Tuesday, September 17, 2024
More
    હોમપેજમંતવ્યબાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના અનેક કિસ્સાઓ, ત્રણ-ચાર ઉઠાવીને તેનું ‘ફેક્ટચેક’ કરીને BBCએ...

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના અનેક કિસ્સાઓ, ત્રણ-ચાર ઉઠાવીને તેનું ‘ફેક્ટચેક’ કરીને BBCએ કહી દીધું- મુસ્લિમો દ્વારા હુમલાના દાવા ખોટા; કટ્ટર ઇસ્લામીઓને ક્લીનચિટ આપવાનો મીડિયાનો વધુ એક પ્રયાસ

    આમ કરીને અંતે સાબિત કરી દેવાશે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ કશું બન્યું જ ન હતું અને જે કંઈ સોશિયલ મીડિયા અને ભારતીય મીડિયામાં ચાલ્યું એ બધું પ્રોપગેન્ડાનો ભાગ હતું. પરંતુ આપણે પૂછતા રહીશું કે કશું બન્યું જ ન હતું તો ઢાકા સહિતનાં શહેરોમાં ‘જય મા કાલી’ના નાદ સાથે હિંદુઓએ રસ્તા પર ઉતરવાની જરૂર શા માટે પડી હતી? 

    - Advertisement -

    થોડાં વર્ષો પહેલાં સુધી હિંદુઓ વિરુદ્ધ દુનિયાના કોઇ પણ ખૂણે હિંસા થાય ત્યારે ડાબેરી ટોળકી અને તેમના જ પગલે ચાલતું મેઇનસ્ટ્રીમ મીડિયા સાથે થઈને કાં સમાચારને સાવ દબાવી દેતા અથવા તો કંઈક એવો એન્ગલ શોધી કાઢતા જેના કારણે વાત આખી અવળે પાટે ચડી જતી. બાંગ્લાદેશમાં સરકાર પલટા પછી હિંદુઓ વિરુદ્ધ જે નરસંહાર થયો તેમાં આ સમાચાર દબાવી દેવાની તરકીબો કામ એટલા માટે ન આવી કારણ કે સોશિયલ મીડિયા છે. જે કામ મેઈનસ્ટ્રીમ મીડિયા ન કરી શક્યું એ સોશિયલ મીડિયા અને તટસ્થતાની ફાંકા ફોજદારી કર્યા વગર કામ કરતા અમુક અલ્ટરનેટિવ મીડિયાએ કર્યું. બાંગ્લાદેશથી અમુક એવા અહેવાલો આવ્યા, સોશિયલ મીડિયા પર એવી સામગ્રી ફરતી થઈ, જેના થકી ત્યાં નિર્દોષ હિંદુઓ વિરુદ્ધ કટ્ટર ઇસ્લામીઓએ કેવો આતંક મચાવ્યો એ આખી દુનિયાએ જોયું. 

    હવે જ્યારે આ કિસ્સામાં ઘટનાને સાવ નકારી દેવી શક્ય નથી, કારણ કે જે છે એ નરી આંખે દેખાય છે, ત્યારે આ પરિસ્થિતિમાં મેઇનસ્ટ્રીમ મીડિયા અમુક અલ્ટ્રા-પ્રો-મેક્સ તકનીકોનો ઉપયોગ કરીને આ ઘટનાઓને ડાયેલ્યુટ કરી દેવા માટે સતત મહેનત કરી રહ્યું છે. પહેલાં ન્યૂયોર્ક ટાઈમ્સે હિંદુઓ વિરુદ્ધના હુમલાને ‘રિવેન્જ અટેક’ ગણાવ્યા હતા. એટલે કે એવું સાબિત કરવાનો પ્રયત્ન થયો કે હુમલા ભલે થતા હોય પણ તે તો રાજકીય કારણોસર થઈ રહ્યા છે, કારણ કે હિંદુઓને બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના સમર્થકો માનવામાં આવે છે, તેમાં ધાર્મિક કારણ (હિંદુઓને તેમની ધાર્મિક ઓળખના કારણે મરવામાં આવતા હોય તેવું) કશું જ નથી. પછીથી કતારની સરકારના પૈસે ચાલતા અને ઘણી વખત ભારત વિશે ઘસાતું લખી ચૂકેલા ‘અલ-જઝીરા’એ આવો જ રસ્તો પકડ્યો અને ભારતમાં જે મીડિયા સંસ્થાઓએ હિંદુઓ વિરુદ્ધ થતા અત્યાચારો પર રિપોર્ટિંગ કર્યું તેને ‘ઇસ્લામોફોબિયા’ ગણાવી દેવાયું. 

