પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન પવિત્ર સંગમ સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સેવાકાર્યમાં અગ્રેસર રહેલા ઉદ્યોગસમૂહ અદાણી જૂથે હવે જગન્નાથ પુરીની પવિત્ર અને ઐતિહાસિક રથયાત્રા અગાઉ ફરીથી સેવાકાર્ય આરંભ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઓડિશાના જગન્નાથપુરી સ્થિત જગન્નાથ મંદિરે દર વર્ષે રથયાત્રા યોજાય છે. કુલ 9 દિવસ માટે મહોત્સવ આયોજિત કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે પહોંચે છે.
આ શ્રદ્ધાળુઓ તેમજ ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે અદાણી જૂથે સેવાકાર્યો શરૂ કર્યાં છે. જે 26 જૂનથી શરૂ કરીને 8 જુલાઈ સુધી ચાલશે.
આમાં 40 લાખ ફૂડ પેકેટ અને પીણાં નિઃશુલ્ક વિતરિત કરવામાં આવશે. અમુક ફૂડ કાઉન્ટરો શરૂ કરવામાં આવશે, જ્યાંથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવશે. સમગ્ર શહેરમાં ઠંડાં પીણાંનાં કાઉન્ટરો લગાવવામાં આવશે. આ સિવાય લાઈફગાર્ડની વ્યવસ્થા થશે. બીચ પર સાફસફાઈ માટે સ્વયંસેવકો મોકલવામાં આવશે અને ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ ન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. ભક્તો, કર્મચારીઓ માટે જેકેટ, રેનકોટ્સ, કેપ, છત્રી વગેરેની પણ પુરીત વ્યવસ્થા કરવામાં આવશે.
આ વખતે પણ અદાણી સમૂહે ઇસ્કોન અને સ્થાનિક સ્વયંસેવી સંગઠનો સાથે ભાગીદારીમાં આ સેવાકાર્ય ઉપાડ્યાં છે. સાથે પુરી જિલ્લા પ્રશાસન સાથે પણ સંકલન સાધવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહાકુંભ દરમિયાન 45 દિવસ સુધી અદાણી જૂથે ઈસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને મોટાપાયે સેવાકાર્યો કર્યાં હતાં. જેમાં ચેરમેન ગૌતમ અદાણી સ્વયં પણ સામેલ થયા હતા.