
ગયા વર્ષે મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાના મામલે સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી પત્ની સોનમ રઘુવંશીના જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. મેઘાલય સરકારે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના નિર્ણયમાં દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેઓ શરૂઆતમાં જામીન પર સ્ટે આપવા કે તેને રદ કરવા માટે સંમત હતા. પરંતુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જ્યારે કોર્ટને જણાવ્યું કે આરોપી સોનમ રઘુવંશી જેલમાંથી મુક્ત થઈ ચૂકી છે, ત્યારે કોર્ટે પોતાનું વલણ નરમ રાખ્યું હતું. બેન્ચે અવલોકન કર્યું કે આરોપી ઓલરેડી બહાર હોવાથી તેઓ આ તબક્કે વધુ કડક થવા માંગતા નથી.
Supreme Court refuses to stay the bail granted to key accused Sonam Raghuvanshi in the murder of her husband Raja Raghuvanshi. pic.twitter.com/qANF7eDugQ
— ANI (@ANI) July 3, 2026
કોર્ટમાં સોનમના વકીલે દલીલ કરી હતી કે કેસમાં હવે કોઈ નવી રિકવરી બાકી નથી અને તે કોર્ટની તમામ કડક શરતોનું પાલન કરી રહી છે. આ સાંભળીને સુપ્રીમ કોર્ટે બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવાની વાત કહીને કેસની ટ્રાયલ નીચલી અદાલતમાં ચાલુ રાખવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શિલોંગની ટ્રાયલ કોર્ટે સોનમને જામીન આપ્યા હતા કારણ કે પોલીસ ધરપકડના દસ્તાવેજોમાં હત્યાની સાચી કલમ લગાવવામાં નિષ્ફળ રહી હતી. પોલીસે કલમ 103(1)ના બદલે ભૂલથી બીજી જ કલમ લખી દીધી હતી, જેને હાઇકોર્ટે પણ પોલીસની મોટી બેદરકારી ગણાવી સોનમના જામીન યથાવત રાખ્યા હતા.

