રાજકારણમાં પ્રાસંગિક રહેવા માટે બે રસ્તા હોય છે. એક રસ્તો છે લોકો માટે કામ કરવાનો, જનતાના પ્રશ્નો ઉઠાવવાનો, પોતાના પક્ષને મજબૂત કરવાનો અને મતદારોનો વિશ્વાસ જીતવાનો. બીજો રસ્તો છે સવારે ઊઠીને કેમેરા સામે બેસી જવાનું અને એવો કઈક બફાટ કરી દેવાનો કે દિવસભર ન્યુઝ ચેનલો પર પોતાનું નામ ફરતું રહે. પહેલો રસ્તો મહેનત માગે છે, બીજો માત્ર માઇક. સંજય રાઉત વર્ષોથી બીજા રસ્તાના મુસાફર રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે પહેલાં તેમના નિવેદનો સાંભળીને લોકો હસતા હતા, હવે એવું લાગે છે કે આ બધું બોલવામાં આવે છે કારણ કે ધ્યાન ખેંચવાનો બીજો કોઈ રસ્તો બચ્યો જ નથી.
આ વખતે પણ સંજય રાઉતે કંઈક એવું જ કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનજનક ભાષામાં અઘોરી ગણાવ્યા. તેમને ભારતીય રાજકારણના સૌથી ક્રૂર વ્યક્તિ તરીકે વર્ણવ્યા. પછી વાતને ત્યાં સુધી ખેંચી ગયા કે ઔરંગઝેબ સાથે સરખામણી કરી નાખી અને જાણે આ બધું પૂરતું ન હોય તેમ એક નવી દલીલ પણ મૂકી દીધી કે મોદી અને ઔરંગઝેબ બંને ગુજરાતની માટીના છે. આ નિવેદન સાંભળ્યા પછી પહેલો સવાલ એ થાય કે આખરે મોદી પ્રત્યેનો દ્વેષ માણસને ક્યાં સુધી લઈ જઈ શકે?
Pune, Maharashtra: On PM Modi, Shiv Sena (UBT) MP Sanjay Raut says, "Such an 'aghori' person has never been born in Indian politics. Such a cruel person has never been born. Great leaders like Pandit Jawaharlal Nehru, Indira Gandhi, Lal Bahadur Shastri, P.V. Narasimha Rao, Rajiv… pic.twitter.com/qaktbfo4Ec
— IANS (@ians_india) June 13, 2026
કારણ કે આ પહેલીવાર નથી. વર્ષોથી આ ઇકોસિસ્ટમની એક વિચિત્ર પેટર્ન જોવા મળે છે. નરેન્દ્ર મોદીને સીધા રાજકીય રીતે ઘેરી ન શકાય તો ગુજરાતને વચ્ચે લાવો. અમિત શાહને નિશાન બનાવવા હોય તો ગુજરાતને વચ્ચે લાવો. કોઈ મોટું રોકાણ ગુજરાતમાં આવે તોપણ ગુજરાતને વચ્ચે લાવો. કોઈ ઉદ્યોગપતિ ગુજરાતમાં ફેક્ટરી નાખે તો ગુજરાતને વચ્ચે લાવો. કોઈ ચૂંટણીમાં ગુજરાત ભાજપને જંગી બહુમતી આપે તો ગુજરાતના મતદારોને જ કઠેડામાં ઊભા કરી દો. જાણે આ આખી ઇકોસિસ્ટમ માટે ભારતનો સૌથી મોટો અપરાધ એ હોય કે મોદી અને શાહનો જન્મ ગુજરાતમાં થયો.