    જેમ-જેમ બાંગ્લાદેશમાં હિંદુઓનાં ઘરો, મંદિરો પર હુમલાઓની ઘટનાઓ સામે આવવા માંડી તેમ ભારત અને અન્યત્ર સક્રિય અમુક ફેક્ટચેકરોએ પણ એજન્ડા ચલાવવાનો ચાલુ કરી દીધો હતો અને ‘હ્યુમન ચેઇન’વાળું તૂત ફરી ફરતું કર્યું હતું. હ્યુમન ચેઇન એટલે માનવસાંકળ. આ ટોળકી આપણને એવું શીખવી રહી છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થતા હુમલાઓની વાત ખોટી છે અને ઉપરથી મુસ્લિમો મંદિરોની રક્ષા કરી રહ્યા છે. આજ સુધી આમાંનો એકેય એ સમજાવી શક્યો નથી કે માની લઈએ કે મુસ્લિમો રક્ષા ખરેખર કરી રહ્યા છે, પણ પ્રશ્ન એ છે કે રક્ષા કોનાથી કરવામાં આવી રહી છે? આ જવાબમાં જ સમગ્ર એજન્ડા છુપાયેલો છે. 

    - Advertisement -

    હવે BBC એક રિપોર્ટ લઈને આવ્યું છે. ભારતવિરોધી અને ખાસ કરીને આવી સાંપ્રદાયિક બાબતોમાં મુસ્લિમ પક્ષે રિપોર્ટિંગ કરીને હિંદુઓને ઝૂડવામાં આગળ પડતાં ઘણાં નામોમાં એક આ પણ ખરું. રવિવારે (18 ઑગસ્ટ) BBC પર પ્રકાશિત એક રિપોર્ટનું શીર્ષક છે- ‘ફાર રાઈટ સ્પ્રેડ્સ ફોલ્સ ક્લેઈમ્સ અબાઉટ મુસ્લિમ એટેક્સ ઇન બાંગ્લાદેશ’. સરળ ગુજરાતી આવું કરી શકાય- ‘બાંગ્લાદેશમાં મુસ્લિમો દ્વારા હુમલાઓ વિશે ખોટા દાવા કરી રહ્યા છે અંતિમવાદી દક્ષિણપંથીઓ’.

    રિપોર્ટમાં શું છે? 

    BBC કહે છે કે, સોશિયલ મીડિયા પર ઇમારતો બાળવામાં આવી રહી હોય તેવા, ભયાનક હિંસાના અને મહિલાઓ મદદ માંગતી હોવાના વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે અને તેને શૅર કરનારા લોકો કહે છે કે, આ બાંગ્લાદેશમાં  ‘હિંદુ નરસંહાર’નો પુરાવો છે. પરંતુ BBCના હોનહાર પત્રકારોનું કહેવું છે કે તેમણે આમાંના ઘણા વિડીયો અને દાવાની તપાસ કરી તો ખોટા નીકળ્યા. (અહીં ‘મેની’ એટલે કે ‘ઘણા’ શબ્દપ્રયોગ થયો છે. પણ વાસ્તવમાં રિપોર્ટમાં ત્રણથી ચાર જ કિસ્સા છે!)

    ત્યારબાદ BBCએ અમુક કિસ્સાઓ ટાંક્યા છે. પહેલો છે એક મંદિર પર હુમલાના દાવા વિશેનો. BBCએ ભારતમાં અમુક રાઈટ વિંગરો (લેખમાં તેમને ફાર રાઈટ કે અંતિમવાદી દક્ષિણપંથીઓ ગણાવ્યા છે) પર ખોટા વિડિયો અને માહિતી સોશિયલ મીડિયા પર ફરતાં કરીને હિંદુઓ વિરુદ્ધ કટ્ટરપંથી ઇસ્લામીઓ હિંસક એજન્ડા સાથે સાંપ્રદાયિક હિંસા આચરતા હોવાના દાવા કરવાનો આરોપ લગાવી દીધો છે. 

    એક વાયરલ પોસ્ટને ટાંકીને કહેવામાં આવ્યું કે, તેમાં ઇસ્લામીઓએ એક મંદિરને આગ લગાવી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પણ BBCના પત્રકારોએ જાણ્યું કે, ઘટના એક આવામી લીગની ઑફિસમાં બની હતી અને જે મંદિરની વાત થઈ રહી છે તે નજીક જ આવેલું છે અને તેમાં કોઇ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. 

