
બિહારના ‘ખાન સર’ તરીકે ઓળખાતા શિક્ષક ફૈઝલ ખાનના કોચિંગ સેન્ટર પર થયેલા વિવાદ મામલે એક નવો વળાંક આવ્યો છે. ખાને જે જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટરના રૌશન આનંદ વિરુદ્ધ FIR નોંધાવી હતી તેના ભાઈ પ્રિન્સનું મોત થયું છે. તે નેપાળની એક હોટલમાં રોકાયેલો હતો. રવિવારે સવારે તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા. ખાન કોચિંગ સેન્ટર સંબંધિત વિવાદમાં પ્રિન્સ પણ એક આરોપી હતો.
આ મામલે નેપાળ પોલીસે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે અને મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે. તેના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળશે. જેમની અટકાયત કરવામાં આવી છે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
અહેવાલો અનુસાર પટનામાં કોચિંગ સેન્ટરો વચ્ચે વિવાદ થયા બાદ અને કેસમાં પોતાનું પણ નામ આવ્યા બાદ પ્રિન્સ નેપાળ જતો રહ્યો હતો અને ત્યાં એક હોટેલમાં રોકાયો હતો. નેપાળના બિરાટનગરની એક હોટેલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ એ ચકાસી રહી છે કે મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેમાં કોઈ ક્રિમિનલ એન્ગલ છે કે કેમ.
પટનાનાં કોચિંગ સેન્ટરો ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ અને ‘જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટર’ વચ્ચેના વિવાદમાં તાજેતરમાં ખાનના કોચિંગ સેન્ટર બહાર ધમાલ થઈ હતી. પહેલાં ફૈઝલ ખાને ફાયરિંગ થયું હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ફેરવી તોળ્યું. પછીથી એક વિડીયો સામે આવ્યો જેમાં ખાન કોચિંગ સેન્ટરના જ બે ગાર્ડ ફાયરિંગ કરતા દેખાયા હતા. તેમની ધરપકડ કરીને પૂછપરછ કરતાં બંનેએ ફૈઝલ ખાનનું નામ આપ્યું હતું, ત્યારબાદ પોલીસે ખાન સામે પણ ગુનો દાખલ કર્યો હતો. જોકે ખાને કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતાં કોર્ટે તેને મંજૂરી આપી હતી એટલે હાલ તે બહાર છે.
ખાને જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટરના રૌશન આનંદ અને તેના ભાઈ પ્રિન્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આનંદની ધરપકડ કરી હતી. પ્રિન્સ બહાર હતો, જેનું હવે મોત થયું છે.