મોદીનો વિરોધ કરતા-કરતા ગુજરાત સુધી પહોંચી ગયો દ્વેષ
આખરે નરેન્દ્ર મોદી સાથે લડતા-લડતા વિરોધીઓ વારંવાર ગુજરાત સુધી કેમ પહોંચી જાય છે? આ પ્રશ્ન આજે ફરી પૂછવાની જરૂર છે. કારણ કે આ પહેલીવાર નથી. વિપક્ષના નેતાઓ અને તેમની આ ઇકોસિસ્ટમ છેલ્લા ઘણા વર્ષોથી એક વાત સાબિત કરવામાં લાગેલી છે કે તેમને મોદી કરતાં પણ વધારે સમસ્યા ગુજરાત સાથે છે. કારણ કે જ્યાં-જ્યાં મોદીનું નામ આવે છે, ત્યાં-ત્યાં ગુજરાતને ઘસડી લાવવાની એક વિચિત્ર ઉત્તેજના દેખાય છે. મહારાષ્ટ્રમાં કોઈ પ્રોજેક્ટ ન મળે તો ગુજરાત જવાબદાર. કોઈ કંપની રોકાણ ખસેડે તો ગુજરાત જવાબદાર. ચૂંટણીમાં હાર થાય તો ગુજરાત જવાબદાર. અર્થતંત્રમાં સ્પર્ધા વધી જાય તો ગુજરાત જવાબદાર.
ગુજરાત કોઈ એક રાજકારણીનું નામ નથી. ગુજરાત કરોડો ગુજરાતીઓનું ઘર છે. ખેડૂતોનું છે, વેપારીઓનું છે, ઉદ્યોગસાહસિકોનું છે, શ્રમિકોનું છે, સૈનિકોનું છે. પરંતુ જ્યારે રાજકીય દ્વેષ આંખ પર પટ્ટી બાંધી દે ત્યારે આખો પ્રદેશ પણ નિશાન બની જાય છે અને કદાચ એ જ કારણ છે કે સંજય રાઉત જેવા નેતાઓ વારંવાર ગુજરાત સુધી પહોંચી જાય છે.
‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો હતો’, તો શું?
સંજય રાઉતના આ અપમાનજનક નિવેદનનો સૌથી હાસ્યાસ્પદ ભાગ તો ઔરંગઝેબને ગુજરાતી ગણાવવો છે. સંજય રાઉતનું નિવેદન એ જ માનસિકતામાંથી જન્મેલું છે. કારણ કે જો કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન તેના જન્મસ્થળ પરથી થવાનું હોય તો પછી દુનિયામાં કોઈ પણ તર્ક બચતો નથી.
કદાચ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. એ ઇતિહાસ હોય શકે છે. પરંતુ એ જ ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ જન્મ્યા હતા. એ જ ગુજરાતે અસંખ્ય મહાપુરુષો આપ્યા. એ જ ગુજરાતે વિક્રમ સારાભાઈ આપ્યા. એ જ ગુજરાતે શ્યામજી કૃષ્ણવર્મા આપ્યા. એ જ ગુજરાતે દયાનંદ સરસ્વતી અને અસંખ્ય સંતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્રભક્તો આપ્યા. તો પછી કોઈ એક વ્યક્તિના જન્મને આધારે આખી માટીનું પ્રમાણપત્ર આપી દેવાનો તર્ક ક્યાં સુધી ચાલશે?
ગુજરાતીઓએ ક્યારેય ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો હતો એનો ગર્વ લીધો નથી. કોઈ ગુજરાતી પોતાના બાળકને શાળામાં મોકલતાં પહેલાં ઔરંગઝેબની આરતી ઉતારતો નથી. કોઈ ગુજરાતી રાજકીય સભામાં ઔરંગઝેબના પોસ્ટર લઈને ફરતો નથી. કોઈ ગુજરાતી માટે ઔરંગઝેબ ગૌરવનું પ્રતીક નથી.
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ એ કારણે તે ગુજરાતની ઓળખ બની જતો નથી. સરદાર પટેલ ગુજરાતના છે કારણ કે તેમણે આ ભૂમિની અસ્મિતા અને ખુમારી જીવી હતી. દયાનંદ સરસ્વતી ગુજરાતના છે કારણ કે તેમણે અહીંના સંસ્કારોને વિશ્વ સુધી પહોંચાડ્યા હતા. શ્યામજી કૃષ્ણવર્મા ગુજરાતના છે કારણ કે તેમણે રાષ્ટ્રવાદની જ્યોત પ્રગટાવી હતી. ઔરંગઝેબનો ગુજરાત સાથેનો સંબંધ માત્ર જન્મનો છે, લોહીનો નહીં, તેનું લોહી ઇસ્લામી આતતાયીનું છે. ઔરંગઝેબને ગુજરાતની ધરતી સાથે એટલો જ સંબંધ છે જેટલો અંગ્રેજોનો ભારતની ધરતી સાથે હતો.