    BBCનો રિપોર્ટ

    અન્ય એક પોસ્ટનો આધાર લઈને કહેવામાં આવ્યું કે, તેમાં એક બાંગ્લાદેશી હિંદુ ક્રિકેટરના ઘરને આગ લગાડી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો પરંતુ વાસ્તવમાં તો જે ઘરના વિડીયો ફરી રહ્યા છે તે આવામી લીગના એક મુસ્લિમ નેતાનું ઘર હતું. આગળ એક UKના નેતાની પોસ્ટનો આધાર લઈને કહેવામાં આવ્યું કે એક મહિલાનો મદદ માંગતો વિડીયો શૅર કરવામાં આવી રહ્યો છે,  જેમાં તે પોતાના ઘર પર થયેલા હુમલા વિશે વાત કરે છે અને કહે છે કે તેની અને તેના પતિની જિંદગીને જોખમ છે. BBCનું કહેવું છે કે વિવાદ જમીનને લઈને હતો અને કેસ તો બહુ પહેલાં દાખલ થઈ ગયો હતો. સાથે અમુક સ્થાનિકો સાથે વાત કરી હોવાનો દાવો કરીને કહ્યું કે, હુમલો ધાર્મિક કારણોસર થયો ન હતો. 

    BBCએ રિપોર્ટમાં AFPના એક બાંગ્લાદેશ સ્થિત ફેક્ટચેકરનું નિવેદન પણ ટાંક્યું છે, જેમાં તેઓ કહે છે કે, હિંદુઓની સંપત્તિઓ પર હુમલા તો થઈ રહ્યા છે, પરંતુ ભારતના અમુક દક્ષિણપંથીઓ આ રાજકીય કારણોસર થતા હુમલાને ‘ધાર્મિક એન્ગલ’ આપીને શૅર કરી રહ્યા છે. અન્ય અમુકને ટાંકીને લખવામાં આવ્યું છે કે આવા ખોટા દાવાના કારણે સ્થિતિ વધુ બગડી રહી છે! 

    અંતે ‘હ્યુમન ચેઇન’નો પ્રોપગેન્ડા અહીં પણ ચલાવાયો છે. હાસ્યાસ્પદ રીતે BBC દાવો કરે છે કે જ્યારે હિંદુઓ પર હુમલાઓ થતા હોવાના ખોટા દાવા ઓનલાઈન વાયરલ થઈ ગયા તો અમુક મુસ્લિમોએ મંદિરોની રક્ષા કરવાનો નિર્ણય કર્યો. અમુક મુસ્લિમ યુવાનોને ટાંકવામાં આવ્યા છે, જેમાં તેઓ મંદિરોની રક્ષા કરવી તેમની ‘જવાબદારી’ ગણાવે છે. BBCએ પણ એ કહ્યું નથી કે આખરે આ મંદિરોની રક્ષા કરવાની જરૂર શા માટે પડી? શું હિંદુઓ જ પોતાનાં મંદિરો પર હુમલા કરે? ના. 

    સો સાચા કિસ્સામાંથી 2-3 ભ્રામક દાવાને આગળ કરવાની તરકીબ વર્ષો જૂની 

    આ વાસ્તવમાં એક વર્ષો પુરાણી તકનીક છે. જેમાં એકસો કિસ્સાઓમાંથી અમુક જેનું ‘ફેક્ટચેક’ કરી શકાય અને જેને ખોટા કે ભ્રામક સાબિત કરી શકાય એવા કિસ્સાઓને લઈને વાચકોના માથે મારી દેવામાં આવે છે અને આખી ઘટનાને જ અવળે પાટે ચડાવી દેવાય છે. આ રિપોર્ટ વાંચનારને પણ સ્વાભાવિક લાગે કે મંદિરો પર કે હિંદુઓનાં ઘરો પર થતા હુમલાઓની વાતો તો ખોટી છે. પણ હકીકત એ છે કે આ માત્ર ત્રણથી ચાર કિસ્સાઓ છે. જ્યારે વાસ્તવમાં હિંદુઓ વિરુદ્ધની હિંસાના સેંકડો કિસ્સા બન્યા છે. (ઑપઇન્ડિયાએ આ ઘટનાઓના ઘણા વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કર્યા છે, જેમાંથી એક પાંચ હજાર શબ્દોનો છે. આ લખાણ તમે જે વાંચો છો એ હજારેક શબ્દોનું હશે. એટલે આનાથી પાંચ ગણો મોટો રિપોર્ટ.) 

