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટેલિગ્રામ પણ સરકારની નજર હેઠળ રહ્યું છે. નીટ પરીક્ષાના પેપર લીક અને અન્ય છેતરપિંડી સંબંધિત મુદ્દાઓને લઈને તેના પર અગાઉ અસ્થાયી પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. હવે યુઝરનેમ ફીચરને લઈને પણ સરકાર તેની પાસેથી વિગતવાર જવાબ માંગે છે.

વૉટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલને મોકલાયેલી નોટિસથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર યુઝર્સની પ્રાઇવસી અને સાયબર સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે પ્રાઇવસીના નામે ઇમ્પર્સોનેશન, ડિજિટલ ઠગાઈ અથવા કાયદા અમલીકરણમાં અવરોધ ઊભો કરે તેવી કોઈપણ વ્યવસ્થાને છૂટછાટ આપવામાં આવશે નહીં. હવે ત્રણેય પ્લેટફોર્મ્સના જવાબ અને સરકાર સાથેની આગામી ચર્ચાઓ પર સૌની નજર રહેશે.