હકીકતમાં આ તર્ક એટલો હાસ્યાસ્પદ છે કે જો એ જ ધોરણ લાગુ કરવામાં આવે તો ઘણા લોકોને અસ્વસ્થતા થઈ શકે. જો જન્મસ્થળ જ ચરિત્રનું પ્રમાણપત્ર હોય તો પછી ચર્ચા બીજી દિશામાં પણ જઈ શકે. દાઉદ ઇબ્રાહિમ મહારાષ્ટ્રમાં જન્મ્યો હતો. હવે શું મહારાષ્ટ્રના દરેક નેતાની સરખામણી દાઉદ સાથે શરૂ કરી દેવી? શું સંજય રાઉત આ લૉજિક સ્વીકારશે? કે પછી આવા તર્ક માત્ર ગુજરાત માટે જ અનામત રાખવામાં આવ્યા છે?
દરેક સમજદાર વ્યક્તિ જાણે છે કે વ્યક્તિના કર્મ અને વિચારધારા તેના જન્મસ્થળ કરતાં વધારે મહત્વના હોય છે. પરંતુ જ્યારે રાજકીય દ્વેષ વિવેક પર હાવી થઈ જાય ત્યારે આવી પ્રાથમિક સમજ પણ ગાયબ થઈ જાય છે. હકીકતમાં આ દલીલ એટલી નબળી છે કે તેનો જવાબ તર્કથી ઓછો અને હાસ્યથી વધારે આપી શકાય. પરંતુ દુર્ભાગ્ય એ છે કે દેશના એક ‘વરિષ્ઠ નેતા’ના મોઢેથી આવી વાતો બહાર આવે છે.
આ ઘટના માત્ર સંજય રાઉતના એક નિવેદનની નથી. આ એક મોટી રાજકીય માનસિકતાનો અરીસો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉદ્ધવ ઠાકરે ગેંગને રાજકીય ભીંસ પડી છે, ત્યારે વારંવાર ગુજરાતનું નામ ચર્ચામાં ખેંચવામાં આવ્યું છે. ક્યારેક ઉદ્યોગો ગુજરાત જઈ રહ્યા હોવાની ફરિયાદ, ક્યારેક પ્રોજેક્ટોના નામે રાજકીય આરોપો, ક્યારેક ગુજરાતને વિશેષ લાભ મળતો હોવાની વાત. જાણે મહારાષ્ટ્રની દરેક સમસ્યાનું મૂળ કારણ ગુજરાત હોય. આ દલીલો પાછળનો રાજકીય હિસાબ સરળ છે. મોદી અને શાહ ગુજરાતના છે, એટલે ગુજરાતને નિશાન બનાવો.
‘અઘોરી’ ગાળો છે કે સનાતન પ્રત્યેનો તિરસ્કાર?
આ આખા પ્રકરણનો બીજો વિવાદિત ભાગ છે અઘોરી શબ્દનો ઉપયોગ.
રાઉતે આ શબ્દ પ્રશંસા તરીકે નથી વાપર્યો. તેમણે તેને અપમાન તરીકે વાપર્યો. હવે સવાલ એ છે કે શું તેમને ખબર છે કે અઘોર પરંપરા શું છે? કે પછી સનાતન ધર્મની કોઈ પણ પરંપરાનું નામ ઉઠાવીને ગાળો તરીકે વાપરી દેવું હવે સામાન્ય બાબત બની ગઈ છે?
અઘોર પરંપરા સદીઓ જૂની છે. તેની પોતાની સાધના છે, પોતાનું તત્ત્વચિંતન છે. કોઈને મોદી પસંદ ન હોય તો રાજકીય ટીકા કરો. પરંતુ એક ધાર્મિક પરંપરાનું નામ જ અપમાનજનક વિશેષણ તરીકે વાપરવાનું શું દર્શાવે છે? જો અઘોરીને માત્ર રાક્ષસ, ક્રૂર અથવા ભયાનક જ ગણવામાં આવે છે તો દેવાધિદેવ શિવ વિશે રાઉતની શું માન્યતા હશે?
સનાતન વિશે ઉપદેશ આપનારા, સહિષ્ણુતાનાં બણગાં ફુંકનારા અને વિવિધતાનું જ્ઞાન આપનારા લોકો જ્યારે આવી ભાષા વાપરે છે ત્યારે તેમનો વાસ્તવિક ચહેરો દેખાઈ આવે છે.
બાળાસાહેબની શિવસેનાથી ઉદ્ધવ ગેંગ સુધી
એક સમયે એવી શિવસેના હતી જે ઔરંગઝેબનું નામ સાંભળતાં જ આક્રમક બની જતી હતી. ક્યારેક એવી શિવસેના હતી જે હિંદુ હિતોની વાત કરતી હતી. ક્યારેક એવી શિવસેના હતી જે પોતાના રાજકીય વિરોધીઓ સામે પણ હિંદુત્વના પ્રશ્ને સ્પષ્ટ અને અડીખમ ઊભી રહેતી હતી. આજે એ જ પરંપરાના વારસદાર હોવાનો દાવો કરતા લોકો એવી દલીલો કરી રહ્યા છે કે જેમાં ઔરંગઝેબનો ઉપયોગ ભાજપ વિરોધના સાધન તરીકે થાય છે, સનાતનની એક પરંપરાનું નામ ગાળો તરીકે વપરાય છે અને ગુજરાતને રાજકીય નિશાન બનાવવામાં આવે છે.
ઉદ્ધવસેના મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને રાજકારણ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી મરાઠી વિરુદ્ધ ગુજરાતીની સ્થિતિ ઊભી કરીને લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાનો ગુજરાતદ્વેષ કોઈનાથી છુપો તો છે નહીં. તેના નેતાઓ જ નહીં પરંતુ મુખપત્ર ‘સામના’ પણ અવાર-નવાર પોતાનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ ઠાલવતું નજરે પડ્યું છે.
2014માં પોતાના મુખપત્ર સામનામાં એક એડિટોરિયલમાં શિવસેનાએ ગુજરાતી ઉદ્યોગપતિઓ પર મુંબઈનું ‘વેશ્યાની જેમ’ શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. એ પણ પહેલીવાર નથી કે ઠાકરે ગેંગના નેતાઓએ ગુજરાતને રાજકીય નિશાન બનાવ્યું હોય. મુંબઈની ચૂંટણી નજીક આવે કે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું થાય ત્યારે અચાનક ગુજરાત ચર્ચાના કેન્દ્રમાં આવી જાય છે. હમણાં જ ઉદ્ધવ અને રાજ ઠાકરેએ એક જ મંચ પરથી દાવો કર્યો હતો કે મુંબઈ ગુજરાતને સોંપી દેવાઈ રહ્યું છે, ક્યારેક કહેવાય છે કે બધા ઉદ્યોગો ગુજરાત લઈ જવામાં આવી રહ્યા છે. વર્ષોથી આ જ સ્ક્રિપ્ટ અલગ-અલગ સ્વરૂપમાં રજૂ થતી રહી છે. એટલે જ સંજય રાઉતનું તાજેતરનું નિવેદન કોઈ અકસ્માત નથી, પરંતુ એ જ જૂની રાજકીય માનસિકતાનો નવો અવતાર છે.
સંજય રાઉતનું નિવેદન કદાચ બે દિવસ પછી લોકો ભૂલી જશે. પરંતુ આ નિવેદને ફરી એકવાર એક સત્ય બહાર લાવી દીધું છે. નરેન્દ્ર મોદી સામેનો વિરોધ હવે માત્ર નીતિઓનો વિરોધ રહ્યો નથી. ઘણા લોકો માટે તે દ્વેષમાં પરિવર્તિત થઈ ગયો છે અને જ્યારે દ્વેષ તર્કને ખાઈ જાય છે ત્યારે માણસ મોદીથી ગુજરાત સુધી પહોંચે છે, ગુજરાતથી ગુજરાતીઓ સુધી પહોંચે છે અને અંતે સનાતનની પરંપરાઓને પણ નિશાન બનાવવામાં સંકોચ અનુભવતો નથી.
અહીં એક વાત સ્વીકારવી પડે છે કે સંજય રાઉતના શબ્દો નરેન્દ્ર મોદી વિશે ઓછા અને સંજય રાઉત તથા તેમની રાજકીય ઇકોસિસ્ટમ વિશે વધુ કહી જાય છે.