    ત્રણ-ચાર કિસ્સાઓમાં ભ્રામક દાવા થયા હોય કે તેનું ફેક્ટચેક થયું હોય એનો અર્થ એ નથી કે હિંદુઓ વિરુદ્ધ કશું બન્યું જ નથી. 100માંથી 3-4 કેસને ઉપાડી લઇને કોઇ નિષ્કર્ષ ઉપર ન પહોંચી જવાય. સોશિયલ મીડિયાનો જમાનો છે, દરરોજ લાખો પોસ્ટ્સ શૅર થતી હોય છે તેમાંથી ઘણી ભ્રામક હોવાની. પણ બીજી તરફ, સાચી, ગ્રાઉન્ડ પરની માહિતી દર્શાવતી અનેક પોસ્ટ્સ હતી, અનેક લેખો અને રિપોર્ટ હતા, જેમાં હિંદુઓ પરના હુમલાની માહિતી હતી. તે કેમ ન દેખાઈ? કે તેનું ફેક્ટચેક કેમ ન થયું? 

    આવું કરીને કટ્ટર ઇસ્લામીઓને સીધેસીધી ક્લીનચિટ આપી દેવામાં આવે છે. કે હુમલાઓ તો ક્યાંય થયા જ નથી અને બિચારા નિર્દોષ કટ્ટરપંથીઓને ખોટા બદનામ કરવામાં આવી રહ્યા છે. BBCના રિપોર્ટમાં ક્વોટ કરીને લખાયું છે કે આવા દાવાઓથી સ્થિતિ બગડે છે. પણ જેઓ ખરેખર ટોળાં લઈને હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેમના વિશે શું? સ્થિતિ કોણ વધુ બગાડી રહ્યું છે? હ્યુમન ચેઇન જેઓ બનાવી રહ્યા છે તેઓ કોનાથી મંદિરોની રક્ષા કરવા માટે બનાવે છે? જે હિંદુ ગાયકનું ઘર બાળી દેવામાં આવ્યું અને સંગીતનાં હજારો સાધનો ફૂંકી મારવામાં આવ્યાં, તે ઘટનામાં આ હ્યુમન ચેઇન બનાવનારી ટોળકી ક્યાં બેસી રહી હતી? 

    જોકે, અહીં પણ છેલ્લે-છેલ્લે સ્વીકારવામાં તો આવ્યું છે કે હિંદુઓ પર હુમલાઓ થઈ રહ્યા છે, પણ તેમાં જૂનો અને જાણીતો પ્રોપગેન્ડા એ ઉમેરવામાં આવ્યો કે હુમલાઓ પાછળનું કારણ ધાર્મિક ઓળખ નહીં પણ રાજકીય છે. આવું જ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ ચલાવ્યું હતું. દાવો એવો છે કે હિંદુઓને શેખ હસીનાની પાર્ટીના સમર્થકો માનવામાં આવે છે, એટલે તેમની વિરુદ્ધ હુમલાઓ થઈ રહ્યા છે. પરંતુ આવા કિસ્સાઓમાં મઝહબ અને રાજકારણ ક્યારેય છૂટા પાડી શકાય નહીં. એ સ્વીકારવું પડશે કે હિંદુઓને તેઓ હિંદુ હોવાના કારણે જ પ્રતાડિત કરવામાં આવ્યા છે. બાકી, તેમની વિરુદ્ધ બાંગ્લાદેશમાં હમણાં જ હિંસા થઈ હોય તેમ નથી, ભૂતકાળમાં પણ અનેક કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે પણ રાજકીય જ કારણ હતું? 

    સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. જે હિંદુઓ પલાયન કરીને ભારત-બાંગ્લાદેશની સરહદ પર એકઠા થઈ રહ્યા છે તે સાબિત કરવા માટે વધુ મહેનતની જરૂર નથી. ત્યાં નવી વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે PM મોદી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે હિંદુઓ પર હુમલા થયા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. જો બાંગ્લાદેશમાં કશું બન્યું જ ન હોય તો આ બધું શું છે તે પ્રશ્ન એજન્ડા ચલાવનારાને પૂછવો જોઈએ. 

    આવા અહેવાલો, લખાણો અને તેમની પાછળનો એજન્ડા સમજવો જરૂરી છે. આમ કરીને અંતે સાબિત કરી દેવાશે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ કશું બન્યું જ ન હતું અને જે કંઈ સોશિયલ મીડિયા અને ભારતીય મીડિયામાં ચાલ્યું એ બધું પ્રોપગેન્ડાનો ભાગ હતું. પરંતુ આપણે પૂછતા રહીશું કે કશું બન્યું જ ન હતું તો ઢાકા સહિતનાં શહેરોમાં ‘જય મા કાલી’ના નાદ સાથે હિંદુઓએ રસ્તા પર ઉતરવાની જરૂર શા માટે પડી હતી? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં